ખેડૂતો બેહાલ પણ વીમા કંપનીઓની 5000 કરોડની કમાણી

રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે 2017 અને 2018ના વર્ષમાં રૂ.7240 કરોડનું પાક વીમા પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું હતું. પણ તેમાંથી રૂ.2312 કરોડ વીમા કંપનીઓએ ખેડૂતોને ચૂકવી હતી. આવું વિધાનસભામાં જાહેર કર્યું હતું. આમ વીમા કંપનીઓને રૂ.5000 કરોડનો સીધો ફાયદો થયો અને ખેડૂતોને બે વર્ષથી દુષ્કાળ હોવા છતાં નાણાં પણ મળ્યા નથી.

2017ના વર્ષમાં વિવિધ વીમા કંપનીઓને રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા મળીને કુલ રૂ.2019 કરોડનું પ્રીમિયમ ભરવામાં આવ્યું હતું. જ્યારે 2018માં રૂ.5220 કરોડનું પ્રીમિયમ ભરવામાં આવ્યું હતું. તેની સામે 2017માં ખેડૂતોને 1041 કરોડ અને 2018ના વર્ષમાં 1270 કરોડ રૂપિયા ખેડૂતોએ પાક નુકસાની સામે જે દાવો કર્યો તે બદલ ચૂકવવામાં આવ્યા હતા. રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા સરખા હિસ્સે પ્રીમિયમ ભરવામાં આવે છે.

જે કંપનીઓને રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રીમિયમ ચૂકવાયું હતું તેમાં રિલાયન્સ, એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની, એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, ઇફ્કો ટોકિયો, એસબીઆઇ, ભારતી એક્સા અને યુનિવર્સલ સેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીનો સમાવેશ થાય છે.

ખેડૂતોને જ્યારે પાકનું નુકસાન થાય ત્યારે પૂરતું વળતર મળતું નથી. કેન્દ્ર અને રાજય સરકાર અબજો રૂપિયાનું પ્રીમિયમ ખાનગી વીમા કંપનીઓને ચૂકવે છે પરંતુ જ્યારે ખેડૂતો વીમા માટે દાવો કરે છે ત્યારે તેમને પૂરતું વળતર મળતું નથી. એક કંપનીએ 274 કરોડનું પ્રીમિયમ લીધું તેની સામે ફક્ત રૂ.10 કરોડ જ ચૂકવાયું હતું. મધ્યપ્રદેશમાં જેમ ખેડૂતોને સીધી પાક વીમાની રકમ ચૂકવાય છે તેવી વ્યવસ્થા ગુજરાતમાં ગોઠવવી જોઇએ.

ખેડૂતોના પાક વિમાની પ્રીમિયમ રાજય સરકાર અને કેન્દ્ર સરકાર 1300 કરોડ મળી કુલ 2600 કરોડ રૂપિયા ભરે છે. તેની સામે ખેડૂતોને પાકનું કે વાવેતરનું નુકસાન થાય કે કુદરતી આપત્તિઓમાં નુકસાન થાય ત્યારે વળતર મળે છે. જો કે સરકાર જે રકમ ચૂકવે છે તેની સામે યોગ્ય વળતર મળે કે પ્રીમિયમની રકમ ઘટે તે પ્રકારે કેન્દ્ર સરકારને કેટલીક ફોર્મ્યુલાના સૂચન કરાયા છે.