ખેડૂતોએ દેવા માફી માટે દાન ઉઘરાવી મુખ્યમંત્રીને મોકલાશે

રાજ્ય સરકાર દ્વારા હંમેશા નર્મદાનાં નીર રાજ્યનાં છેવાડાનાં ગામ સુધી પહોંચાડવાનાં બણગાં ફૂંકવામાં આવે છે. પરંતુ હકીકતમાં રાજ્યનાં ઘણાં છેવાડાનાં ગામો એવાં છે જ્યાં હજુ સુધી નર્મદાનાં નીર પહોંચ્યા જ નથી. જેના કારણે એ વિસ્તારોનાં સ્થાનિક લોકો સહિત ખેડૂતોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલાં ન ભરાતાં ખેડૂતો દ્વારા રોજે રોજ અલગ અલગ પ્રકારનાં કાર્યક્રમો આપીને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આવો જ વિરોધ મોરબીનાં ડેમી-2 અને ડેમી-3 યોજનામાં સૌની યોજના અંતર્ગત નર્મદાનાં નીર ઠાલવવાની માંગણી સાથે 20 ગામોનાં ખેડૂતો છેલ્લાં 15 દિવસથી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. તેમાં આજે તેમણે આસપાસનાં વિસ્તારોમાં સતત ચાર દિવસ જઈને દાન ઉઘરાવીને ગુજરાતનાં મુખ્યમંત્રીને તે રકમ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાં ભાગરૂપે આજે આ ખેડૂતોએ દાન મેળવવાની શરૂઆત કરી છે.
ડેમી યોજનામાં સૌની યોજનાં મારફતે નર્મદાના નીર ઠાલવવાની માંગણી કરનાર 20 ગામના ખેડૂતોએ મોરબીમાં નવતર વિરોધ કર્યો હતો. ખેડુતોએ રસ્તાઓ પર ખેડુતોના દેવા માફી માટે દાન ઉઘરાવ્યું હતું. ખેડુતોએ આ રીતે સતત ચાર દિવસ દાન ઉઘરાવી ગુજરાતનાં મુખ્યમંત્રીને નાણાં મોકલવાનું જાહેર કર્યુ છે. અપુરતા વરસાદને કારણે ખેડૂતોના ઊભા મોલ સુકાઈ રહ્યા હોવાથી ખેડૂતો દ્વારા સૌની યોજના મારફતે ડેમી -1, 2 અને 3માં સૌની યોજના મારફતે નર્મદાના નીર આપી ઊભા મોલને જીવતદાન આપવા સતત પંદર દિવસ સુધી આંદોલન કર્યું હતું.  આમ છતાં 20 ગામના ખેડૂતોની માંગ પ્રત્યે સરકારે ધ્યાન ન આપતા અંતે આજે ખેડૂતોએ જાહેર માર્ગો ઉપર ઉતરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ 20 ગામોનાં ખેડૂતોએ અગાઉ ડેમી-2 અને ડેમી-3માં પાણી આવે તેમ જ સરકારને સદબુદ્ધિ મળે તે માટે હવન કર્યો હતો, પાણી માટે ડેમનાં કેચમેન્ટ એરિયામાં ક્રિકેટ રમવાનું, લોટા દ્વારા ડેમમાં પાણી નાંખવાનો તેમ જ પાણી આવે તે માટે ખાડાં ખોદવાનાં વિવિધ અનોખા કાર્યક્રમો પણ આપ્યાં હતાં. હવે જ્યારે ખેડૂતોની વાત ગાંધીનગરમાં બેઠેલી સરકારનાં કાને નથી અથડાતી ત્યારે આ પ્રકારે દાન મેળવીને મુખ્યમંત્રીને તે રકમ આપવાની શરૂઆત કરી છે ત્યારે આવનારા દિવસોમાં આ મૂહિમ કેવો રંગ લાવશે તે જોવું રહ્યું.