ગાંધીજીના સમયમાં જ જમીન કૌભાંડ થયા હતા એવું નથી. 2001માં આવું એક જમીન કૌભાંડ થયું હતું. તે પણ ખાદીની સંસ્થાની જમીન ઉપર. ગાંધીજીએ ખાદીના તાંતણે આઝાદી મેળવવા દેશભરમાં આંદોલન કર્યું હતું. હવે ખાદી બનાવતી સંસ્થાઓ ગાંધીજીના નામે ખંધી ચાલ ચાલતી રહી હતી. સુભાષબ્રિજ સર્કલથી ગાંધીઆકશ્રમ આવતાં પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની સમાધિસ્થળ અભયઘાટની નજીક 4350 ચોરસ મીટર જમીનનો પ્લોટ જેની બજાર કિંમત રૂ.1.50 કરોડ જેવી થતી હતી. જે માત્ર રૂ.95 લાખમાં વેંચી દેવામાં આવ્યો હતો. ખાદીગ્રામોધ્યોગ પ્રયોગ સમિતિએ આ પ્લોટ વેંચી મારવાનું નક્કી કર્યું હતું. મહાત્મા ગાંધીએ આ જગ્યા ખરીદ કરી હતી. જમીન વેચવા માટે સમાચારપત્રમાં જાહેરાત આપી હતી. ગાંધી આશ્રમ નજીક લાલ બંગલા નામના સ્થળ છે જ્યાં ગાંધીજીએ કેટલીક બેઠકો કરી હતી. તે પણ 1999માં વેંચી દેવાયો હતો. ત્યાં આજે બિલ્ડરે બહુમાળી મકાન બનાવી દીધું છે. ખાદીગ્રામ પ્રયોગ સમિતિએ ત્યારે એવું કારણ આપ્યું હતું કે 50 વર્ષથી આ જમીનનો કોઈ ઉપયોગ થતો ન હોવાથી વેચવાનું નક્કી કર્યું હતું. જે જમીનની સંભાળ રાખવી મુશ્કેલ બની ગઈ હોવાથી તે વેંચી દેવાનું નક્કી કર્યું હતું.
ખાદી સંસ્થાની જમીન પર બંગલા
વાત અહીં અટકતી નથી. 2002માં રીઝર્વબેંકના સ્ટાફ ક્વાર્ટર પાસેની એક જમીન પણ વેચીને ત્યાં બંગલા બનાવવાની સ્કીમ જાહેર કરવામાં આવી હતી. ખાદી ગ્રામોધ્યોગ સમિતિના 25 કર્મચારીઓના મકાનો બનાવવા માટે આ જમીન અનામત રાખવામાં આવી હતી. પણ તેના પર 20 બંગલા બનાવવાનું આયોજન કરેલું હતું. 200 વારનો એક પ્લોટ પણ નક્કી કરીને આવા 20 પ્લોન પાડવામાં આવ્યા હતા. જેના પર 180 વારનું બાંધકામ પણ થવાનું હતું. એક બંગલાની ત્યારે કિંમત રૂ.18 લાખ નક્કી કરવામાં આવી હતી. લોકોને તે વેંચી મારવાના હતા. આ રીતે આશ્રમ સિવાયની સંસ્થાને આ રીતે પ્લોટ આપી શકાય નહીં તેમ છતાં આપવામાં આવ્યા હતા. જે અંગે ભારે વિરોધ થયો હતો.
ઈશ્વર પટેલની બદદાનત બહાર આવી
સાબરમતી હરિજન આશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી બની બેઠેલા ઈશ્વર પટેલે 11 ડિસેમ્બર 2002માં ખાદી ગ્રામોધ્યોગ પ્રયોગ સમિતિના વિજયબહાદુર પાસેથી આ જમીન અંગે માહિતી માંગી હતી કે આ જમીન પર કેટલાં સ્ટાફ ક્વાર્ટર બનશે અને કેટલાં વેચવામાં આવશે તેની વિગતો સત્વરે આપશો. આ જમીન સંસ્થાના વિકાસ માટે આપવામાં આવી છે. તે જમીન બીજાને આપી શકાય નહીં. કારણ કે આ જમીન ગાંધી આશ્રમના મધ્યમાં આવેલી છે. આ જગ્યાની મૂળ માલિકી અમારી એટલે કે સાબરમતી હરિજન આશ્રમની છે. અહીંયા ગમે તેવી વસ્તી આવીને વસે જેને કારણે વિક્ષેપ થાય તેમ છે. ગાંધીયન સંસ્થાઓના મૂલ્યો પણ આવી વસાહતી કોલોનીથી જળવાય નહીં. આ જમીન સાબરમતી આશ્રમ પાસેથી ક્યારે લીધી તેની વિગતો તુરંત આપશો. તેના દસ્તાવેજો પણ મારે જોઈએ છે.
ઈશ્વર પટેલ આગળ જમીન પર હક્ક જમાવતાં લખે છે કે, રૂ.4.50 કરોડની જમીન રૂ.63 લાખમાં વેચી મારી છે, તે જમીન અસલમાં સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટની માલિકીની હતી. તે સમયે 1960માં એક વારના રૂ.3ના લેખે ગ્રામોધ્યાગ સમિતિને ખાદી અને ગ્રામોધ્યોગ માટે વેચાણથી આપી હતી. તે જમીનનો આજ સુધી કોઈ ઉપયોગ કરાયો નથી. તે જમીન પરત કરવા માટે અમે આપને વારંવાર કહ્યું હતું. એવું ઈશ્વર પટેલ 19 સપ્ટેમ્બર 2002માં એક પત્રમાં વિજય બહાદુરને લખે છે. હવે ખૂબી એ છે કે આ જમીન કો ઈશ્વર પટેલ જે ટ્રસ્ટ પર ચઢી બેઠા હતા તેમણે વેંચી મારી હતી. હવે તે પરત કઈ રીતે માંગી શકે ? એ સ્પષ્ટ કરે છે કે, તેમનો ઈરાદો મલીન હતો. ફરી 13 જાન્યુઆરી 2003માં ઈશ્વર પટેલ પત્ર લખીને વેચાણ દસ્તાવેજની નકલ માંગે છે અને સાથે બેસીને ચર્ચા કરવાનું ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિના મંત્રી વિજય બહાદુરને કહે છે.
ઈશ્વર પટેલને જડબાતોડ જવાબ
ઈશ્વર પટેલ રાજકીય વગ ધરાવનાર વ્યક્તિ બની ગયા હતા તેથી તેના દબાણ ભર્યા પત્રોનો જવાબ ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતીએ આપવો જ પડે તેમ હતો. જવાબમાં આવું કહ્યું હતું કે, ખાદી ગ્રામોદ્યોગ સમિતિ અખિલ ભારત સર્વ સેવા સંઘ દ્વારા સ્થાપિત સંસ્થા છે. મૂળ ગાંધી આશ્રમથી અલગ થયેલી આ સંસ્થા નથી. તેનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. તે સમયે ગાંધી આશ્રમ જમીન વેચવા માગતું હતું અને અમે તે 1961માં બજાર કિંમતે લીધી હતી. તે જમીન પર ખાદી સદન બનેલું છે તેથી જમીનનો ઉપયોગ થાય છે. ખાદીના કાર્યકર્તાઓ માટે અહીં મકાન બનાવવામાં આવી રહ્યાં છે. જમીન આપવા માટે ચેરીટી કમિશ્નરે મંજૂરી આપી છે. જો તેમને અહીં સ્થળાંતર કરવામાં આવે તો સંસ્થાની બીજી 6500 ચોરસ મીટર જમીન મળી શકે તેમ છે.
ગાંધીજીએ ખરીદેલી જમીન માટે શોદાબાજી
ઈશ્વર પટેલના મલિન ઈરાદાને પડકારીને ખાદી ગ્રામોદ્યોગ સમિતિએ જવાબ આપ્યો હતો કે, સંસ્થા પોતાના હેતુ માટે જ જમીનનો ઉપયોગ કરી રહી છે. લાલબંગલાની જમીન સાથે ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ સાથે કોઈ જ સંબંધ નથી. તમારી સંસ્થાએ જે દસ્તાવેજ કરી આપ્યો હતો તેમાં કોઈ શરત જ ન હતી. આમ મંત્રી વિજય બહાદુરે તો ઈશ્વર પટેલને સચનો તમાચો મારી દીધો હતો. ઈશ્વર પટેલ આ જમીન ફરીથી પડાવી લેવા માંગતાં હતા તે બર આવ્યું ન હતું. તેઓ બીજી સંસ્થામાં હસ્તક્ષેપ કરીને તેની બધી વિગતો મેળવી રહ્યાં હતા. તેનો દસ્તાવેજ પણ ઈશ્વર પટેલે માગ્યો હતો. આ રીતે બીજી સંસ્થામાં તેઓ ડખલ કરીને કંઈક કાળું ધોળું કરવાની ઈચ્છા રાખતાં હોવાનું તેના પરથી સ્પષ્ટ થાય છે. પણ ગાંધીજીએ આશ્રમ માટે ખરીદેલી જમીન ગાંધીજીના ગયા પછી કઈ રીતે વેંચી મારવામાં આવી હતી અને તે જમીન સ્ટાફ ક્વાર્ટર બનાવવાના નામે કેવો વેપાર શરૂ થયો હતો તે તેના પરથી સ્પષ્ટ થાય છે.
ગાંધીજી ગયા તેના 50 વર્ષ પછી પણ ગાંધીયન સંસ્થાઓ કેવી ખટપટ અને નાણાં કમાવા પડી હતી તે આ બનાવ પરથી જોઈ શકાય છે.
પણ ગાંધીજી ખાદી માટે શું માનતા હતા તે તેમના જ શબ્દોમાં
“ઘણા ઠરાવોમાં એક ઠરાવ હિંદુમુસલમાન બધાએ સ્વદેશી વ્રતનું પાલન કરવું, ને તે અર્થે વિદેશી કાપડનો બહિષ્કાર કરવો, એમ હતો. ખાદીનો પુનર્જન્મ હજુ થઈ ચૂક્યો નહોતો.
વિદેશી વસ્ત્રના બહિષ્કાર ઉપરાંત કંઈક બીજું ને નવું બતાવવું જોઈએ એમ મને લાગ્યું. વિદેશી વસ્ત્રનો બહિષ્કાર તુરત ન થઈ શકે એમ તે વખતે તો સ્પષ્ટ હતું. ખાદી સંપૂર્ણ ઉત્પન્ન કરવાની આપણી શક્તિ ઇચ્છીએ તો આપણામાં છે એમ જે હું પાછળથી જોઈ શક્યો, તે હું એ વેળા નહોતો જાણતો.
ખાદીનો જન્મ
સન 1908 સુધીમાં રેંટિયો કે સાળ મેં જોયા હોય એવું મને સ્મરણ નથી. છતાં ‘હિંદ સ્વરાજ’માં રેંટિયાની મારફતે હિંદુસ્તાનની કંગાલિયત મટે એમ મેં માન્યું. ને જે રસ્તે ભૂખમરો ભાગે તે રસ્તે સ્વરાજ મળે એ તો સહુ સમજી શકે એવી વાત ગણાય. સન ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી દેશમાં આવ્યો ત્યારે પણ મેં રેંટિયાનાં દર્શન તો ન જ કર્યાં. આશ્રમ ખોલ્યું એટલે સાળ વસાવી. સાળ વસાવતાં પણ મને બહુ મુશ્કેલી આવી. અમે બધા અણજાણ, એટલે સાળ મેળવ્યે સાળ ચાલે તેમ નહોતું. અમે બધા કલમ ચલાવનાર કે વેપાર કરી જાણનાર ભેળા થયા હતા; કોઈ કારીગર નહોતા. એટલે સાળ મેળવ્યા પછી વણાટકામ શીખવનારની જરૂર હતી. કાઠિયાવાડ અને પાલણપુરથી સાળ મળી ને એક શીખવનાર આવ્યો. તેણે પોતાનો બધો કસબ ન બતાવ્યો. પણ મગનલાલ ગાંધી લીધેલું કામ ઝટ છોડે તેવા નહોતા. તેમના હાથમાં કારીગરી તો હતી જ, એટલે તેમણે વણવાના હુન્નરને પૂરો જાણી લીધો, ને એક પછી એક એમ આશ્રમમાં નવા વણકરો તૈયાર થયા.
વિદેશી સુરતનું જ કાપડ ભાજરતમાં બનતું હતું
અમારે તો અમારાં કપડાં તૈયાર કરીને પહેરવાં હતાં. તેથી મિલના કપડાં પહેરવાનું હવે બંધ કર્યું, ને હાથસાળમાં દેશી મિલના સૂતરમાંથી વણાયેલું કાપડ પહેરવાનો આશ્રમવાસીઓએ ઠરાવ કર્યો. આમ કરવામાં અમને ઘણું શીખવાનું મળ્યું. હિંદુસ્તાનના વણકરોનાં જીવનની, તેમની પેદાશની, તેમને સૂતર મળવામાં પડતી મુશ્કેલીની, તેમાં તેઓ કેમ છેતરાતા હતા તેની, ને છેવટે તેઓ દિવસે દિવસે કેમ કરજદાર થતા હતા તેની ખબર પડી. અમે પોતે તુરત અમારું બધું કાપડ વણી શકીએ એવી સ્થિતિ તો નહોતી જ, તેથી બહારના વણકરોની પાસે અમારે જોઈતું કપડું વણાવી લેવાનું હતું. કેમ કે દેશી મિલના સૂતરનું હાથે વણાયેલું કપડું વણકરો પાસેથી ઝટ મળે તેમ નહોતું. વણકરો સારું કપડું બધું વિલાયતી સૂતરનું જ વણતા હતા. કેમ કે આપણી મિલો ઝીણું સૂતર નહોતી કાંતતી. આજ પણ પ્રમાણમાં ઝીણું સૂતર ને ઓછું જ કાંતે છે, બહુ ઝીણું તો કાંતી જ શકતી નથી. મહા પ્રયત્ને કેટલાક વણકરો હાથ આવ્યા, જેમણે દેશી સૂતરનું કાપડ વણી આપવાની મહેરબાની કરી. આ વણકરોને દેશી સૂતરનું વણેલું કાપડ ખરીદી લેવાની આશ્રમ તરફથી ખોળાધરી આપવી પડી હતી. આમ ખાસ તૈયાર કરાવેલું કાપડ વણાવી અમે પહેર્યું ને મિત્રોમાં તેનો પ્રચાર કર્યો. અમે તો કાંતનારી મિલોના બિનપગાર એજંટ બન્યા. મિલોના પરિચયમાં આવતાં તેમના વહીવટની, તેમની લાચારીની માહિતી મળી. અમે જોયું કે; મિલોનું ધ્યેય પોતે કાંતીને પોતે વણવાનું હતું. તેઓ હાથસાળની ઇચ્છાપૂર્વક મદદગાર નહોતી, પણ અનિચ્છાએ હતી.
આ બધું જોઈને અમે હાથે કાંતવા અધીરા થયા. હાથે ન કાંતીએ ત્યાં લગી અમારી પરાધીનતા રહેવાની એમ જોયું. મિલોના એજંટ બનવાથી અમે દેશસેવા કરીએ છીએ એમ ન લાગ્યું.
વિજાપુરના ગંગાબાઈએ રેંટિયો આપ્યો
પણ ન મળે રેંટિયો ને ન મળે રેંટિયો ચલાવનાર. કોકડાં વગેરે ભરવાના રેંટિયા તો અમારી પાસે હતા, પણ તેમની ઉપર કાંતી શકાય એવું તો ભાન જ નહોતું. એક વેળા એક બાઈને કાળિદાસ વકીલ શોધી લાવ્યા. તે કાંતી બતાવશે એમ તેમણે કહ્યું. તેની પાસે એક આશ્રમવાસી, જે નવાં કામો શીખી લેવામાં બહુ પ્રવીણ હતા, તેમને મોકલ્યા; પણ કસબ હાથ ન લાગ્યો.
વખત તો વહેવા લાગ્યો. હું અધીરો બન્યો હતો. ખબર આપી શકે એવા જે આશ્રમમાં ચડી આવે તેમને હું પૂછું. પણ કાંતવાનો ઇજારો તો સ્ત્રીનો જ હતો. એટલે ખૂણેખાંચરે કાંતવાનું જાણનારી સ્ત્રી તો સ્ત્રીને જ મળે.
ભરૂચ કેળવણી પરિષદમાં મને ગુજરાતી ભાઈઓ સન 1917ની સાલમાં ઘસડી ગયા હતા. ત્યાં મહાસાહસી વિધવા બહેન ગંગાબાઈ હાથ લાગ્યાં. તેમનું ભણતર બહુ નહોતું, પણ તેમનામાં હિંમત ને સમજણ ભણેલી બહેનોમાં સામાન્ય રીતે હોય છે તેના કરતા વિશેષ હતાં. તેમણે પોતાના જીવનમાંથી અસ્પૃશ્યતાની જડ કાઢી નાખી હતી, ને તે બેધડક રીતે અંત્યજોમાં ભળતાં ને તેમની સેવા કરતાં. તેમની પાસે દ્રવ્ય હતું, પણ પોતાની હાજતો ઓછી જ હતી. શરીર કસાયેલું હતું, ને ગમે ત્યાં એકલાં જતાં મુદ્દલ સંકોચ પામે તેવાં નહોતાં. ઘોડાની સવારી કરવાને પણ તે તૈયાર રહેતાં. આ બહેનનો વિશેષ પરિચય ગોધરાની પરિષદમાં કર્યો. મારું દુઃખ મેં તેમની પાસે મૂક્યું, ને દમયંતી જેમ નળની પાછળ ભમી હતી તેમ રેંટિયાની શોધમાં ભમવાનું પણ લઈ મારો ભાર તેમણે હળવો કર્યો.
ગુજરાતમાં સારી પેઠે ભટક્યા પછી ગાયકવાડના વિજાપુરમાં ગંગાબહેનને રેંટિયો મળ્યો. ઘણાં કુટુંબોની પાસે રેંટિયો હતો તે તેમણે મેડે ચડાવી મેલ્યો હતો. પણ જો તેમનું સૂતર કોઈ લે તો ને તેમને પૂણી પૂરી પાડવામાં આવે તો તેઓ કાંતવા તૈયાર હતા. ગંગાબહેને મને ખબર આપ્યા, ને મારા હર્ષનો પાર ન રહ્યો. પૂણી પહોંચાડવાનું કામ અઘરું લાગ્યું. મરહૂમ ભાઈ ઉમર સોબાનીને વાત કરતાં તેમણે પોતાની મિલમાંથી પૂણીનાં ભૂંગળાં પૂરાં પાડવાનું કામ માથે લીધું. મેં તે ભૂંગળા ગંગાબહેનને મોકલ્યાં, ને સૂતર એટલા વેગથી તૈયાર થવા લાગ્યું કે હું થાક્યો.
રૂ – પૂણીની ભીખ ગાંધીજીએ માંગી
ભાઈ ઉમર સોબાનીની ઉદારતા બહોળી હતી, છતાં, તેને હદ હતી. પૂણીઓ વેચાતી લેવાનો નિશ્ચય કરતાં મને સંકોચ થયો. વળી મિલની પૂણીઓ લઈ કંતાવવામાં મને બહુ દોષ લાગ્યો. જો મિલની પૂણીઓ લઈએ તો સૂતરમાં શો દોષ? પૂર્વજોની પાસે મિલની પૂણીઓ ક્યાં હતી? એ કઈ રીતે પૂણીઓ તૈયાર કરતા હશે? પૂણીઓ બનાવનારને શોધવાનું મેં ગંગાબહેનને સૂચવ્યું. તેમણે તે કામ માથે લીધું. પીંજારાને શોધી કાઢયો. તેને દર માસે રૂ.35ના કે એથી મોટા પગારથી રોક્યો. પૂણી બનાવતાં બાળકોને શીખવ્યું. મેં રૂની ભિક્ષા માગી. ભાઈ યશવંતપ્રસાદ દેસાઈએ રૂની ગાંસડીઓ પૂરી પાડવાનું માથે લીધું. ગંગાબહેને કામ એકદમ વધાર્યું. વણકરો વસાવ્યા ને કંતાયેલું સૂતર વણાવવાનું શરૂ કર્યું. વિજાપુરની ખાદી પંકાઈ.
17 આના વારની ખાદી ગાંધીજીએ વેંચી
બીજી તરફથી આશ્રમમાં હવે રેંટિયો દાખલ થતાં વાર ન લાગી. મગનલાલ ગાંધીની શોધકશક્તિએ રેંટિયામાં સુધારા કર્યા, ને રેંટિયા તથા ત્રાકો આશ્રમમાં બન્યાં. આશ્રમની ખાદીના પહેલા તાકાનું ખર્ચ વારના સત્તર આના પડયું. મેં મિત્રો પાસેથી જાડી કાચા સૂતરની ખાદીના એક વારના સત્તર આના લીધા ને તેમણે હોંશે આપ્યા.
મુંબઈમાં હું પથારીવશ હતો. પણ સૌને પૂછયા કરતો. ત્યાં બે કાંતનારી બહેનો હાથ લાગી. તેમને એક શેર સૂતરનો એક રૂપિયો આપ્યો. હું ખાદીશાસ્ત્રમાં હજુ આંધળોભીંત જેવો હતો. મારે તો હાથે કાંતેલું સૂતર જોઈતું હતું, કાંતનારી જોઈતી હતી. ગંગાબહેન જે ભાવ આપતાં હતાં તેની સરખામણી કરતાં જોયું કે હું છેતરાતો હતો. બાઈઓ ઓછું લેવા તૈયાર નહોતી, તેથી તેમને છોડવી પડી. પણ તેમનો ઉપયોગ હતો. તેમણે શ્રી અવંતિકાબાઈ, રમીબાઈ કામદાર, શ્રી શંકરલાલ બેંકરનાં માતુશ્રી અને શ્રી વસુમતીબહેનને કાંતવાનું શીખવ્યું, ને મારી ઓરડીમાં રેંટિયો ગુંજ્યો. એ યંત્રે મને માંદાને સાજો કરવામાં ફાળો ભર્યો એમ કહું તો અતિશયોક્તિ નથી. આ માનસિક સ્થિતિ છે એ ખરું. પણ મનનો હિસ્સો મનુષ્યને સોજામાંદો કરવામાં ક્યાં ઓછો છે? રેંટિયાને મેં પણ હાથ લગાડયો. આનાથી આગળ આ વેળા હું નહોતો જઈ શક્યો.
ગાંધીજીએ વૈષ્ણવોને ખાદી વેંચી
અહીં હાથની પૂણીઓ ક્યાંથી લાવવી? શ્રી રેવાશંકર ઝવેરીના બંગલાની પાસેથી રોજ તાંતનો અવાજ કરતો પીંજારો પસાર થતો. તેને મેં બોલાવ્યો. તે ગાદલાનું રૂ પીંજતો. તેણે પૂણીઓ તૈયાર કરી આપવાનું કબૂલ કર્યું. ભાવ આકરો માગ્યો તે મેં આપ્યો. આમ તૈયાર થયેલું સૂતર મેં વૈષ્ણવોને પવિત્રાં કરવા સારુ દામ લઈ વેચ્યું. ભાઈ શિવજીએ મુંબઈમાં રેંટિયાવર્ગ કાઢયો. આ પ્રયોગોમાં દ્રવ્યનું ખર્ચ ઠીક થયું. શ્રદ્ધાળુ દેશભક્તોએ પૈસો આપ્યો ને મેં ખરચ્યો. એ ખરચ વ્યર્થ નથી ગયું એવો મારો નમ્ર અભિપ્રાય છે. તેમાંથી ઘણું શીખવાનું મળ્યું. મર્યાદાનું માપ મળ્યું.
હવે હું કેવળ ખાદીમય થવા અધીરો થયો. મારું ધોતિયું. દેશી મિલના કાપડનું હતું. જે ખાદી વિજાપુરમાં ને આશ્રમમાં થતી હતી તે બહુ જાડી અને ૩૦ ઇંચ પનાની થતી હતી. મેં ગંગાબહેનને ચેતવણી આપી કે, જો 45 ઇંચ પનાનું ખરીદીનું ધોતિયું એક માસની અંદર પૂરું ન પાડે, તો મારે જાડી ખાદીનું અડધિયું પહેરી નિભાવ કરવો પડશે. આ બહેન અકળાયાં, મુદત ઓછી લાગી, પણ હાર્યા નહીં. તેમણે મહિનાની અંદર મને પચાસ ઇંચનો ધોતીજોટો પૂરો પાડયો ને મારું દારિદ્ય ફિટાડયું.
રામજી અને ગાંગાએ મોટા પાનાની ખાદી વણી
એ જ અરસામાં ભાઈ લક્ષ્મીદાસ લાઠીથી અંત્યજ ભાઈ રામજી અને તેમનાં પત્ની ગંગાબહેનને આશ્રમમાં લાવ્યા, ને તેમની મારફતે મોટા પનાની ખાદી વલાણી. ખાદીપ્રચારમાં આ દંપતીનો હિસ્સો જેવોતેવો ન કહેવાય. તેમણે ગુજરાત અને ગુજરાતની બહાર હાથસૂતર વણવાનો કસબ બીજાંઓને શીખવ્યો છે. આ નિરક્ષર પણ સંસ્કારી બહેન જ્યારે સાળ ચલાવે છે ત્યારે તેમાં એટલાં લીન થાય છે કે, આમતેમ જોવાની કે કોઈની સાથે વાત કરવાની ફુરસદ પોતાને સારુ રાખતાં નથી.
સ્વદેશીમાં હું માનું છું કેમ કે તે વાટે હિંદુસ્તાનના ભૂખે મરતાં, અરધા ધંધા વિનાનાં બૈરાંને કામ આપી શકાય. તેઓ કાંતે તે સૂતર વણાવવું ને તે ખાદી લોકોને પહેરાવવી એ મારી વૃત્તિ છે ને એ ચળવળ છે. રેંટિયાપ્રવૃત્તિ કેટલી સફળ થશે એ તો હું નથી જાણતો. હજુ તો માત્ર તેનો આરંભકાળ છે. પણ મને તેમાં પૂરો વિશ્વાસ છે. ગમે તેમ હોય પણ તેમાં નુકસાન તો નથી જ. હિંદુસ્તાનમાં ઉત્પન્ન થતા કાપડમાં જેટલો વધારો આ ચળવળથી થાય એટલો લાભ જ છે. એટલે આ પ્રયત્નમાં તમે કહો છો તે દોષ તો નથી જ.’
આ જ સભામાં હિંદુમુસ્લિમ ઐક્ય વિશે, અંત્યજ વિશે ને ખાદી વિશે પણ ઠરાવો થયા. અને ત્યારથી અસ્પૃશ્યતા દૂર કરવાનો ભાર મહાસભાના હિંદુ સભ્યોએ ઉપાડયો છે, ને ખાદી વડે મહાસભાએ પોતાનું અનુસંધાન હિંદુસ્તાનના હાડપિંજરની સાથે કર્યું છે. ખિલાફતના સવાલને અંગે અસહકાર એ જ હિંદુમુસ્લિમ ઐક્ય સાધવાનો મહાસભાનો મહાન પ્રયાસ હતો.”
ગાધીજીના શબ્દોમાં ખાદીની અહીં વાત પૂરી થાય છે.
ગાંધીજીએ ખાદીની શોધ કરીને પોતાની આત્મકથા પૂરી કરી હતી. તેનો મતલબ કે તેમણે ભારતમાં ખાદીને આઝાદી મેળવવાની લગતનું હથિયાર માન્યું હતું. ચરખાથી તેઓ આઝાદી અપાવવા માંગતાં હતા. હવે એજ ખાદી સંસ્થાઓ કરોડો રૂપિયાની જમીન વેંચી રહ્યાં હતા. અંદરો અંદર લડી રહ્યાં હતા. (દિલીપ પટેલ)