ખેડા લોકસભા બેઠક પર બહારના ઉમેદવારને ટિકિટ નહીં અપાય

ખેડા જિલ્લો એક સમયથી કોગ્રેસના ગઢ તરીકે જાણીતો છે. નડિયાદમાં જિલ્લા પંચાયત ખાતે કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં કાર્યકરો, હોદ્દેદારોએ પ્રદેશ પ્રભારીની હાજરીમાં ઠરાવ જાહેર કર્યો હતો કે આવનારી લોકસભાની ચૂંટણીમાં કોગ્રેસ પક્ષ સિવાયના કોઇપણ આયાતી ઉમેદવારને ખેડા લોકસભા પરથી ટિકિટ આપવી નહીં. અહીં એવી વાત હતી કે ભાજપને પડકાર આપી રહેલાં પૂર્વ વહાન વ્યવહાર પ્રધાન બિમલ શાહને કોંગ્રેસમાં લાવીને તેમને લોકસભા ચૂંટણી લડાવવી. પણ હવે ખેડા જિલ્લાનો પવન બદલાયો છે. કોઈ કાર્યકર બહારના ઉમેદવારને પક્ષમાં લાવીને તેમને ટિકિટ આપવા તૈયાર નથી.

ત્યજાયેલા ન જોઈએ

અન્ય પક્ષમાંથી ત્યજી દેવાએલા વાઇટ કોલર એક નેતા કોગ્રેસમાંથી ચૂંટણી લડવા તૈયારી કરી રહ્યા છે. તે બાબતને જિલ્લાનું સંગઠન સ્વિકારવા તૈયાર નથી. પ્રદેશ પ્રભારીની હાજરીમાં જ ધીરૂભાઇ ચાવડાએ જે રીતે અન્ય નેતાને ટિકિટ નહીં ફાળવવા જણાવી દીધુ તેને સંગઠનના અન્ય નેતાઓએ પણ સમર્થન આપતા જિલ્લા કોગ્રેસની રણનીતિ સ્પષ્ટ થતી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિભાઇ ચૌહાણ, ઇન્દ્રજીતભાઇ પરમાર, જિલ્લા પ્રમુખ રાકેશ ઝાલા, પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ, નટવરસિહ ચૌહાણ, કોગ્રેસ કાઉન્સિલર ઐયુબખાન પઠાણ, શહેર પ્રમુખ ચીરાગભાઇ બ્રહ્મભટ્ટ વગેરે હાજર રહ્યા હતા.

બજારની મંદી મતદારોને સમજાવો

નડિયાદમાં જિલ્લા પંચાયત ખાતે આવેલ કોંગ્રેસ સમિતિમાં પ્રદેશ પ્રભારી મૃર્તુજાખાન પઠાણની અધ્યક્ષતામાં કોંગ્રેસની યોજાયેલી કારોબારી બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના હોદ્દેદારો, જિલ્લા સંગઠનના પ્રમુખો હાજર રહ્યા હતા. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ કોગ્રેસી કાર્યકરોએ મતદારોના ઘર ઘર સુધી પહોચવું પડશે. નોટબંધી બાદ જે રીતે બજારોમાં મંદી છવાઇ છે. દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તેમ છતા બજારોમાં મંદી છે, જેનો લાભ લઇ કોગ્રેસના કાર્યકરો સરળતાથી મતદારોને મનાવી શકે છે. જેથી હવે કોગ્રેસના કાર્યકરોએ આગામી ચૂંટણી માટે મહેનત શરૂ કરી દેવી જોઇએ.