ક્રુડ ઓઈલ બજારમાં ગુરુ અને શુક્રવારે આસમાની સુલતાની નજારા જોવા મળ્યા. ગુરુવારે કલ્પના બહારના ગાબડા પડ્યા અને જેમણે આગલે દિવસે શોર્ટ શેલ (માથે મારેલું વેચાણ) કરી ગયા હતા, તેવા મંદીવાળા વેચાણ કાપીને બીજા દિવસે નફો બુક કરી ગયા. ૨૦૦૮ પછી પહેલી વખત અમેરિકન ફેડરલ રીઝર્વ વ્યાજદર ઘટાડશે, એવી હવા પાછળ સપ્તાહના આરંભથી ધીમી ગતિએ બજાર વધી હતી. પણ આખરે વાસ્તવિક જાહેરતા સાથે હવે પછી ટૂંકાગાળામાં વ્યાજદર ઘટાડવામાં નહિ આવે, તેવા સંકેતો રોકાણકારોમાં જવા લગતા ડોલર મજબુત થવા લાગ્યો હતો અને મંદીવાળા સટ્ટોડીયાના ધોતિયા ઢીલા થઇ ગયા હતા.
ગુરુવારે ટ્રેડ વોરમાં નવું ઉંબાડિયું ચાંપવામાં આવ્યું અને ચીને વળતી ધમકીમાં કહી દીધું, અમે શાંત નહિ બેસી રહીએ. એક જ દિવસમાં ક્રુડ ઓઈલમાં ૭.૯ ટકાના ઘટાડાની આ પહેલી ઘટના ચાર વર્ષ પછી બની. ટ્રમ્પએ કે આશ્ચર્યજનક નિવેદનમાં કહ્યું અમે ચીનના ૩૦૦ અબજ ડોલરના આયાત વેપાર પર ૧ સપ્ટેમ્બરથી ૧૦ ટકા વધારાની આયાત જકાત નાખીશું. આનું સીધી પ્રતિબિંબ શેર અને ક્રુડ ઓઈલ બજારમાં ઝીલાયું. રોકાણકારોને લાગ્યું કે હવે જાગતિક અર્થતંત્રો ધીમા પડશે. કોમોડીટી બજારોમાં પણ તેની અસરો જોવા મળી. સોયાબીન, માકાઈ, રૂ વાયદા પણ સમાંતર ઘટ્યા હતા. બ્રન્ટ ક્રુડ વાયદો શુક્રવારે ૩ ટકા વધી ૬૧.૨૭ ડોલર બંધ રહેવા અગાઉ ગુરુવારે ૭.૯ ટકા તુટ્યો હતો. અમેરિકન બેંચમાર્ક ડબલ્યુટીઆઈ ક્રુડ વાયદો પણ આવીજ વધઘટે શુક્રવારે ૫૩.૨૩ ડોલર બંધ થયો હતો.
પણ શુક્રવારે અમેરિકન ક્રુડ ઓઈલ સાપ્તાહિક સ્ટોકના આંકડા તેજી તરફી આવતા, ટ્રેડ વોરની સ્થિતિની બજાર પરની અસર ધીમી પડી હતી. યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનને સતત સાતમાં સપ્તાહે કમર્સિયલ ક્રુડ ઓઈલ સ્ટોક સતત ઘટ્યાના અહેવાલ આપ્યા હતા. એસએન્ડ સર્વેક્ષણ મુજબ ૩૯ લાખ બેરલ અને એમેરિકન પેટ્રોલીયમ ઇન્સ્ટીટ્યુટનાં ૬૦ લાખ બેરલ સ્ટોક ઘટાડા સામે ઈઆઈએ વાસ્તવિક સ્ટોક ઘટાડો ૮૫ લાખ બેરલ મુક્યો હતો. સ્ટોરેજમાં કુલ ૪૩૬૫ લાખ બેરલ જમા થયો હતો, જે પાંચ વર્ષના આ સમયગાળાની સરેરાશ જેટલો જ હતો. આ તરફ લિબીયાના સરારાહ વિસ્તારમાં ઘણા બધા અઠવાડીયા પછી તેલ કુવાઓ ઓફલાઈન થતા પહેલી વખત દૈનિક ૯.૫ લાખ બેરલ ઉત્પાદન ઘટ્યું હતું.
ચાર મહિના સુધી લીબિયામાં સવિલ વોર જેવી સ્થિતિ રહ્યા પછી સલામતીની સમસ્યા વધુ વકરતા ઉત્પાદન કાપ આવી ગયો હતો. આ તરફ ઈરાનની જુલાઈ નિકાસ પણ દૈનિક ૧ લાખ બેરલ ઘટી હતી. અલબત્ત, બજારમાં આ ડેટા સંદર્ભે અસમંજસતા ફેલાયેલી છે. કારણ કે જુનમાં નિકાસ ઘટાડાનો આંકડો દૈનિક ૪ લાખ બેરલનો હતો. ઓપેક દેશોનું ઉત્પાદન પણ ૮ વર્ષના તળિયે ગયું છે. જુલાઈમાં ઓપેકનું ઉત્પાદન દૈનિક ૨૯૪.૨ લાખ બેરલ હતું, જે જુન કરતા ૨.૮ લાખ બેરલ ઓછું હતું. સાઉદી અરેબિયાએ સ્વેચ્છિક ઉત્પાદન કાપ સ્વીકાર્યો હતો, ઈરાન અને લિબીયાના ઉત્પાદન ઘટનો પણ ઓપેક ઉત્પાદન આંકડામાં સમાવેશ થયો છે.
ટ્રમ્પ હવે વેનેઝુએલાને પણ જાગતિક વેપારમાંથી અલગથલગ પાડી દેવા માંગે છે. અમેરિકન પ્રમુખને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે શુ વેનેઝુએલા સાથે પણ વેપાર પ્રતિબંધનું વિચારી રહ્યા છો? ત્યારે તેમણે કહ્યું હતું કે હા, હું એમ કરવા ઈચ્છું છું. અલબત્ત તેમણે વધુ વિગતો આપી ન હતી. જાગતિક અર્થતંત્રો ધીમા પડવાનું જોખમ હોવા છતાં, ક્રુડ ઓઈલની માંગમાં બહુ મોટો ઘટાડો થઇ જશે, એવું માનવું વધુ પડતું છે. કોમર્ઝબેંકએ એક નોંધમાં કહ્યું હતું કે અમે નિશ્ચિતપણે માનીએ છીએ કે ઓપેક આગામી મહિનાઓમાં ઓઈલ માર્કેટમાં સપ્લાય ઘટાડીને, વૈશ્વિક સપ્લાય પર નિયંત્રણ જાળવવામાં સફળ રહેશે. આમ અમારું માનવું છે કે જેમજેમ વર્ષ અગ્રેસર થશે, તેમતેમ ક્રુડ ઓઇલના ભાવ તેજી તરફી ઝોક ધરાવશે.