ખેડૂતોની જમીન બુલેટ ટ્રેનના નામે કરી દેવાનું શરૂં

ગુજરાતના જે ગામડાંમાંથી બુલેટ ટ્રેન પસાર થાય છે તે ગામડાંના ખેડૂતોની જમીન માલિકીમાં જમીન સંપાદન થઈ ગઈ છે તેવી ખેડૂત હક્ક પત્રક નંબર 6માં અનેક સ્થળે નોંધ દાખલ કરી દેવામાં આવતાં હવે ખેડૂતો માલિક મટી ગયા છે. આ અંગે ખેડૂતોને કોઈ લેખિત જાણ પણ ગુજરાત સરકારે આજ સુધી કરી નથી. તેથી ખેડૂતો પર સરકાર કેવા જુલમ કરી રહી છે તે અંગે ખ્યાલ આવે છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પાથરી ગામે દૂધ સહકારી મંડળીની કચેરીએ ખેડૂતોની બેઠક પણ આ અંગે 12 ઓગસ્ટ 2018ના દિવસે મળી હતી. જેમાં ખેડૂતોનો આક્રોશ જોવા મળતો હતો. આવું જાહેર થયા બાદ વડોદરા અને બીજા જિલ્લાના ખેડૂતો આ અંગે ચિંતિત બન્યા છે અને તેઓ પણ પોતાના હક્ક પત્રકમાં આવી કોઈ નોંધ ખેડૂતોને પૂછ્યા વગર ન કરે તે માટે કલેક્ટરને રજૂઆત કરવાના છે.

બહારના ઘણાં ખેડૂતોએ ગણદેવા તાલુકાના પાથરી, દેસાડ, ઈચ્છાપોર ગામોના ખેડૂત ખાતેદારોએ ગામ નમુનો નંબર ૬ હક્ક પત્રકમાં મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ અંગે જમીન સંપાદન માટે પડેલી કાચી નોંધ અંગે નારાજ ખેડૂતોનો સંપર્ક કરીને કઈ રીતે સરકારની આ ખોટી રીતરસમ સામે લડી શકાય તે અંગે માર્ગદર્શન મેળવી રહ્યાં છે.

રવિવાર સાંજે ગણદેવી તાલુકાના પાથરી ગામે દૂધ મંડળી પરિસરમાં જિલ્લાભરના ખેડૂતો, મિલ્કતદારોની બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતોએ જણાવ્યું હતુ કે, ગત સપ્તાહે ગણદેવી તાલુકા પંચાયતના સભાખંડમાં નવસારીનાં ધારાસભ્ય પિયુષ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલની અધ્યક્ષતામાં બુલેટ ટ્રેન મામલે બેઠક યોજાઈ હતી. જેમાં બન્ને ધારાસભ્યોએ સરકાર યોગ્ય વળતર નીતિ જાહેર કરે તે બાદ જ જમીન સંપાદન માપણીની ખાત્રી પણ આપી હતી. આમ છતાં પાથરી, દેસાડ, ઈચ્છાપોર તેમજ નવસારીનાં સીસોદ્રા ગણેશ ગામોનાં ખેડૂતો ખાતેદારોના ગામ નમુનો નંબર ૬ હક્કપત્રકમાં મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ સંપાદનની નોંધ પાડી દેવાઈ છે.