ખેડૂત નેતા હાર્દિક પટેલે મુખ્ય પ્રધાન રૂપાણીને પત્રમાં શું લખી મોકલ્યું કે સરકાર ઊંચી થઇ

ગુજરાતના ખેડૂત નેતા હાર્દિક પટેલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને 1 ઓક્ટોબર 2019માં લીલા દુષ્કાળમાં ખેતીને કેવી ખાનાખરાબી થઇ તે અંગે પત્ર લખીને ખેડૂત હીતમાં માંગણી કરી છે. તેથી કૃષિ પ્રધાન રણછોડ ફળદુ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તુરંત કૃષિ વિભાગને ખેતીમાં નુકસાની અંગે સરવે કરવાની સૂચના આપવી પડી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોને મદદ કરવાની તૈયારી હાર્દિક પટેલે શરૂ કરી છે.
આ રહ્યો હાર્દિક પટેલનો પૂરો પત્ર.

હાર્દિક પટેલ, અમદાવાદ

———

1 ઓક્ટોબર 2019

મુખ્ય પ્રધાન,

વિજય રૂપાણી,

સ્વર્ણિમ સંકૂલ,

ગાંધીનગર

બાબાત – ખેડૂતોની લીલા દુષ્કાળમાંથી ઊગારો

રાજ્યમાં ચોમાસાએ છેલ્લાં 48 કલાકમાં ખેડૂતો માટે તબાહી મચાવી દીધી છે. બધા ૩૩ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. આ સાથે ચોમાસાની ઋતુનો કુલ 140 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં લીલા દુકાળની ભિતી સેવાઇ રહી છે. 80-85 લાખ હેક્ટરના ખેતરોમાંથી 40 ટકા ખેતરોમાં છેલ્લાં 20 દિવસમાં સતત વરસાદથી તબાહી થઈ છે.

છેલ્લાં 48 કલાકમાં સૌરાષ્ટ્ર ઝોન અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં અપેક્ષા કરતાં વધારે વરસાદ પડ્યો છે.  દેવભૂમિદ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પાક તૈયાર થયો તેના ઉપર વરસાદ પડ્યો છે. તેથી ઊભો પાક જમીન પર ઢળી ગયો છે. પારાવાર નુકસાન થયું છે.

ગુજરાતની સરકારને અને કેન્દ્રની સરકારે ખેડૂતોનું દર્દ સમજો, તેઓ પારાવાર મુશ્કેલીમાં છે. તેમનો ચોમાસુ પાક સાવ હતો ન હતો થઈ ગયો છે. તેથી તેમને તુરંત મદદની જરૂર છે. ગુજરાતની પ્રજા પરેશાન ખેડૂતોની પડખે ઊભી છે.

વીમા કંપનીઓ અંગે મારી માંગણી છે કે તુરંત દરેક ગામમાં અને દરેક ખેતરમાં ખેત સમિતિને સાથે રાખીને ખેડૂતોની હાજરીમાં સરવે કરવામાં આવે. ખેડૂતો કહે તે રીતે સરવે કરીને તેમને તુરંત વળતર આપે. જેમાં ખેડૂતોએ પહેલી વાવણી કરી ત્યારે તેમનું બિયારણ નિષ્ફળ ગયું હતું તે પણ સામેલ કરવામાં આવે.

ગુજરાતના દરેક વિસ્તારમાં રહેવા મારા ખેડૂત મિત્રોએ મને જે વિગતો મોકલી છે તે આપની જાણ સારુ અહીં આપી રહ્યો છું.

ક્યાં કેટલું નુકસાન

ઉત્તર ગુજરાત –

બનાસકાંઠામાં બાજરી, મકાઈ, જુવાર, મગફળી, કપાસ, ઘાસચારો મળીને કૂલ 6 લાખ હેક્ટર વાવેતર થયું છે જેમાં 50 ટકાથી વધુ નુકસાન થયું હોવાની સંભાવના છે. બાજરી, મકાઈ અને જુવારનો સારો એવો પાક ધવોઈ ગયો છે. પાટણ ડિસામાં અડદને મોટું નુકસાન છે. કપાસનું તો દરેક વિસ્તારમાં નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતમાં બાજરી સૌથી વધું 1 લાખ હેક્ટરમાં ઉગાડવામાં આવી છે જ્યાં 50 ટકાથી વધુ નુકસાન થવાના અહેવાલો છે. અડદને પણ પારાવાર નુકસાન છે. 2.50 લાખ હેક્ટર મગફળીમાંથી સારો એવો પાક ધોવાઈ ગયો છે. કપાસમાં મોટો માર પડ્યો છે.

મધ્ય ગુજરાત

ડાંગરનું 5.50 લાખ હેક્ટર વાવેતર છે. જ્યાં ઓછું નુકસાન છે. પણ આદિવાસી પટ્ટીમાં મકાઈનું 2.40 લાખ હેક્ટરમાં વાવેતર છે જેમાં 25થૂ 30 ટકા નુકસાન ખેડૂતોએ ભોગવવું પડ્યું છે. કપાસ ઢળી ગયો છે. ખેતરોમાં પાણી ભરાયેલા છે.

સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં બાજરીનો સૌથી વધુ પાક હોવાથી ત્યાં સારો એવો પાક ખેતરમાં ઢળી ગયો છે. તૈયાર ડૂંડા હવે નકામા થઈ ગયા છે. 13 હજાર હેક્ટરના મગના પાકમાં મોટું નુકસાન છે.

સૌરાષ્ટ્રમાં તલનો પાક સમગ્ર ગુજરાતમાં સૌથી વધું 55 હજાર હેક્ટર લેવામાં આવ્યો છે જેમાં 90 ટકા પાક ખતમ થઈ ગયો છે. એટલો જ કઠોળનો પાક હતો તેમાં 70 ટકા જેવું નુકસાન છે. તેથી આ બન્ને પાક ઉગાડનારા ખેડૂતોને તુરંત સહાય આપવાની જરૂર છે.

મગફળી – 13 લાખ હેક્ટર મગફળી સૌરાષ્ટ્રમાં ઉગાડી હતી. જે સમગ્ર ભારતમાં સૌથી વધું છે. જેમાં 60થી 70 ટકા પાક નિફ્ળળ જવાની ભિતી છે. 32 લાખ ટન મગફળી થાય એટલો સારો પાક શરૂઆતમાં હતો પણ હવે તેનો અડધું ઉત્પાદન થઈ શકે તેમ નથી. એક તો ડોડવા તૈયાર થઈ ગયા હતા ત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે, બીજી બાજુ અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જામનગર, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, સોમનાથ જિલ્લામાં મગફળીના પાકને એક જ અઠવાડિયામાં મોટું નુકસાન થયું છે.

કપાસનો પાક સૌરાષ્ટ્રમાં આફતમાં છે. 19 લાખ હેક્ટરમાં કપાસ છે. જે પવન, વરસાદ અને વજનના કારણે જમીન પર ઢળી ગયો છે. ફાટી ગયો છે. કપાસની જીંડવા ખરાબ થઈ ગયા છે. હવે એ કરોડ ગાંસડી તો શું 50 લાખ ગાંસડી કપાસ થાય તો પણ ખેડૂતો માટે સારૂં થશે. તેથી કપાસનો વીમો મળે એ માટે સરકારે તુરંત સહાય આપવી જોઈએ.

દક્ષિણ ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં ડાંગરના ખેતરોમાં નુકસાન છે. પણ તેનાથી સૌથી વધુ નુકસાન તો તુવેરમાં હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે.

48 કલાકમાં અબજો રૂપિયા ખેડૂતોના ધોવાઈ ગયા

છેલ્લાં 48 કલાકમાં દ્વારકા, જામજોધપુર, ભાણવડ, પોરબંદર, કલ્યાણપુર, જામકંડોરણા, રાપર, ખંભાળીયા, લોધિકા, જોડિયા, ભચાઉ, ભેંસાણ, ગોંડલ, અંજાર, જૂનાગઢ, રાજકોટમાં 4 ઈંચથી 28 ઈંચ વરસાદ પડ્યો છે. અહીં અબજો રૂપિયાનો પાક 48 કલામાં ધોવાઈ ગયો છે.

બે ઈંચથી ચાર ઈંચ સુધી વરસાદ વરસ્યો હોય તેવા ૩૨ તાલુકાઓ છે. જેમાં ધોરાજી, માણાવદર, મોરબી, રાણાવા, ટંકારા, ગાંધીધામ, જામનગર, લાલપુર, માળિયા-મિયાંણાધ્રાંગધ્રા, કોટડા સાંગાણી, વાડિયા, હારિજ, વંથલી, પોરબંદર, તલાલા, જેતપુર, રાધનપુર, ઉપલેટા, વાંકાનેર, કેશોદ, મુંદ્રા, માળિયા, વિસાવદર, ધ્રોલ, બેચરાજી, કાલાવાડ, માંગરોળ, મહેસાણા, પડધરી, થાનગઢ, અને મેંદરડા તાલુકાઓનો સમાવેશ થાય છે જયારે 31 તાલુકાઓમાં એક ઈંચથી બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

કચ્છમાં 175 ટકા, ઉત્તર ગુજરાતમાં 108 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 125 ટકા, સૌરાષ્ટ્રમાં 150 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 150 ટકા વરસાદ થયો છે. ગુજરાતમાં સરેરાશ કરતાં 140 ટકા વરસાદ થયો છે.

20 દિવસમાં બધું ધોવાયું

હંમેશ માટે ખેડૂતો માટે સરસાદ સારો જ હોય છે એવું માનવાને કારણ નથી. પાક તૈયાર થઈ ગયા પછી જો વરસાદ થાય તો તે લીલો દુષ્કાળ છે. આવું જ છેલ્લાં 20 દિવસથી થઈ રહ્યું છે. છેલ્લાં 20 દિવસમાં જ્યાં પણ વરસાદ થયો છે ત્યાં કૃષિ પાકમાં ખાનાખરાબી કરી છે. પાક ઢળી ગયો છે, કોહવાઈ ગયો છે, જીવાત આવી ગઈ છે, મૂળ સડી ગયા છે, છોડનું કદ વઘી ગયું છે. જે આફત નોતરી છે. લીલો દુષ્કાળ થાય ત્યારે ખેડૂતોને શિયાળુ પાક માટે આશા જીવંત રહે છે.

શરૂઆતમાં વરસાદ ખેંચાતા કપાસનું બિયારણ નિષ્ફળ ગયું હતું. હવે પાક નિષ્ફળ ગયો છે.

ગુજરાત રાજ્ય બાજરીના વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું રાજસ્થાન અને મહારાષ્ટ્ર પછી ત્રીજા નંબરનું રાજ્ય છે. જ્યાં સમગ્ર ગુજરાતમાં 1.75 લાખ હેક્ટરમાં વાવેતર હતું જ્યાં મોટા ભાગે નુકસાન થયું છે.

ખાદ્યાન્નના ઉત્પાદન તૂટશે

સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસ્યો છે. જેના કારણે પાકના વાવેતરને નુક્સાન થવાની ભીંતિ ઊભી થઈ છે. સૌરાષ્ટ્રના મધ્ય ઝોન વિસ્તાર એટલે કે રાજકોટ તથા તેની આસપાસના વિસ્તારને છોડીને સૌરાષ્ટ્રના છેવાડે આવેલા તમામ વિસ્તારમાં થયેલા પાક તેમાંય ખાસ કરીને કપાસ, મગફળી તેમજ ટુંકા ગાળાના પાક જેવા કે અડદ, મગ અને મઠને નુક્સાન થયું છે.

ભ્રષ્ટાચાર દૂર કરવા ઈસરોની મદદ લો

નુકસાનની સાચી વિગતો મેળવવા માટે ઈસરોના સેટેલાઈટની મદદ લેવામાં આવે. અમદાવાદ ઈસરો પાસે દરેક ખેતરના ડેટા છે. ચંદ્રયાન અંગે જ પ્રસિદ્ધિ લેવી પૂરતી નથી, ઉપગ્રહના ડેટાનો ઉપયોગ ખેડૂતો માટે કરો. વીમા કંપનીઓ સાચો સરવે કરવાની નથી. તેઓ રૂ.5 હજાર કરોડનું પ્રિમિયમ લઈ જશે પણ વળતર નહીં આપે. જો નર્મદા યોજનાની નહેર પૂરી કરવામાં તમારી સરકારે વિલંબ કર્યો ન હોત તો ઉનાળામાં પણ 20 લાખ હેક્ટરમાં ખેતી થતી હોત. જે ઉનાળામાં માત્ર 3 લાખ હેક્ટરમાં સિંચાઈ થાય છે. નર્મદા યોજના પૂરી કરવામાં તમે ભલે નિષ્ફળ રહ્યાં હો, પણ ખેડૂતોને વીમો આપવામાં પણ તમારી સરકારો સતત નિષ્ફળ રહી છે. ખેડૂતોની મગફળી સીધી ખરીદવામાં વ્યાપક ભ્રષ્ટાચાર થવા છે તેથી ખરીદી કરવાના બદલે ખેડૂતોને ભાવ ફેર આપી દેવો જોઈએ તો પણ સરકારને ફાયદો છે. તમારી સરકાર ભ્રષ્ટાચાર દૂર કરવા માંગતી હોય તો ઈસરોની તુરંત મદદ લે.

100 વર્ષનો રેકોર્ડ તૂટશે

છેલ્લાં 30 વર્ષમાં સૌથી વધુ વરસાદ વર્ષ 1994માં 1245 મિ.મી. નોંધાયો હતો. 2005, 2006, 2007, 2010 અને 2013માં 1 હજાર મિ.મી. કરતાં વધારે વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બર માસમાં 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ વખતે સ્થિતી ઉલટી છે. જ્યારે પાક તૈયાર થઈ ગયો ત્યારે વરસાદ વધું પડ્યો છે. તેથી ખેડૂતોનેપારાવાર નુકસાન થયું છે.

રાજ્યમાં 1223 મિ.મી. વરસાદ 1994માં પડેલો હતો. 1980થી 2019 સુધીમાં આ વખતે વધુ વરસાદ થયો છે. હજુ વરસાદ ચાલુ છે ત્યારે જો સરેરાશ 4 ઈંચ વરસાદ વધશે તો, સૌથી વધુ વરસાદ પડવાનો 100 વર્ષનો ઈતિહાસ બનીશે. તેથી ખેડૂતો પર લીલો દુષ્કાળ આવી પડ્યો છે.

સપ્ટેમ્બર માસના અંતમાં પડેલો વરસાદ સૌથી વધું નુકસાન કર્તા રહ્યો છે. તેથી ખેડૂતોને તુરંત સહાય આપો.

હાર્દિક પટેલ,

અમદાવાદ