ખેડૂતોને દેવાં માફીની વાત બાજુ પર મૂકીને આજે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોનાં પગાર ભથ્થાંમાં જે વધારો કરવામાં આવ્યો છે તેનાં કારણે ખેડૂતો ઉપરાંત સામાન્ય પ્રજામાં પણ વિરોધનો જુવાળ જોવા મળ્યો છે. ધારાસભ્યોનાં પગાર જે પહેલાં મહિને 70 હજાર રૂપિયા હતાં તેમાં 25 ટકા જેટલો એટલે કે લગભગ 1 લાખ 16 હજાર 136 રૂપિયા પગાર થયો. આ પ્રકારનું વિધેયક રાજ્યનાં વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે સત્તાધારી ભાજપ સહિત વિરોધ પક્ષ કોંગ્રેસે પણ સહેજપણ વિરોધ ન કર્યો અને તેને વધાવી લીધું અને સર્વાનુમતે તેને પાસ પણ કરી દીધું. રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે જ જાહેરાત કરવામાં આવી હતી કે, બુધવારે મળનારી વિધાનસભામાં સાત જેટલાં વિધેયકો રજૂ કરવામાં આવશે અને સાથે તે પાસ પણ કરવામાં આવશે. આ વિધેયકો પૈકીનું એક વિધેયક હતું ધારાસભ્યોનાં પગાર ભથ્થાનું. જેની વિપક્ષ કોંગ્રેસને પણ જાણ હતી અને આજે મળેલા સત્રમાં તેને વિના વિરોધે પાસ કરી દેવાયું.
આ મામલે જ્યારે ખેડૂતોનાં દેવાં માફી મામલે આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉઠાવનાર હાર્દિક પટેલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પોતે હાલમાં બેંગલુરુની જિંદાલ નેચર ક્યોર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાથી વાત ન થઈ શકી. પરંતુ પાસનાં એક કન્વીનરે નામ ન લખવાની શરતે એટલું ચોક્કસ કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે પ્રકારે ખેડૂતોનાં મુદ્દે વલણ અપનાવવામાં આવ્યું છે તે તદ્દન ગેરવાજબી છે. જો કોંગ્રેસનાં ધારાસભ્યોને પોતાનાં જ પગાર ભથ્થામાં વધારાનો રસ હતો તો પછી તેઓએ ખેડૂતોનાં દેવાં માફીનાં નામે નાટક કરવાની શું જરૂર હતી.
ધારાસભ્યોનાં પગાર ભથ્થાં વધારા મામલે જ્યારે ખેડૂત અગ્રણી બળવંતસિંહ પઢેરિયાને પૂછ્યું તો તેમણે એવું કહ્યું કે, ચોરનાં ભાઈ ઘંટી ચોર જ છે. કોંગ્રેસ અને ભાજપ બધાં જ સરખાં છે. પોતાનાં કામો કરાવવા માટે કરીને હંમેશા લોકોનાં ખભે બંદૂક મૂકીને ગોળીબાર કરતાં હોય છે. પ્રજાને પડી રહેલી હાલાંકી અને મોંઘવારીને તેઓ નજરઅંદાજ કરીને પોતાને નડતી મોંઘવારીનું બહાનું આગળ ધરીને પોતાનો ફાયદો કરી લે છે. આવા પ્રતિનિધિઓ સામે પ્રજાનો જૂવાળ આવનારા દિવસોમાં જરૂર ફાટી નીકળશે એવી દહેશત પણ તેમણે વ્યક્ત કરી હતી.
સામાન્ય પ્રજા પણ મોંઘવારીનો માર હાલમાં સહન કરી રહી છે, ત્યારે એકબાજુ પેટ્રોલ ડીઝલનાં અસહ્ય ભાવ વધારાનો ઉકેલ લાવવાનું બાજુ પર રાખીને ભાજપ અને કોંગ્રેસનાં સભ્યોની મિલીભગતે ધારાસભ્યોને ઘી કેળાં કરાવી દીધાં તેની સામે સમગ્ર રાજ્યમાં પ્રજાએ પણ વિરોધ નોંધાવ્યો છે અને બન્ને પક્ષોનાં ચૂંટાયેલાં પ્રતિનિધિઓને આ મામલે આગામી દિવસોમાં તેમનાં મતવિસ્તારોમાં ઘેરાવ કરવાનું પણ વિચારી રહી હોવાનું જાણવા મળ્યું છે.