ખાતરમાં 20 ટકાનો ભાવ વધારો

કેન્દ્ર સરકાર દ્વારા યુનિયન બજેટમાં વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરી દેવાના સપના બતાવવામાં આવી રહ્યા છે, આવા સંજોગોમાં છેલ્લા એક જ વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં મોટાપાયે ખેતીમાં ઉપયોગમાં લેવાતા ડીએપી અને એનપીકે ખાતરની કિંમતમાં 20 ટકા સુધીનો વધારો કરવામાં આવતા ખેતઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ દેલાડએ જણાવ્યુંહતુંકે, સપ્ટેમ્બર 2017 દરમ્યાન જે ડીએપી ખાતરની 50 કિલોની થેલીના રૂપિયા 1086 હતા, જ્યારે એનપીકેના ભાવ રૂપિયા 1061 હતા. આ ભાવમાં છેલ્લા એક વર્ષથી ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જેમાં સપ્ટેમ્બર 2018 સુધીમાં 20 ટકાથી પણ વધુ વધારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં નોંધાયેલા ડીએપીના ભાવ સામે ફેબ્રુઆરી 2018માં સીધો રૂપિયા 114 નો વધારા સાથે 50 કિલોની થેલીના ભાવ રૂપિયા 1200 રહ્યો હતો. જેમાં વધારો થઈને સપ્ટેમ્બર 2018માં રૂપિયા 1340 ઉપર પહોંચ્યો છે.

દક્ષિણ ગુજરાતના ખેડૂતો શેરડીનો પાક લેતા હોય છે અને આ પાકમાં વપરાતા ડીપીએ ખાતરની કિંમતમાં 20 ટકાનો વધારો થતા ખેડૂતોની હાલત કફોડી બની છે, આ મુદ્દે આગામી દિવસોમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને મળીને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.