IOPEPC દ્વારા આગામી 1 જુનના રોજ રાજકોટ ખાતે સિંગદાણા ઉદ્યોગના ખેડૂતો, પ્રોસેસર્સ, વેપારીઓ અને નિકાસકારો સહિતના સ્ટેકહોલ્ડર્સ સાથે આ નિકાસ નીતિની ચર્ચા કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પણ ગુજરાત સરકારે હજું કૃષિ નીતિ બનાવી નથી. હવે કૃષિ પેદાશોની નિકાસ કરતાં વેપારીઓ માટે નીતિ બની રહી છે.
સારી ઉત્પાદન પદ્ધતિ માટે ક્લસ્ટર બનાવી અને નિકાસને વધારવા ભારત સરકારે કૃષિ નિકાસ નીતિ બનાવી છે. આ નીતિની જાણકારી તમામ સ્ટેકહોલ્ડર્સને મળી રહે તે માટે વાણિજ્ય મંત્રાલયે ઇન્ડિયન ઓઈલસીડ્સ એન્ડ પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (IOPEPC)ને તેલીબિયાંના ઉત્પાદન અને નિકાસધારકો વચ્ચે નીતિ જાહેર કરવાની જવાબદારી સોપી છે.
IOPEPCના ચેરમેન સંજય શાહે જણાવ્યું કે, આ બેઠક કૃષિ નિકાસ નીતિના વિવિધ પાસાંઓ અંગે ગુજરાતમાં ખેડૂતોની સંવેદનશીલતા માટે એક અસરકારક મંચ તરીકે કાર્ય કરશે, જેમાં ભારતમાં કૃષિ ક્ષેત્રની સ્થિતિ સુધારવા માટે વિવિધ પગલાં છે. કૃષિ નિકાસ નીતિના અમલીકરણ માટે મળનારી આ બેઠકમાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (એફપીઓ), કૃષિ વિકાસ કેન્દ્ર (કેવીકે), કૃષિ યુનિવર્સિટીઓના વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ અને વેપારના સભ્યો ભાગ લેશે.
રાજકોટમાં મળનારી આ બેઠકમાં, મગફળી અને તલના ઉનાળુ ઉત્પાદનના અંદાજ પણ મુકવામાં આવશે. દેશની તલ અને સિંગદાણાની કુલ નિકાસમાં ગુજરાતની હિસ્સેદારી 65-70% જેવી છે અને રાજ્ય ઉત્પાદનની રીતે પણ દેશભરમાં પહેલા સ્થાને આવે છે તે જોતા નીતિ વિષયક આ બેઠક ઘણી મહત્વની સાબિત થશે.
શાહે જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાતના કૃષિ મંત્રાલયે ગાંધીનગરમાં 8 મેના રોજ રાજ્યમાં કૃષિ નિકાસ નીતિના અમલીકરણની ચર્ચા કરવા માટે અમને સ્ટેકહોલ્ડર્સ બેઠક માટે પણ બોલાવ્યા હતા. અમારી સલાહ સાથે, કૃષિ નિકાસ નીતિના હેતુઓને પ્રાપ્ત કરવા માટે યોગ્ય કાર્ય યોજના તૈયાર કરવામાં આવશે.