ગુજરાતમાં ખેડૂતોની હાલત દિવસેને દિવસે કફોડી બની રહી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોનાં પ્રશ્ને કોઈ નિરાકરણ હજુ સુધી નહિ આવતાં રાજ્યભરમાં અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રનાં ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે. એક બાજુ ખેડૂતોની હાલત ખરાબ થઈ રહી છે, તો બીજી બાજુ રાજ્ય સરકાર સરદાર સરોવર ડેમ નજીક સાધુ બેટ ઉપર સરદાર પટેલની 182 મીટર ઊંચાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનાં લોકાર્પણનાં કાર્યક્રમની તૈયારી તેમ જ રાજ્યનાં ગામે ગામ સરદારની એકતા અને અખંડિતતાનાં સંદેશને પહોંચાડવા એકતા યાત્રા કાઢવામાં વ્યસ્ત છે. ત્યારે ખેડૂતોનાં પ્રશ્નોને લઈને રાજ્યનો વિપક્ષ આક્રમક બન્યો છે. અને સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં રોજે રોજ આંદોલન કરીને ઉત્સવોમાં વ્યસ્ત સરકારને ખેડૂતોનાં હિતમાં મસ્ત કામ કરવા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યાં છે.
ખેડૂતોના વિવિધ પ્રશ્નોને તેમજ મોંઘવારીને લઈ વિપક્ષ આજે આક્રમક જોવા મળ્યો એક તરફ અમદાવાદમા કોંગ્રેસે મોંઘવારીના વિરોધમાં સાયકલ યાત્રાનું આયોજન કર્યું, તો બીજી તરફ અમરેલીના વડીયામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ખેડૂતોના દેવા માફીને લઈ રેલી યોજી હતી. તેઓ બળદ ગાડામાં બેસીને રેલીમાં જોડાયા હતાં. અને ખેડૂતોના પ્રશ્ને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.જેમાં ખેડૂતો અને કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ખેડૂતોનાં પડતર પ્રશ્નોને લઈને મેદાનમાં ઉતરેલાં પરેશ ધાનાણીએ આરોપ મૂક્યો હતો કે, ભાજપની રાજ્ય સરકાર ખેડૂત વિરોધી સરકાર છે અને તેમને માત્ર ઉત્સવોમાં જ કરોડો રૂપિયાનો ધૂમાડો કરવાનો રસ છે. ખેડૂતોનાં પ્રશ્ને નિરાકરણ લાવવામાં રાજ્ય સરકારને કોઈ રસ નથી ત્યારે આગામી દિવસોમાં જો રાજ્ય સરકાર ખેડૂતોનાં હિતમાં કોઈ નિર્ણય નહિ કરે તો સમગ્ર રાજ્યમાં ખેડૂતો ઉગ્ર આંદોલન પણ કરતાં અચકાશે નહિ એવી ચીમકી તેમણે ઉચ્ચારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે રાજ્યનાં સૌરાષ્ટ્ર પંથકનાં મોટાભાગનાં વિસ્તારમાં અપૂરતો વરસાદ હોવાનાં કારણે ઠેર ઠેર પાક નિષ્ફળ જઈ રહ્યાં છે, ત્યારે ખાનગી વીમા કંપનીઓ ખેડૂતોને પાક વીમાની રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરી રહી છે. આ ઉપરાંત પોતાનાં ખેતરમાં ઉત્પાદન સારું થાય અને સારો પાક મળે તે માટે મોંઘા બિયારણ અને ખાતર ખરીદવા ખેડૂતો દ્વારા લોન કે દેવું કરવામાં આવી રહ્યું છે તે દેવા માફી માટે પણ સરકાર ધ્યાન નથી આપી રહી ત્યારે આકરાં પાણીએ આવેલાં ખેડૂતો આગામી દિવસોમાં ચોક્કસપણે ઉગ્ર આંદોલન કરે એવી શક્યતાઓ નકારી શકાય નહિ.