ખેડૂતોની નર્મદા લાવો કચ્છ બચાવોની સભા

પશ્ચિમ કચ્છના તાલુકાઓમાં નર્મદાનું પાણી ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોએ પાક વાવ્યો છે. પણ નર્મદાનું પાણી ન મળતા ખેડૂતોએ હવે સરકાર સામે લડત ચલાવવા રણશીંગું ફૂંક્યું છે. અને માંડવી તાલુકાના બિદડા ગામે માંડવી અને મુન્દ્રાના ખેડૂતોની એક સભાનું આયોજન કરાયું હતું. જેમાં સરકાર સામે રજૂઆત કરવાથી લઈને જરૂર પડ્યે સામખીયાળી અને આડેસર હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.
કચ્છના માંડવી તાલુકાના બિદડા ગામે માંડવી અને મુન્દ્રાના કિસાનોની એક સભાનું આયોજન કરાયું હતું, જેમાં “નર્મદા લાવો કચ્છ બચાવો” વિષય પર ચર્ચા કરાઈ હતી. તાજેતરમાં 20 વર્ષીય ખેડૂત યુવાનનું મોત થતા મૃતકને શ્રદ્ધાંજલિ પણ ખેડૂતોએ આપી હતી. અને પાણીની સમસ્યાને લઈને ચર્ચા કરાઈ હતી.
કચ્છમાં પાણીની પરિસ્થિતી વિકટ બનતાં ખેડૂતો, માલધારીઓ, નાગરિકો, પશુઓની હાલત કફોડી બની રહી છે. હક્કનું નર્મદાનું પાણી મેળવવાની માંગણી માટે “નર્મદા લાવો કચ્છ બચાવો” અભિયાન ખેડૂતોએ છેડ્યું છે. અને આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે પણ ખેડૂતોએ તૈયારી દર્શાવી છે.
ભૂતળના પાણી નીચે જતા ખેડૂતો સાથે પ્રજા પણ ચિંતાજનક બની છે. ત્યારે પશ્ચિમ કચ્છના અસ્તિત્વ, ભાવિ પેઢી, કચ્છના બોર્ડર વિસ્તારના સંરક્ષણ, પશુઓ માટે નર્મદા જ એક માત્ર જીવાદોરી છે. અને આ જીવાદોરીને કચ્છ સુધી પહોંચાડવા માટે ખેડૂતો આંદોલને ચડ્યા છે. અને કચ્છને પાણી મળે તે માટે લડત ચલાવવાની સાથે જરૂર જણાય તો આડેસર અને સામખીયાળી હાઇવે ચક્કાજામ કરવાની પણ ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. ત્યારે જોવું એ રહ્યું કે, ખેડૂતોની વાત તંત્રના કાને પહોંચે છે કે નહિ.