પ્રધાનમંત્રી મોદીએ ઝારખંડના રાંચી શહેરમાં “કિસાન માનધાન યોજનાની” જાહેરાત કરી છે જેમાં ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. આ યોજના અંતર્ગત જો ખેડૂતનું મૃત્યુ થાય તો તેની પત્નીને માસિક 1500 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
કિસાન માનધાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે કોમન સર્વિસ સેન્ટર(સીએસસી) પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ નોંધણી કરવા માટે ખેડૂત પાસે પોતાનું આધારકાર્ડ અને બેન્કની પાસબુક હોવી ફરજીયાત છે. આ યોજનાની નોંધણી ઓનલાઇન થશે. રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ પેંશન કાર્ડ તેના પેન્શન એકાઉન્ટ નંબર સાથે જનરેટ થશે. જેની સૂચના રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને કોમન સર્વિસ સેન્ટર દ્વારા આપવામાં આવશે.
આ યોજના હેઠળ ખેડૂતે પોતાની ઉંમર પ્રમાણે 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનો માસિક હપ્તો ભરવાનો રહેશે। આ યોજનાનો લાભ 18 વર્ષ થી 40 વર્ષની ઉંમર સુધીના બધા ખેડૂતો લઇ શકશે. આ યોજના હેઠળ 2 હેક્ટર સુધીનું ખેતર ધરાવતા તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકશે.