ખારું પાણી મીઠું કરવા 5.6 હજાર કરોડ સામે રૂ. 59 હજાર કરોડ ચૂકવી, રૂપાણી સરકારનો કરોડોનો ભ્રષ્ટાચાર

રૂ.700 કરોડ ખર્ચ થાય છે, તે જોતાં આઠ પ્રોજેક્‍ટમાં માત્ર રૂ.5600 કરોડનું ખાનગી કંપની દ્વારા રોકાણ કરવાનું થશે જે રોકાણ સામે રાજ્‍ય સરકારે રૂ. 59,247.84 કરોડ ચૂકવવાના થશે, છતાં પ્રોજેક્‍ટની માલિકી રાજ્‍ય સરકારની તો ગણાશે જ નહીં.
ખારા પાણીને મીઠા પાણીમાં પરિવર્તિત કરવાના આઠેય પ્‍લાન્‍ટમાં ખાનગી કંપનીને વીજળી, જમીન, કરવેરામાં રાહત તેમજ પ્રોજેક્‍ટના ઉત્‍પાદન ખર્ચમાં સબસીડી પેટે કરોડો રૂપિયાની રાહત આપ્‍યા પછી મોંઘા ભાવે પાણી ખરીદવાને બદલે આવા પ્‍લાન્‍ટો સરકારે પોતે સ્‍થાપવા જોઈએ.
આજરોજ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્‍યાન જામજોધપુરના ધારાસભ્‍ય ચિરાગ કાલરીયાનો જામનગર જિલ્લામાં ખારા પાણીને મીઠું બનાવવાના પ્રોજેક્‍ટનો પ્રશ્ન અગ્રતાક્રમ-7નો હતો. જેના લેખિત જવાબમાં સરકારે જણાવ્‍યું હતું કે, ટેન્‍ડરમાં મળેલા અને સરકારએ મંજૂર કરેલા ભાવો અનુસાર ઈજારદાર પાસેથી પ્રતિ દિન 100 એમ.એલ. પાણી વેચાણ લેવા માટે રૂ. 57 પ્રતિ હજાર લિટરના દરે કોમર્શીયલ ઓપરેશન ડેટ પછીના બે વર્ષ સુધી તથા ત્‍યારબાદ પુરા કન્‍સેશન સમયગાળા દરમ્‍યાન રૂ. 57 પ્રતિ હજાર લિટરના ભાવથી દર વર્ષે ઉત્તરોત્તર 3%ના વધારા સાથે ખરીદવાનું આયોજન છે.
આ પ્રશ્નની ચર્ચામાં ભાગ લેતાં વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, સરકાર પ્રતિ દિન રૂ. 57 પ્રતિ હજાર લિટરના દરે 100 એમ.એલ. પાણી વેચાણ લેવા માટે પ્રતિ દિન રૂ. 57 લાખનો ખર્ચ કરશે. ત્‍યારબાદ કોમર્શીયલ ઓપરેશન ડેટ પછીના બે વર્ષ સુધી તથા ત્‍યારબાદ પુરા કન્‍સેશન સમયગાળા દરમ્‍યાન રૂ. 57 પ્રતિ હજાર લિટરના ભાવથી દર વર્ષે ઉત્તરોત્તર 3%ના વધારા સાથે પાણી ખરીદશે. તે જોતાં જોડીયા ખાતેના પ્‍લાન્‍ટની 25 વર્ષની સરેરાશ રૂ. 85.12 પ્રતિ હજાર લિટર અને વાર્ષિક સરેરાશ રૂ. 296.24 કરોડ પ્રતિ વર્ષ થશે. આવા જુદા-જુદા સ્‍થળે કુલ આઠ પ્રોજેક્‍ટ સ્‍થાપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે એટલે 25 વર્ષમાં રાજ્‍ય સરકાર રૂ. 59,247.84 કરોડ મીઠા પાણી પેટે ચૂકવવાના થશે. ધાનાણીએ વધુ વિગતો આપતાં જણાવ્‍યું હતું કે, આવા એક પ્રોજેક્‍ટની સ્‍થાપના માટે અંદાજિતરૂ. 700 કરોડ ખર્ચ થાય છે, તે જોતાં આઠ પ્રોજેક્‍ટમાં કુલ રૂ. 5600 કરોડનું રોકાણ થશે. રૂ. 5600 કરોડના ખાનગી કંપનીના રોકાણ સામે રાજ્‍ય સરકારે રૂ. 59,247.84 કરોડ ચૂકવવાના થશે, છતાં પ્રોજેક્‍ટની માલિકી રાજ્‍ય સરકારની તો ગણાશે જ નહીં. રાજ્‍ય સરકાર દ્વારા આટલી મસ મોટી રકમ ચૂકવ્‍યા પછી પણ સરકારને તો એકપણ રૂપિયાની આવક થવાની નથી અને પ્‍લાન્‍ટની માલિકી પણ સરકારની રહેવાની નથી. રાજ્‍ય સરકારે આટલા મોટા અગત્‍યના પ્રોજેક્‍ટની ફાળવણી કરી તેમાં ગુજરાત વોટર ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર લિ. દ્વારા મંગાવવામાં આવેલા ટેન્‍ડરોમાં બે એજન્‍સીઓએ જ ભાગ લીધો હતો અને બંનેના ભાવમાં પણ નજીવો તફાવત હતો. આવા કરોડો રૂપિયાના પ્રોજેક્‍ટમાં સરકારની રહેમનજર હેઠળ રીંગ થયાની આશંકા છે અને આ પ્રોજેક્‍ટોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર થવાની આશંકા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ વ્‍યક્‍ત કરી હતી.
આ પ્રોજેક્‍ટ ચોક્કસ કંપની અને વ્‍યક્‍તિઓને ફાયદો પહોંચાડવાના હેતુસર સ્‍થપાઈ રહ્‌યો હોવાનો આક્ષેપ પણ શ્રી ધાનાણીએ કર્યો હતો.
ખારા પાણીને મીઠા પાણીમાં પરિવર્તિત કરવાના સુચિત આઠેય પ્‍લાન્‍ટમાં ખાનગી કંપનીને વીજળી, જમીન, કરવેરામાં રાહત તેમજ પ્રોજેક્‍ટના ઉત્‍પાદન ખર્ચમાં સબસીડી પેટે કરોડો રૂપિયાની રાહત આપ્‍યા પછી મોંઘા ભાવે પાણી ખરીદવાને બદલે આવા પ્‍લાન્‍ટો સરકારે પોતે સ્‍થાપવા જોઈએ તેવી માંગણી શ્રી પરેશ ધાનાણીએ કરી હતી.