ખુબસુરત ખુશ્બુએ કોન્ટેબલ પ્રેમીને ગોળી મારીને પોતે કેમ મરી ?

કોન્સ્ટેબલ-ASI મૃત્યુ કેસમાં વળાંક, ASI ખુશબુએ 4 ફૂટ દૂરથી રવિરાજ પર ગોળી ચલાવી હતી

11 જુલાઈ 2019એ રાજકોટના સરકારી આવાસમાંથી રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવિરાજ જાડેજા અને મહિલા એએસઆઈ ખુશબુ કાનાબારનો ગોળી વાગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસનું પ્રાથમિક અનુમાન એવું હતું કે રવિરાજે ખુશબુની સરકારી પિસ્તોલમાંથી ખુશબુની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લીધી હશે. રવિવારજ પરિણિત હતા અને ખુશબુ અપરિણિત હતી પરંતુ બંને એક બીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. આ મામલે પોલીસે શરૂ કરેલી તપાસમાં નાટકિય વળાંક ત્યારે આવ્યો જ્યારે ફોરેન્સીક એક્સપર્ટના રિપોર્ટ પ્રમાણે ગોળી રવિરાજે નહીં પણ ખુશબુએ ચલાવી હતી અને તે પછી ખુશબુએ આપઘાત કર્યો હતો તેવો ઉલ્લેખ થયો.

પોલીસને જ્યારે આ બનાવની જાણ થઈ ત્યારે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઘટના સ્થળની સ્થિતિને ધ્યાને લઈ એવું અનુમાન કર્યું હતું કે, રવિરાજે ખુશબુની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કરી લીધો હતો. ખુશબુ અને રવિરાજ એક બીજા સાથે લગ્ન કરવા માગતા હતા પણ રવિરાજ પરિણિત હતો, એક પુત્રીનો પિતા હતો અને રવિરાજ તથા ખુશબુની જ્ઞાતિ પણ અલગ હતી. જેના પરિણામ સ્વરૂપ તેમના લગ્ન મુશ્કેલ હતા તેના કારણે આ ઘટના બની હોવાનું પોલીસ માની રહી હતી.

આ ઘટનાને સમજવા માટે રાજકોટ પોલીસ દ્વારા બેલેસ્ટિક એક્સપર્ટની મદદ માગવામાં આવી હતી. ઘટના સ્થળે અનેક વખત પોલીસ અને ફોરેન્સીક એક્સપર્ટે વિઝિટ કર્યા બાદ ફોરેન્સીક એક્સપર્ટે રિપોર્ટ આપ્યો કે, રવિ જે હાથે પિસ્ટલ ચલાવી શકે તેમ હતો તેની વિરુદ્ધ દિશામાં તેને ગોળી વાગી હતી. જ્યારે રવિના શરીરમાંથી મળેલી ગોળી પોઈન્ટ બ્લેન્ક ફાયરિંગ ન હતું. ફોરેન્સિક એક્સપર્ટના મત પ્રમાણે રવિરાજના શરિરમાં થયેલી ઈજા અને ગોળીની ઝડપ 4થી 5 ફૂટના અંતરથી ગોળી ચાલી હોય તે પ્રકારનું હતું. આમ રવિરાજે આત્મહત્યા નહોતી કરી તે સ્પષ્ટ થયું હતું.

એક્સપર્ટના રિપોર્ટ પ્રમાણે, ખુશબુના હાથ અને કપડાં પર ગન પાઉડર મળી આવ્યો હતો. ફોરેન્સીક સાયન્સ પ્રમાણે જે વ્યક્તિ ગોળી ચલાવે તેના હાથ પર ગન પાઉડર મળે છે. પણ રવિરાજના હાથ અને કપડાં પર ગનપાઉડર મળી આવ્યો ન હતો જ્યારે ખુશબુના હાથ અને કપડાં પર ગન પાઉડર હતો. આમ ખુશબુએ જ ગોળી ચલાવી તે સ્પષ્ટ થયું હતું.

પોલીસ એવું માની રહી છે કે, રવિરાજની હત્યા બાદ ખુશબુએ તેના ખોળામાં માથુ મુકી પોતાના માથામાં ગોળી ચલાવી હતી. કારણ કે ખુશબુના શરીરમાંથી મળેલી ગોળીની ઝડપ પોઈન્ટ બ્લેન્કની હતી. કારણ કે પોલીસ જ્યારે પહોંચી ત્યારે મૃત રવિરાજના ખોળામાં ખુશબુનું માથું હતું.

પોલીસ કોણે હત્યા કરી અને કોણે આત્મહત્યા કરી તે નિષ્કર્ષ પર પહોંચી ગઈ છે પરંતુ મજબૂત કાળજાની ખુશબુએ કયા સંજોગોમાં અને કયા કારણસર રવિરાજની પહેલા હત્યા કરી અને પછી પોતે આત્મહત્યા કરી તે બાબત હજુ સ્પષ્ટ થઈ નથી.

ખુશ્બુ ક્યારેય પોતાની પિસ્તોલ લોડેડ ન્હોતી રાખતી

ઘટના સ્થળે પહોંચેલી પોલીસને નજીકના પલંગ પર કાર્ટીસ ભરેલું એક મેગેઝિન મળી આવ્યું હતું. ખુશબુ ક્યારેય પોતાનું વેપન લોડેડ ન્હોતી રાખતી તેવું તેના સાથીઓનું કહેવું છે. એટલે રવિરાજ અને ખુશબુ વચ્ચે કોઈક મામલે તંગદીલી સર્જાયા બાદ ઉશકેરાયેલી ખુશબુએ પોતાની પિસ્ટલ અને કાર્ટિસ બહાર કાઢ્યા અને તેમાં કાર્ટિસ લોડ કર્યા તેવું ઘટના સ્થળની સ્થિતિના કારણે લાગી રહ્યું છે. જોકે આ તમામ સ્થિતિ વચ્ચે રવિરાજ એવું માનતો હશે કે ખુશબુ તેને ગોળી મારશે જ નહીં માટે તેણે ખુશબુને રોકવાનો પ્રયત્ન કર્યો નહીં હોય તેવું પોલીસ માની રહી છે.

ખુશ્બુના  ચેહરા ઉપર મેકઅપ યથાવત હતો

ખુશબુ સાથે કામ કરનાર મહિલા અધિકારીઓના કહેવા પ્રમાણે, ખુશબુ જ્યારે ફરજ પર ન હોય ત્યારે તે કોઈપણ સામાજીક પ્રસંગે નીકળતા પહેલા મેકઅપ કરતી હતી અને પ્રસંગમાંથી પરત આવ્યા બાદ તે મેકઅપ ઉતારી, નવા કપડા બદલી બાકીના કામો કરતી હતી. આ તેની કાયમી ટેવ હતી. પણ જ્યારે મહિલા સાથીઓએ ખુશબુનો મૃતદેહ જોયો ત્યારે ખુશબુના ચહેરા પરનો મેકઅપ યથાવત હતો. આમ રવિરાજ અને ખુશબુ કોઈ એક પ્રસંગમાંથી ઘરે પરત ફર્યા બાદ તેમની વચ્ચે એવી કોઈ બાબત બની કે તેમના વચ્ચે આ ઘટના ઘટી ગઈ.