ક્રુડ ઓઇલના ભાવ આસમાને ગયા ફાયનાન્સીયલ માર્કેટમાં પણ ભારે ઉથલપાથલ

ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. ૧૭: સાઉદી અરેબિયા પર થયેલા હુમલાને લીધે ક્રુડ ઓઇલના ભાવ તો આસમાને ગયા પણ ફાયનાન્સીયલ માર્કેટમાં પણ ભારે ઉથલપાથલ કરાવી મુકી. ક્રુડ ઓઈલ બજારમાં સપ્ટેમ્બરના પહેલા સપ્તાહની માફક જ બીજા સપ્તાહનાં આરંભે જબ્બર અફડાતફડી સર્જાઈ છે. યમનના હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના અબ્કિક અને ખુરૈસ ઓઈલ પ્રોસેસીંગ ફેસેલીટીનાં ૧૭ પોઈન્ટ ઉપર દ્રોન હુમલા કરીને દૈનિક ૫૭ લાખ બેરલ (અથવા સાઉદીના ૫૦ ટકા) ઉત્પાદન પર વ્યાપક અસર ઉભી કરી છે. આ હુમલાની જવાબદારી સ્વીકારીને હુથી પ્રવક્તાએ કહ્યું હતું કે સાઉદી અરેબિયા પર અત્યાર સુધીનો આ સૌથી મોટો હુમલો હતો. સાઉદીની સૌથી મોટી રાષ્ટ્રીય ઓઈલ કંપની અરમાકોનો લક્ષ્યાંક છે કે ૨૦ લાખ અથવા ૩૩ ટકા ક્રુડ ઉત્પાદન સોમવાર સુધીમાં પુન: સ્થાપિત કરી દેવામાં આવશે. પરંતુ આટલા ઝડપી ઉત્પાદન તરફ પાછાં વળીશું એવા આશાવાદ સાથે હું સહમત નથી, એમ આ ઘટના સાથે સંકળાયેલા અરમાકો અધિકારીએ કહ્યું હતું.

બજારમાં સપ્લાય પ્રવાહ જળવાઈ રહે તે હેતુથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ દેશના વ્યુહાત્મક પેટ્રોલીયમ રીઝર્વમાંથી તત્કાળ પુરવઠો મુક્ત કરવાનું સત્તાવાર રીતે જાહેર કરતા ક્રુડ ઓઇલની ઝડપી તેજીને બ્રેક લાગી હતી. અબ્કિક પ્રોસેસિંગ ફેસેલીટીમાં દૈનિક ૭૦ લાખ બેરલ ક્રુડ ઓઈલ સ્ટેબીલાઈઝેશન કરતો વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ છે. દૈનિક ૧૫ લાખ ટન પ્રોસેસિંગ ક્ષમ્તા સાથે ખુરૈસ બીજા નંબરે છે. ઓગસ્ટમાં સાઉદી અરેબિયાએ દૈનિક સરેરાશ ૯૮.૫ લાખ બેરલ ઉત્પાદન કર્યું હતું. આ હુમલા બાદ સોમવારે એશિયન બજાર ખુલતા જ, ૧૯૮૮મા શરુ થયેલા બ્રન્ટ ક્રુડ ઓઈલ વાયદામાં એકીસાથે ભાવ ૧૯.૫ ટકા ઉછળીને ૭૧.૬૨ ડોલર થયાની આ પહેલી ઘટના હતી.

ડબલ્યુટીઆઈ અમેરિકન વાયદો ૧૫.૫ ટકા ઉછળી ૬૩.૩૪ ડોલર થયો હતો. મંગળવારે એશિયન ટ્રેડીંગ કલાકોમાં બ્રેન્ટ ઘટીને ૬૭.૨૨ ડોલર અને ડબ્લ્યુટીઆઈ ૬૧.૩૫ ડોલર બોલાયા હતા. આ ઘટનામાં મુખ્ય કાવતરાખોર કોણ છે અને શા માટે આમ કર્યું છે? તે અમે જાણીએ છીએ, અને અમે તેને સજા કરીશું. અમે સાઉદી સાથે મળીને આ પ્રક્રિયા શરુ કરી દીધી છે. અમેરિકાએ તો મહત્વના પ્રોસેસિંગ ફિલ્ડ પર ઈરાન પ્રેરિત ડ્રોન હુમલાનો આરોપ લગાવી દીધો છે. યુએસ ગૃહ પ્રધાન માઈક પ્રોમ્પોએ એક ટ્વીટર મારફત કહ્યું હતું કે વૈશ્વિક એનર્જી પુરવઠા પર ઈરાને માની ન શકાય તે પ્રકારે આફત ઉતારવાનું કામ કર્યું છે.

જેફરીઝ ક્યુરીના એનાલિસ્ટે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ ઘટનાથી ગલ્ફ વિસ્તારમાં અમેરિકા અને સાઉદી અરેબિયા દ્વારા વળતા હુમલાનો ભય વધી ગયો છે, આ જોતા ક્રુડ ઓઇલના ભાવમાં પાંચથી ૧૦ ડોલરનું રાજકીય પ્રીમીયમ અસ્તિત્વ ધરાવે છે. ઓપેક દેશોએ સાઉદી સત્તાવાળાઓ સાથે નિયમિત સંપર્કો વધારી દીધા છે, અને તેમણે ઓઈલ પુરવઠા સામેના પડકારો ઝીલવાનું શરુ કરી દીધું છે, એમ ઓપેક સેક્રેટરી જનરલ મોહમદ બાર્કીન્દોએ કહ્યું હતું. આઈઈએ ડેટાને આધારે કહીએ તો સાઉદી ઉત્પાદન ઘટને કારણે જો ઓપેક અને સાથી દેશો વર્તમાન ઉત્પાદન કાપ પાછો ખેંચી લે તો પણ દૈનિક ૯ લાખ બેરલ વધારાનું ક્રુડ ઓઈલ બજારમાં ઠાલવી શકે તેમ છે.

૧૯૭૯ના ઈરાનીયન ઇસ્લામિક રીવોલ્યુશન અને ૧૯૯૦ની ગલ્ફ વોર વખતે ઈરાક અને કુવેતમાં ઉત્પાદન કાપ આવ્યો હતો, તેના કરતા પણ આ વખતે એકાએક આવેલો સાઉદી કાપ ખુબ મોટો દૈનિક ૫૭ લાખ બેરલનો છે. આમ જોવા જઈએ તો આખા વિશ્વની દૈનિક ૧૦૦૦ બેરલની માર્કેટ વપરાશ કે માંગ સાઈઝ સામે ટકાવારીની દ્રષ્ટીએ સાઉદી ઉત્પાદન ઘટ સાવ મામુલી છે.