ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના દરેડ ગામે યોજાયેલાં ખેડૂત સંમેલનમાં હાજરી આપવા આવેલા અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલે આગામી લોકસભા ચૂંટણી લડવા બાબતે સાફ કહ્યું હતું કે તે કોઈ પાર્ટીમાં જોડાવાનો છે તે વાત પાયા વિહોણી છે. પરંતુ હવે હું 25 વર્ષ નો થઇ ગયો છું અને જેલમાં જઈશ તો પણ 45 વર્ષે પણ પાછો આવીને લડીશ એ પાકું છે. આમ કહી આગામી સમયમાં તે રાજકારણમાં સક્રિય થશે તેવો આડકતરો ઈશારો કર્યો હતો.
ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના દરેડ ગામે યોજાયેલ ખેડૂત સંમેલનમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા સભાને સંબોધન કરતા વર્તમાન સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે આ સરકાર ખેડૂતોની સરકાર નથી, માત્ર ઉદ્યોગપતિઓની જ સરકાર છે. તેમજ સરકારને આડેહાથે લેતા કહ્યું હતું કે છેલ્લા 22 વર્ષથી રાજ્યમાં ભાજપ શાસન કરી રહ્યું છે. પરંતુ આ ભાજપના શાસનમાં ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે, આત્મહત્યાઓ કરી રહ્યો છે, પાકના ટેકાના ભાવો પુરતાં મળતા નથી, શિક્ષણ મોંઘું તેમજ તેનું વ્યાપારીકરણ કરવામાં આવી રહ્યું છે. જેથી આ સરકાર સામે તે આંદોલન કરી રહ્યો છે. આ સરકાર દ્વારા ખેડૂતોના પાક વીમાની રકમ તો લેવામાં આવે છે પરંતુ પાક વીમાની રકમ પૂરતી ચૂકવવામાં આવતી નથી. ગુજરાતમાં પાક વીમાના નામે સરકાર દ્વારા 15 થી 17 હજાર કરોડ રૂપિયા લેવામાં આવે છે અને પાક વિમાની રકમની ખેડૂતોને ચુકવણી માત્ર 5 થી 7 હજાર કરોડ જ કરવામાં આવે છે અને બાકી રહેલી રકમ એ નેતાઓ પોતાના ખિસ્સામાં નાખી દેવાનો આક્ષેપ પણ કર્યો હતો.
દરેડ ખાતે ખેડૂત સંમેલનમાં હાર્દિક પટેલ દ્વારા આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે આ સરકાર પાટીદારો તેમજ અન્ય સમાજ દ્વારા પોતાની વિવિધ માંગોને લઈને જે રીતે આંદોલનો કરવામાં આવી રહ્યા છે તેને ડરાવવા અને ધમકાવવા પોલીસનો સહારો લઇ રહી છે. તેમજ હાર્દિક પટેલ અમદાવાદમાં જે ઘરમાં ભાડે રહેતો હતો અને જ્યાં ઉપવાસ આંદોલન કરતો હતો, તે મકાન માલિક પર પણ સાત કેસો કરી તેને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. જે રીતે ભાજપ સરકાર દ્વારા કિન્નાખોરી કરવામાં આવી રહી છે અને આવનાર ચુંટણીમાં જો આ સરકાર નહિ બદલાય તો આવનાર 2019ની ચૂંટણી બાદ આપણા વોટીંગ કાર્ડ એ માત્ર શોભાના ગાંઠીયા સમાન બની રહેશે. આ ઉપરાંત જે રીતે નાત-જાત અને જ્ઞાતિ વચ્ચે મતભેદ ઊભા કરી રાજનીતિ કરવામાં આવી રહી છે, તે દેશ માટે નુકસાનકારક બનશે.
આ ઉપરાંત ખેડૂત સંમેલનમા હાર્દિક પટેલ દ્વારા રામ મંદિર મુદે પણ રાજનીતિ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. દર વર્ષે ચૂંટણી સમયે રામ મંદિરનો મુદ્દો લાવી લોકોને ભરમાવી લોકોનાં વોટ હિન્દુત્વનાં નામે લેવામાં આવે છે. રામ મંદિર બનાવવું હોય તો આટલા વર્ષો સુધી ભાજપ સરકારે શું કર્યું ? તેમજ લોકોએ પણ સમજવાની જરૂર છે કે રામને જો સ્થાન દેવું હોય તો એ પોતાના હ્રદયમાં સ્થાન આપે અને રામ જેવા સિદ્ધાંતો રાખી અધર્મ સામે લડાઈ કરે, નહિ કે અધર્મનો સાથ આપે. આ સરકાર દ્વારા હું 22 વર્ષ નો હતો એ સમયે આંદોલન દરમ્યાન મારા પર રાષ્ટ્રદ્રોહ જેવા ખોટા કેસો કરી મને જેલ માં મોકલવામાં આવ્યો હતો અને હવે હું 25 વર્ષનો થઇ ગયો છું, તેમજ સરકારની રાજનીતિથી વાકેફ પણ છું. તેમજ હાર્દિક દ્વારા પ્રત્યેક કે પરોક્ષ રીતે ચૂંટણીમાં ઝંપલાવવાની ખાતરી પણ આપતા કહ્યું હતું કે ભલે સરકાર દ્વારા મારા પર ખોટા કેસો કરી મને જેલમાં બંધ કરવામાં આવે પરતું હજુ મારા 25 વર્ષ થયા છે અને 20 વર્ષ જેલમાં રાખે તો પણ હું જ્યારે બહાર આવું ત્યારે 45નો હોઉં ત્યારે જો ૫૦ વર્ષનાં લોકો પણ ચૂંટણીમાં ઝંપલાવતા હોય તો હું પણ લડવાની તૈયારી દાખવીશ.
દરેડ ગામે યોજાયેલ ખેડૂત સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ પાટીદાર સમાજનાં લોકો ઉપસ્થિત રહેલાં તેમજ આ સભામાં હાર્દિક પટેલ દ્વારા સરકાર પર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા