ખંડણી માટે નહીં નોકરી માટે સ્વાન કંપનીના મેનેજરનું અપહરણ

બેકારી અને કંપની રાજ – દિલીપ પટેલ

દરિયાકાંઠે બંદર બનાવી રહેલી સ્વાન કંપની સથાનિકોને રોજગારી આપતી ન હોવાથી તેના મેનેજરનું અપહરણ કરીને સ્થાનિક લોકોને કામ આપવા માટે માંગણી કરવામાં આવતાં ગુજરાતમાં હવે નોકરી માટે અપહરણ થવા લાગ્યા છે. જે ભાજપ સરકારની નિષ્ફળતાં જણાય છે. સ્વાન કંપનીના પ્રોજેક્ટ મેનેજર વી.કે. શ્રીધરનનું અપહરણ એટલા માટે કહ્યું હતું કે, ચેતન ભુવા નામના માણસને કંપનીમાં કામ મળતું ન હતું.

અપહરણ થયું હોવાની જાણ થતાં જ 27 ડિસેમ્બર 2018માં પોલીસે અત્યંત ઝડપી કામ શરૂ કર્યું હતું. જેમાં અપહરણકારોને આજે પકડી પાડ્યા હતા. જેની તપાસ કરતાં એવું બહાર આવ્યું હતું કે અપહરણ કરનારાઓએ કોઈ ખંડણી માંગી ન હતી પણ તેઓ રોજગારી માંગી રહ્યાં હતા.

સ્‍વાન કંપનીના પ્રોજેકટ મેનેજર વી.કે. શ્રીધરન પોતાની કારમાં ઘરે જઈ રહ્યાં હતા ત્યારે ડ્રાઈવરને દૂધ લેવા માટે મોકલ્યો હતો અને અપહરણકારો તેમનું અપહરણ કારમાં કરી ગયા હતા. અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે કંપનીનો કેસ હોવાથી તુરંત કામ હાથ પર લીધું હતું. ખેડૂતો આત્મ હત્યા કરે છે ત્યારે આટલી ઝડપથી કામ થતું નથી. રાયે અપહરણના ગુન્‍હાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી અપહરણ થયેલા વ્‍યકિતને સલામત છોડાવવા ખાસ આદેશો કર્યા હતા. પોલીસની 5 ટૂકડી પાડીને આરોપીઓને શોધી કાઢવા ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું.

તાત્‍કાલિક અસરથી અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ અન્‍ય જિલ્‍લાઓમાં નાકાબંધી કરવામાં આવી હતી.  વી.કે. શ્રીધરનને રાજુલા-હિંડોરણા ચોકડી પાસેથી સલામત છોડાવેલા હતા. જ્યારે અહીં લોકો રોજગારી માટે આંદોલન કરતાં હતા ત્યારે પોલીસે તેમને પોલીસ સ્ટેશનમાં પૂરી રાખ્યા હતા. તેમની ફરિયાદો પણ પોલીસે લીધી ન હતી. અપહરણ કરનારાઓમાં રાજુલાના ચેતન વાજસુર ભુવા, ખાંભલીયાના ગભરૂ સાર્દુલ લાખણોત્રા, રામપરાના મુકેશગીરી માધવગીરીને પકડી લીધા હતા. જેની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે અપહરણ ખંડણી માટે નહીં પણ નોકરી માટે કર્યું હતું.

60 લાખ બેકાર આવું કરે તો શું

ગુજરાતમાં 60 લાખ શિક્ષિત યુવાનો બેકાર છે અને ઓછું ભણેલા હોય એવા એક કરોડ લોકો બેકાર હોવાનું અનુમાન છે. તલાટી માટે 14 લાખ લોકોએ અરજી કરી ત્યારે આ હકીકતો સામે આવી હતી. નોકરી આપવા માટે ગુજરાતમાં અનેક આંદોલનો થયા છે. જેમાં સ્વાન કંપની પણ એક છે. જો 60 લાખ બેકાર યુવાનો આ રસ્તે જાય તો ગુજરાતની શું સ્થિતી થઈ શકે તે એક પ્રશ્ન છે.

શું છે સ્વાન એનર્જી કંપની  ?

નોકરી માટે આંદોલન

અમરેલી આસપાસના ગામ લોકોએ સ્વાન એનર્જી કંપની સામે આંદોલન કરીને એવી માંગણી કરી હતી કે તેમને નોકરી આપવામાં આવે. તેમની અનેક સમસ્યા અંગે પણ ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ભાજપના ટોચના નેતાઓ સમક્ષ રજૂઆત કરી હતી. પણ તેમનો કોઈ ઉકેલ આવ્યો ન હતો. લોકો માંગણી કરી રહ્યાં હતા કે તેમને જમીન આપવામાં આવે તો બેકારી દૂર થઈ શકે તેમ છે. લોકોને જમીન આપવાના બદલે સ્વાન કંપનીને જમીન આપી હતી. કલેકટર કચેરી સામે 29 એપ્રિલ 2018થી ઉપવાસ આંદોલન કર્યું હતું.

કાયદાનો ભંગ કરી જમીન આપી, નોકરી નહીં

રાજુલા તાલુકામાં આવેલી GHCL કંપનીની વાત ભાજપ સરકારે સાંભળી છે, પણ આસપાસના 19 ગામના લોકોની રોજગારીની વાત સાંભળી નથી. રાજુલા તાલુકાના ભેરાઈ, પીપાવાવ, કથીવદર, ખેરા, ચાંચબંદર, વીકટર, પીપાવાવધામ, નિંગાળા, કઠીવદર, પટાવા ગામની 10 હજાર એકર જમીનમાં ખારા પાણીનાં તળાવો ભરી રાખીને GHCL કંપની હજારો ટન મીઠાનું ઉત્‍પાદ કરે છે. તેના કારણે આજુબાજુના તમામ ગામોના તળનાં પાણી ખારા થઈ ગયા છે, તેથી ખેડૂતોના ખેતરો ખરાબ થઈ રહ્યાં છે.

10 હજાર લોકોની રોજાગારી છીનવી

GHCL કંપનીએ રાજકીય નેતાઓના સ્વયંસંચાલિત સાધનોનો ઉપયોગ કરીને 10 હજાર લોકોની રોજગારી છીનવી લીધી હોવાના આરોપ સાથે 19 ગામના લોકોએ આંદોલન કર્યું હતું. અગરીયાઓને રોજગારી મેળવવા માટે છેક ભરૂચ, દહેજ તેમજ કચ્‍છના વિસ્‍તારોમાં જવું પડે છે. GHCL કંપનીને શરતભંગની નોટીસ પણ આપેલી હતી. નોટીસો આપ્‍યા બાદ ગુજરાત સરકારે સોદાબાજી કરીને ભીનું સંકેલી લીધું છે. GHCL કંપનીની લીઝ 2013માં પૂરી થઈ ગઈ હતી. સરકારના અધિકારીઓએ 2018 સુધી અટકાવી રાખી હતી. 2018માં GHCL કંપનીની સામે ગેરરીતિ અને દબાણોની ફરિયાદ સાથે આંદોલન કર્યું હોવા છતા લીઝ રદ કરવાના બદલે ફરીથી 30 વર્ષના ભાડાપટ્ટે લીઝ રીન્‍યુ કરી આપવામાં આવી છે. જો આ જમીન સ્થાનિક લોકોને આપવામાં આવી હોત તો 10 હજાર લોકોને સીધી રોજગારી મળી હોત.

ગરીબોને નાનો પ્લોટ નહીં

સરકારની યોજના છે કે જેમની પાસે ઘર ન હોય તેમને 25 ચોરસ મીટરનો પ્લોટ આપવો. પણ ભાજપ સરકાર ગરીબોને પ્લોટ આપતી નથી. અમરેલી જિલ્‍લામાં ગરીબ પરિવારને નાનકડું મકાન બનાવવા માટે 50 મીટર જમીન મળતી નથી, સામે કંપનીઓ અને માથાભારે લોકો લાખો ચોરસ મીટર જમીન પર દબાણ કરી દીધા છે. તેમને અમરેલી કલેક્ટર દ્વારા ખસેડવામાં આવતાં નથી.

ખેડૂતોને જમીન પરથી હાંકી કઢાયા

ગામ લોકોની માંગણી છે કે આ કંપનીનું બાંધકામ ચાલુ થયું છે, જે અટકાવી દેવામાં આવે. કંપની દ્વારા ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર કે લોક સુનાવણી કર્યા વગર કામ શરૂ કરી દેવાની સરકારે મંજૂરી આપીને કંપની મનમાની ચલાવી રહી છે. તેથી કંપનીનું બાંધકામ અટકાવીને કંપીને અહીંથી હઠાવી દેવામાં આવે. કંપની ગામને નડતરરૂપ છે. ગામની તમામ જમીનનો ઉપયોગ કરી રહી છે. કંપની અમારા ગામનું નામ છૂપાવવા માંગે છે અને જાફરાબાદના નામે વહીવટ કરે છે. ગામમાં લોક સુનાવણી કરવી પડે તે કરી નથી. ખેડૂતોને જાણ વગર તેમની જમીન પર ફેન્સિંગ કરી નાખે છે. અમારી જમીન પરથી હાંકી કાઢે છે. ગરીબ લોકો હોવાથી તેઓ સામનો કરી શકતાં નથી.

કંપની સામે આંદોલન

અમરેલીના પીપાવાવધામ કે જે ગામનાં ગ્રામજનોએ સ્વાન અને GHCL કંપની અને ભૂમાફિયાઓનાં કબજામાંથી ગામની જમીન છોડાવવા 76 દિવસનું ઉપવાસ આંદોલન કર્યું હતું. 35 જેટલા દિવસ સુધી પાંચ લોકોએ આમરણાંત ઉપવાસ કર્યા હતા. જેમાં એક નાગરિકનું મોત થયું હતું. આંદોલન પછી દબાણો દૂર કરવાની કામગીરી કલેક્ટર દ્વારા હાથ ધરવામાં આવી હતી. સ્વાન અને GHCL કંપની અંગે લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. ત્‍યારબાદ ગ્રામજનોએ પારણાં કર્યા હતા. અમરેલીના રાજુલા-ઝાફરાબાદના પીપાવાવ ધામ ગામ સહિતના 15-19 ગામના લોકો દ્વારા ‘દરિયાકાંઠો બચાવો’ના નારા સાથે અહિંસક આંદોલન ચાલ્યું હતું. કાંઠાની અતિ કિંમતી જમીન પર ગુજરાત હેવી કેમીકલ્સ લી. (GHCL) કંપની અને ખાનગી ભૂમાફીયાઓ દ્વારા થયેલા જમીન દબાણને દૂર કરવાની માગ સાથે 5,000 લોકોએ આંદોલન કર્યું હતું. શ્રમજીવી અગરીયાઓ અહીં પહેલાં મીઠું પકવતાં હતા હવે કંપની આવી જતાં તેમની રોજગારી જતી રહી છે. અહીં દરિયાઈ જીવ ઝીંગાનું ઉત્પાદન થાય છે. અમરેલી કલેક્ટર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતાં નથી. અગાઉ ગામના લોકોએ પીપાવાવ ધામ ગ્રામ પંચાયત અને શાળાને તાળાબંધી કરીને તંત્રને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો પણ ભ્રષ્ટાચારમાં આળોટતાં અધિકારીઓ પ્રજાની વાત સાંભળવા તૈયાર નથી. રાજુલાનાં દરિયાકાંઠે આવેલા ગામો જેવા કે, વીકટર, પીપાવાવ ધામ, નિંગાળા, કઠીવદર, ચાંચ, ખેરા, પટાવાનાં અનેક ગામનાં શ્રમજીવી લોકો જે મીઠાનાં અગરમાં કામ કરીને રોજી-રોટી મેળવતાં હતા. પરંતુ અહીં મહાકાય GHCL કંપની કાર્યરત થતાં જ રોજગારી ગઈ અને અહીંનાં લોકોની હાલત ખરાબ થઈ છે.

રાજકારણીઓનો ટેકો

29 એપ્રિલ 2018થી ઉપવાસ આંદોલન કર્યું હતું. ઉપવાસ આંદોલનને રાજુલાના ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર, મનુભાઈ ચાવડા, જન અધિકાર મંચના પ્રવિણ રામ, જાફરાબાદ કોંગ્રેસ અગ્રણી પ્રવિણભાઈ બારૈયા, જાફરાબાદ કોંગ્રેસ અગ્રણી પ્રવિણભાઈ બારૈયા, મહુવાના પૂર્વ ધારાસભ્‍ય અને નિરમા તથા ભાજપ સામે લડત ચલાવનાર સફળ સામાજિક નેતા કનુભાઈ કળસરીયા, જિલ્‍લા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જેની ઠુમ્‍મર સહિતનાં અનેક આગેવાનોએ આંદોલનકારીઓની મુલાકાતલી ધી હતી.

રાજકારણીઓ મૌન બની ગયા

હવે આ આગેવાનો એકાએક મૌન બની ગયા છે. ઝીંગા ફાર્મમાં મોટા રાજકીય માથા તથા સરકારી અધિકારીઓ સંકળાયેલા છે. સરકારી જમીનમાં થયેલ દબાણ દૂર કરવાની જવાબદારી મહેસુલ વિભાગની હોય છે. જાફરાબાદનાં ભાકોદર ગામની સ્‍વાન કંપનીને હટાવવાની માગ સાથે ગામ લોકોએ રસ્‍તા રોકો આંદોલન, સત્યાગ્રહ, ઉપવાસ આંદોલન શરૂ કરેલું હતું. આંદોલન સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે જ કોઈ પણ હિસાબે આ કંપનીને બચાવી લેવા માટે આદેશો કરાયા હતા.

જમીન હડપ કરી લીધી

વિદેશથી પ્રવાહી ગેસ આયાત કરવા માટે જાફરાબાદ તાલુકાનાં ભાકોદર ગામના દરિયા કાંઠે સ્વાન LNG કંપની જેટી બનાવવાનું કામ શરૂ કરતાં તેમની સામે ગામ લોકોએ આંદોલન શરૂ કર્યું છે. કારણ કે આ કંપનીએ ભાકોદર ગામની ગૌચરણની જમીન, સરકારી જમીન, પડતર જમીન, ખરાબાની જમીન, ખારલેન્‍ડની જમીન, ખાનગી માલિકીની 10 હજાર હેક્ટર જમીન ગેરકાયદેસર હડપ કરી હોવાનો આરોપ ગામના લોકોએ મૂક્યો છે. ગામની હજારો એકર જમીન ગામની માલિકીની છે. જમીનનાં માલિક સરકાર કે કંપની નથી. ગ્રામસભા મંજૂરી આપે તો જ જમીન આપી શકાય છે. પણ ગુજરાત સરકારે ફરી એક વખત કાયદાનો ભંગ કર્યો છે.

વિરોધ કરતા 400 લોકોને પકડી લીધા

સરકારે તંત્રએ પોલીસ અને કાયદાનો દૂરઉપયોગ કરીને 400 લોકોની ધરપકડ કરી હતી. કાયદાની અલગ અલગ ખોટી ખોટી કલમો લગાડીને લોકોને ડર બતાવે છે. લોકોને ધાકધમકી, ધરપકડ કરી, લોકશાહીમાં સત્યાગ્રહ આંદોલનને દાબી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ અંગે જાતે જ સ્‍થળ ઉપર આવીને લોકશાહીનું ખુન થતા અટકાવવા લોકશાહીને સરમુખત્યારશાહી તરફ જતી અટકાવવા અંતમાં માગ કરેલી છે.

ગેસથી ગામને નુકસાન થશે

કંપની ગેસ આયાત કરશે તે ખૂબ જ જોખમી છે. ગામમાંથી ટેન્કર દ્વારા પસાર થવાનો છે. ગામની વસ્‍તી 3,000 લોકોની છે. શાળામાં બાળકો 400 બાળકો અભ્‍યાસ કરે છે. સ્‍વાન LNG કંપનીએ તમામ નીતિ, નિયમો, કાયદાઓ, પ્રદૂષણ નિયંત્રણ ખેડ કે ગ્રીન ટ્રીબ્‍યુનલ, લોક સુનવણીમાં પણ લોકોએ વિરોધ કરેલો છે. છતા પણ આ અધિકારીઓએ આ ગંભીર બાબતો ઉપર વિચાર કરેલો નથી.

રાજુલા-જાફરાબાદમાં સૌથી વધુ દબાણ

અમરેલી જિલ્‍લામાં સરકારી જમીનોમાં વ્‍યાપક પ્રમાણમાં દબાણ થયું છે અને થઈ રહ્યું છે. મહેસૂલી વિભાગ સરકારી જમીન પરનું દબાણ દૂર કરવા દેતું નથી. કલેક્ટર માત્ર જાહેરાત કરે છે. અમરેલી જિલ્‍લામાં સૌથી વધુ જમીન દબાણ રાજુલા-જાફરાબાદમાં થયું છે. રાજકીય પક્ષોને નાણાં આપતી મોટી કંપનીઓએ સરકારી જમીનમાં વ્‍યાપક દબાણ કર્યું છે. સિમેન્‍ટ કંપનીએ જમીનમાંથી ખનીજ ખોદી કાઢ્યું છે. જમીન સમથળ કરવા માટી પુરાણ કે વૃક્ષારોપણ કરવું પડે તે પણ કર્યું નથી. ભ્રષ્ટ મહેસૂલી તંત્ર કંપનીઓને છાવરે છે.

જમીન માફિયા હુકમનું પત્તું

આ વિસ્‍તારમાં ઔદ્યોગિક વિકાસ થતાં જમીનનાં ભાવો ઊંચકાયા છે. જમીનોનાં ભાવો આસમાને પહોંચતા રાજકીય પક્ષો સાથે જોડાયેલા જમીન માફિયા બેફામ બન્યા છે. આ માફિયાઓએ સરકારી પડતર કે ગૌચર પર ગેરકાયદે કબજો કરી લીઘો છે. અનેક કિસ્‍સામાં ખાનગી માલીકીની જમીન પર બળજબરીથી કબ્‍જો કરી લીધો છે. છતા પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી ન હોય જનતા જનાર્દનમાં મહેસૂલ વિભાગની કામગીરી સામે શંકા-કુશંકા થઈ રહી છે.

ફરી આંદોલન થશે

8 જેટલા દબાણના સ્થળે મામલતદારે નોટિસો લગાવી હતી કે આ જમીન સરકારી પડતર જમીન છે, આ જમીનોમાં કોઈએ પેશકદમી કરવી નહીં. આવી નોટિસો લગાવામાં આવી હોવા છતા હજુ પણ અમુક તળાવોમાં બિનકાયદેસર ઝીંગા ઉછેરનો ધંધો કરી રહ્યાં છે. તેમજ પીપાવાવ ધામનાં સરપંચ હંસાબેન ગુજરીયા દ્વારા અમરેલી કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી કે GHCL કંપની તથા અન્‍ય બિન કાયદેસર દબાણો દૂર કરવામાં આવે, જો આ દબાણો દૂર કરવામાં આવશે નહીં તો આગામી દિવસોમાં અમારા ગ્રામજનોને ફરી ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે. કલેકટર કચેરી સામે 29 એપ્રિલ 2018થી ઉપવાસ આંદોલન કર્યું હતું.

ભ્રષ્ટ અધિકારીઓ

સરકારી પડતર જમીન સાચવવાની જવાબદારી કલેક્ટર કચેરીની છે. જમીનો પર બિનકાયદેસર દબાણો હોય દૂર કરવાની જવાબદારી કલેક્ટર અને મામલતદારની છે. અહીં ગામનાં સરપંચ તથા ગામના લોકો સરકારી જમીન બચાવવા આંદોલન કરે છે. અધિકારીઓને વારંવાર રજૂઆતો કરે છે કે, જગ્‍યા પર દબાણો છે. છતા પણ કલેક્ટર હસ્તકના ભ્રષ્ટ અધિકારીઓ કંઈ કરતાં નથી.

દેશના સૌથી મોટા ગેસ બંદર માટે કાયદા કેમ નેવે મૂકાયા?

બ્લાસ્ટીંગ કરીને મોટા કદના પત્થરો મેળવીને સૌરાષ્ટ્રમાં સ્‍વાન એનર્જી કંપની ગુજરાતની સૌથી મોટી જેટી બનાવી રહી છે. રોજ 300 ટ્રકો ભરીને મોટા પથ્થરો દરિયો પૂરીને બંદર બનાવવામાં આવી રહ્યું છે. રાજુલાના દરિયા કાંઠેથી થોરડી સુધીના ભરડીયામાં રાત-દિવસ બ્‍લાસ્‍ટ કરી પથ્‍થરો કઢાય છે. ઓછી ક્ષમતાના રોડ પરથી વધુ વજન વાળા ટ્રક એક મહિનાથી ગેરકાયદે પસાર કરવામાં આવતાં સરકારનો કરોડો રૂપિયાનો રોડ તૂટી ગયો છે. પથ્થર કાઢવામાં આવી રહ્યાં હોવાથી ગામ લોકો વિરોધ કરી રહ્યાં હોવાની ફરિયાદ કરવામાં આવી છે. તેની પાછળ કારણ એવું છે કે પથ્થરો લઈ જવા માટે ભાજપના માથાભારે નેતાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેથી અધિકારીઓ પણ કંપની સામે પગલાં ભરતી નથી. પથ્થરોની રોયલ્ટી જેવી બાબતો અંગે કૌભાંડ થયું હોવાની ફરિયાદ ખાણખનિજ વિભાગ સમક્ષ થઈ હોવા છતા ગાંધીનગરથી તે અંગે કોઈ તપાસ થઈ નથી. કારણ કે સ્‍વાન કંપની પર રાષ્‍ટ્રીય નેતા સંબંધો હોવાથી તેમની સામે કોઈ પગલાં લેવાતાં નથી. મોટાભાગના ટ્રકો ઓવરલોડ ચાલી રહી છે. રેતી અને પથ્થર અંગે કોઈ તપાસ કરતું નથી. આ અગાઉ પણ આ કંપની સામે અનેક ફરિયાદો થઈ છે. જે ઘણી ચોંકાવનારી છે.

દેશના લોકો બેહાલ, વિદેશીઓનું હિત જાળવતી સરકાર

થોડા દિવસો પહેલા જ આંદોલન કર્યું હતું, ત્‍યારે પોલીસ તંત્ર દ્વારા આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી હતી અને ત્‍યારબાદ તેમને છોડી મૂકવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ ગામના ઉપસરપંચ લાલાભાઈ શિયાળ દ્વારા પ્રાંત અધિકારી પાસેથી મંજૂરી લઈ ફરીથી ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્‍યું હતું. ગ્રામજનો દ્વારા અનેક વખત સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે તેમના ગામના દરિયાકાંઠા વિસ્‍તારમાં આવેલી કંપની સામે યોગ્ય પગલાં ભરવામાં આવે. પણ તેમાની સામે આજ સુધી કોઈ પગલાં ભરાયા નથી. કારણ કે આ કંપનીમાં વિદેશી કંપનીઓનું રોકાણ છે. તેમના હિતોને સરકાર પ્રાધ્યાન આપી રહી છે પણ દેશના લોકોને બેહાલ કરી રહી છે. અહીં દરિયાકાંઠે સારી જમીન નથી. તેથી લોકો ગરીબીથી પીડાય છે. અહીં મોટાભાગના લોકો કોળી સમાજના છે.

5600 કરોડનું રોકાણ

25 નવેમ્બર 2015માં મુંબઈની સ્વાન એનર્જી લિમિટેડ દેશનું પ્રથમ ફ્લોટિંગ એલએનજી પોર્ટ ગુજરાતમાં જાફરાબાદ ખાતે સ્થાપશે એવી જાહેરાત કરી હતી. સ્વાન એનર્જીએ બેલ્જિયમની કંપની એક્સમાર એનવી સાથે સંયુકત સાહસ રચીને એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ)પોર્ટને સ્થાપવા ચક્રો ગતિમાન કર્યાં હતા. કંપની પ્રથમ તબક્કામાં 5 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ(એમએમટીપીએ)ની ક્ષમતાનું એલએનજી પોર્ટ રૂ.5,600 કરોડના રોકાણથી સ્થાપશે એવું નક્કી કર્યું હતું. સ્વાન એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નિખિલ મર્ચન્ટે તે સમયે જાહેર કર્યું હતું કે, જાફરાબાદના ભાંકોદર ગામ ખાતે પ્રથમ તબક્કામાં 5 એમએમટીપીએ ક્ષમતાનો એલએનજી પોર્ટ પ્રોજેક્ટ બનાશે. આ અંગે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને પર્યાવરણ મંત્રાલય સહિતના સત્તાવાળાઓની મંજૂરીઓ મે‌ળવવામાં આવી હતી. સ્વાન એનર્જી લિ. ગુજરાતમાં રૂા. 5,600 કરોડના રોકાણે જાફરાબાદ એલએનજી પોર્ટ પ્રોજેક્ટની સાથે ફ્લોટિંગ, સ્ટોરેજ અને રિગેસિફિકેશન યુનિટ(એફએસઆરયુ) ને વિકસાવી રહી છે. સ્વાન એનર્જી આ પ્રોજેક્ટ પર તેની ભાગીદાર કંપનીઓની સાથે મળીને કામ કરી રહી છે. કંપનીઓમાં બેલ્જિયન કંપની ઍક્સમેર મરીન એનવી અને ગુજરાત સરકારની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કૉર્પોરેશન(GSPC)નો સમાવેશ થાય છે. સ્વાન એનર્જી તેની સંયુક્ત સાહસ કંપની સ્વાન એલએનજી પ્રા. લિ. માં 51 ટકા હિસ્સો ધરાવે છે, ત્યારે ઍક્સમેર મરીન અને GSPCમાં અનુક્રમે 38 અને 11 ટકા હિસ્સો ધરાવે છે.

એક કરોડ ટન ગેસ આયાત કરવાની ક્ષમતા, ભારતમાં પ્રથમ

ટર્મિનલની પ્રારંભિક ક્ષમતા વર્ષે 50 લાખ ટનની છે. તે દેશની પ્રથમ સધ્ધર એફએસઆરયુ સવલત બનશે. આગળ જતાં વધુ 30 કરોડ ડૉલરના રોકાણની સાથે તેની ક્ષમતા 1 કરોડ ટનની થઇ જશે. કંપની 20 ટકા જેટલું ફન્ડિંગ ઇક્વિટી થકી કરશે ત્યારે બાકીનું 80 ટકા ફંડ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (કયુઆઇપી) અને ફોરેન કરન્સી કન્વર્ટીબલ બોન્ડ(એફસીસીબી) મારફત કરશે. એલએનજી પોર્ટના બાંધકામ માટેના ઇપીસી કોન્ટ્રાક્ટ આપવાનું નક્કી કરાયું હતું. બેલ્જિયમની એક્સમાર મરીન કંપની સાથે સંયુક્ત સાહસ રચ્યું છે. આ ટર્મિનલ દેશમાં પ્રથમવાર દરિયામાં ફ્લોટિંગ બેઝ પર બનાવાશે જેને ફ્લોટિંગ, સ્ટોરેજ એન્ડ રિગેસિફિકેશન (એફએસઆરયુ) તરીકે ઓળખવામાં આવે છે. દેશનું આ પ્રથમ એફએસઆરયુ હશે.

2019 જાન્યુઆરીમાં કામ પૂરું થશે

સ્વાન એનર્જી આ પ્રોજેક્ટની કામગીરી જાન્યુઆરી 2016થી શરૂ કરવામાં આવી હતી. ત્રણ વર્ષમાં આ એલએનજી પોર્ટ કાર્યરત થશે. સામાન્ય રીતે આવી એલએનજી જેટ્ટી પાંચ વર્ષનો સમય લે છે પણ આ પ્રોજેક્ટ ફ્લોટિંગ આધારિત હોવાને કારણે તે વહેલો ચાલુ થશે. એક્સમાર એનવીએ બેલ્જિયમના બ્રસેલ્સ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે, જ્યારે સ્વાન એનર્જી પણ BSE પર લિસ્ટેડ છે. આ જાહેરાતથી સ્વાન એનર્જીના શેરનો ભાવ એકાએક વધી ગયો હતો. સંયુક્ત સાહસ રચ્યું છે, તેમાં કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ.5,600 કરોડ થાય છે, તેમાં આગળ જતાં જરૂરિયાત મુજબ બીજો તબક્કો પણ અમે આયોજનમાં લીધો છે. જાન્યુઆરી 2019માં પ્રોજેક્ટ કાર્યાન્વિત થઈ જશે. એસબીઆઇ કેપિટલ સાથે જોડાણ કર્યું છે. આ ઉપરાંત, એલએનજી પોર્ટની જે કેપેસિટી પર કામ કરવાના છે, તેમાં 20 વર્ષના કરારથી આઇઓસીએલ, બીપીસીએલ, ઓએનજીસી અને GSPCએ એલએનજીની ક્ષમતા બુક કરાવી છે. બિઝ્નેસ ‘ટોલિંગ’ એટલે કે જે એલએનજી કેપેસિટી બુક કરાવી હોય તેને જમા રાખીને તેમને પાછું આપવાનું ભાડું લેવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં સ્વાનનો હિસ્સો 51 ટકા, એક્સમારનો 38 ટકા અને GSPCનો 11 ટકા હિસ્સો છે. ડેટ અને ઇક્વિટી રેશિયો 80:20નો રાખ્યો છે.

જાપાનના વડાપ્રધાનની હાજરીમાં કરાર

જાપાનની મીત્સુઈ કંપની સ્વાન એનર્જી સાથે જાફરાબાદ ખાતેની એલએનજી ટર્મિનલના પ્રોજેક્ટમાં 11 ટકા હિસ્સો લઈ લેવા માટે કરારો કર્યા હતા. સાબરમતી રેલ મથકે બુલેટ ટ્રેનનો પાયો નાખતી વખતે જાપાનના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન વચ્ચે જાપાનની 15 કંપીનઓ ગુજરાતમાં મૂડી રોકાણ કરવાની હતી તેમાં આ એક સ્વાન કંપનીનો હિસ્સો ખરીદી લેવા માટે પણ કરારો થયા હતા. આમ ગુજરાતની વિવાદાસ્પદ બ્લ્યુચિપ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)ને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો આરોપ જેના પર છે તેવી મુંબઇની ઓછી જાણીતી સ્વાન એનર્જી તેમજ કેનેડાની જિઓ ગ્લોબલ રિસોર્સે ગુજરાતના પ્રોજેક્ટ્સમાંથી ઉચાળા ભરવાનો નિર્ણય કર્યો હતો.

ગેસ પોર્ટ બનાવવા મુંબઈમાં કરાર કર્યા

મુંબઇમાં ઉદ્‌ઘાટિત કરેલી દેશની સૌ પ્રથમ મેરિટાઇમ ઇન્‍ડિયા સમિટ-2016માં ભારતના મેરિટાઇમ ઉદ્યોગ અગ્રણીઓએ ગુજરાતમાં રૂા.35 હજાર કરોડના રોકાણો વિવિધ પ્રોજેક્ટસમાં કરવાનો રસ દર્શાવ્‍યો હતો. જ્યાં મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે 14 એપ્રિલ 2016માં સ્વાન એનર્જી સાથે વન ટુ વન બેઠક પણ કરી હતી. જાન્યુઆરી 2017માં સ્વાન એનર્જીએ રુજરાતમાં રૂ.600 કરોડના રોકણ સાથે એલએનજી ટર્મિનલ સ્થાપવા માટે કરારો કર્યા હતા. ગુજરાતના 1600 કિ.મી લાંબા વ્યૂહાત્મક સમુદ્રી કિનારે વિકાસની વિપુલ સંભાવનાઓ સંદર્ભમાં પોતાના ભાંવિ આયોજનો અને પ્રોજેક્ટ અમલીકરણની ચર્ચા વિચારણા આ ઉદ્યોગ સંચાલકોએ આનંદીબેન સાથ કરી હતી. કેન્દ્રીય વહાણવટા મંત્રી નિતીનભાઈ ગડકરીની ઉપસ્થિતિમાં યોજાયેલા બિઝનેસ એગ્રીમેન્ટ સાઈનિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઈન્ટેન્શન સેરેમનીમાં ગુજરાતમાં બંદર વિકાસ ક્ષેત્રે રોકાણો માટે અનેક કંપનીઓએ ઉત્સાહ પ્રેરક પ્રતિસાદ આપ્યો હતો.

આમ સરકાર અને કંપની રાજ સામે રોજગારી અને અન્ય પ્રશ્નો માટે આંદોલન કરી રહેલાં લોકોને રોજગારી ન મળતાં હવે આસપાસના લોકો તે કંપનીના મેનેજરનું અપહરણ નોકરી અપાવવા માટે કરી રહ્યાં છે. આ પરથી લાગે છે કે, ગુજરાતમાં હવે બેકારી વધી તેથી અપહરણ પણ થઈ રહ્યાં છે. સ્વાન એનર્જી કંપની તેના માટે એક દાખલો છે.