ખેડૂત સમાચાર

બોટાદના ખેડૂતો પાસેથી સરકારે ખરીદેલા ચણાના 14 કરોડ હજુ સુધી ચૂકવાયા નથી

બોટાદ જિલ્લાના ખેડૂતો પાસેથી ગુજકોમાસોલ, નાફેડ અને બોટાદ તાલુકા સંઘ મારફત સરકાર દ્વારા ચણાની ખરીદી કરવામા આવી હતી. જેના પૈસા હજી સુધી ખેડૂતોને ચુકવવામા આવ્યા નથી જેના લીધે આ જીલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. આ અંગે રમણીકભાઈ ભાવનગરીયા ખેડૂતોની આગેવાનીમા ખેડૂતો એકઠા થઈ સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી ખેડૂતોને સત્વરે નાણા ચુકવવામા આવે તેવી માંગ સાથે બોટાદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે રમણીકભાઈ ભાવનગરીયા (ખેડૂત અગ્રણી) સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે બોટાદ જિલ્લાના આશરે બે હજારથી એકવીસો જેટલા ખેડૂતોના અંદાજે ૧૪ કરોડ જેટલા રૂપિયા ચુકવાયા નથી તેમજ ખાતર, બિયારણના દેવામા ડુબેલા ખેડૂતો આજે ખુબજ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોને હજુ સુધી નાણા ન ચૂકવાતા અને બીજી તરફ વરસાદ ન થતાં ખેડૂતોની હાલત કફોડી થઇ છે ત્યારે ખેડૂતોને તુરંત નાણાની ચકવણી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
————–
નકલી જંતુનાશક દવાનું કારખાનું ઝબ્બે

ગેરમાર્ગે દોરનારૂં લખાણ લખી ખેડુતોને જંતુનાશક દવા પધરાવી દેતા હોય છેતરપિંડી વિશ્વાસઘાત ઉપરાંત બોગસ દસ્તાવેજો બનાવવાની કલમો હેઠળ પણ ગુન્હો નોંધાઈ શકે છે. પોલીસ દરોડામાં ક્રોબા પ્લસ અને બાયો સ્પીક દવાનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં લેબલ ઉપર દર્શાવાયેલા ઘટકો પરીક્ષણ દરમ્યાન ન મળી આવતા ગુન્હો દાખલ કરાયો છે. રાજયના કૃષિ મંત્રીએ ખુદ કબુલ્યું હતું કે નકલી જંતુ નાશક દવાઓ અને બિયારણના કારણે પાક નિષ્ફળ જવાના કારણે ખેડુતો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે લોધિકા બાદ શાપર પોલીસે પણ બનાવટી જંતુનાશક દવાની ફેક્ટરી પકડી પાડી છે ત્યારે પી.એસ.આઈ. આર.જી. સિંધુએ જણાવ્યું હતું કે શાપરમાં આવી અન્ય કોઇ ફેક્ટરીઓ ચાલે છે કે કેમ? તે અંગે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. લોધિકા જી.આઈ.ડી.સી. બાદ શાપરમાંથી પણ ડેપ્લીકેટ જંતુ નાશક દવા બનાવવાનું કારખાનું ઝડપાતા પોલીસે કારખાનાના માલીક સહિતના શખ્સો સામે છેતરપીંડી વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. ખેતીવાડી ખાતામાં ફરજ બજાવતા ચિરાગભાઇ રમેશભાઇ કોયાણીએ શાપરમાં ભેળસેળ

યુક્ત જંતુનાશક દવા બનાવતા ક્રિસ્ટલ ફર્ટીલાઈઝર એકમના સંચાલક જયેશભાઇ ઘેટીયા કે જેઓ શાપર વેરાવળમાં જ રહે છે તેમની સામે વિધીવત ફરીયાદ નોંધાવી છે. શાપર વેરાવળના પડવલા રોડ પર ઇશ્વર વે બ્રીજ નજીક આવેલા ક્રીસ્ટલ ફર્ટીલાઈઝર નામના કારખાનામાં નોન બ્રાન્ડેડ જંતુ નાશક દવાઓ બનતી હોવાની માહિતી મળતા ખેતીવાડી ખાતા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. કૃષી વિભાગની તપાસ દરમ્યાન જંતુ નાશક દવાઓના સેમ્પલ ફેઈલ થતા તેમના દ્વારા શાપર પોલીસ મથકમાં આઈ.પી.સી.ની કલમો ૪૦૬ અને ૪૨૦ મુજબ ગુન્હો નોંધાવવામાં આવતા પી.એસ.આઈ. વાય.બી. રાણા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે છેતરપીંડી વિશ્વાસઘાત ઉપરાંત જંતુ નાશક દવાની વિવિધ કલમો હેઠળ પણ ગુન્હો દાખલ કર્યો છે. ક્રિસ્ટલ ફર્ટીલાઈઝરના માલીક જંતુ નાશક દવામાં કેટલાક સક્રિય તત્વો ભેળવી દવાની બોટલ પર ગેરમાર્ગે દોરનાર લખાણ કરતા હોવાનો પણ ફરીયાદમાં આક્ષેપ કરાયો છે. ખેડુતો સાથે છેતરપીંડી અંગે પોલીસ દ્વારા અત્યંત ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને ખુદ જીલ્લા પોલીસ વડા પણ તેમના અંગત રસ લઇ રહ્યા છે.
————–
ધ્રાંગધ્રાના ખેડુતોનું પાણી માટે આવેદન

ગુજરાત રાજ્યમા ચોમાસાની પહેલી સીઝનમા જ કેટલાક શહેરોમા જળબંબાકાર થયો છે પરંતુ સુરેન્દ્રનગર જીલ્લામા નહિવત વરસાદ હોવાના લીધે ખેડુતો મુંઝાયા છે જ્યારે વરસાદ પણ નહિવત હોય અને કેનાલોમા પણ પાણી ખુબજ ઓછુ હોય જેથી ધ્રાગધ્રા પંથકના ખેડુતોને પોતાના પાક માટે પારાવાર મુશ્કેલી પડી રહી છે ત્યારે ખેડુતોએ પોતાના ખેતરોમા પાક ઉગાડી હવે પાણીની વિકટ સમશ્યા સજાઁતા પાક બળી જવાની ભિતી ઉદભવ થઇ છે ત્યારે ધ્રાંગધ્રા પંથકના તમામ ખેડુતો દ્વારા નમઁદા કેનાલની મોરબી બ્રાન્ચમાથી ધ્રાંગધ્રા પંથકના કેટલાક ખેડુતોને પાણી આપવામા આવે તેવી રજુવાત સાથે ડે.કલેક્ટર પ્રજ્ઞાબેન મોણપરાને આવેદન પત્ર પાઠવ્યુ હતુ જેમા તેઓએ રજુવાત કરી હતી કે ધ્રાંગધ્રા પંથકમા સૌથી વધુ પાક કપાસનો થાય છે સાથે પાણીની અછતના લીધે વાવેતરમા હવે ખેડુતોને પાણી ન મળતા આત્મહત્યા કરવાના દિવસો આવી ગયા છે જેથી સરકાર પાસે નમ્ર અરજ કરી તમામ ખેડુતોને પાણી પુરુ પાડવાની સહાય કરે નહિ તો અગામી સમયમા ખેડુતો આંદોલનનો રસ્તો અપનાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
————–
ઝાલાવાડમાં 20 % વરસાદ: 40 % વાવેતરની ઘટ

ઝાલાવાડમાં વરસાદ માટે ભરચક ગણાતા અષાઢ અને જુલાઈ માસમાં મોસમનો માત્ર ૨૦ ટકા જ વરસાદ નોંધાયો છે. જેમાં લખતર, હળવદ, મૂળી, ધ્રાંગધ્રા, થાન અને દસાડા તાલુકાઓમાં ૧૦ ટકા કરતા પણ ઓછો વરસાદ થયો છે. જેની સામે જિલ્લામાં ૨૦૧૭ તા. ૨૦ જુલાઈ અંતે કુલ પ,૫૪,૧૨૫ હેક્ટર વાવેતર સામે આ વર્ષે જુલાઈ અંતીત ફક્ત ૩,૪૨,૯૫૫ યાને કે અંદાજે ૪૦ ટકા ઓછું વાવેતર થવા પામ્યુ છે. બીજીતરફ નર્મદા કેનાલોમાં ખેતરો સુધી પાણી પહોંચતા સમય લાગતા ઉભો પાક ખેડૂતોનો બળી રહ્યો છે. રાજ્યભરમાં નપાણીયા મલક તરીકે ઓળખાતા ઝાલાવાડ પંથકમાં આ વર્ષે ફક્ત ૨૦ ટકા વરસાદથી ખેતી-પાક-પાણીના ચિત્ર ઉપર આફત મંડરાઈ છે. જેમાં લખતર, હળવદ, મૂળી, ધ્રાંગધ્રા, થાન અને દસાડા તાલુકાઓમાં ૧૦ ટકા કરતા પણ ઓછો વરસાદ થયો છે. ઝાલાવાડમાં તા. ૨૦ જુલાઈ, ૨૦૧૭ દરમિયાન ૫,૫૪,૧૨૫ હેક્ટરમાં વાવેતર થવા પામ્યુ હતુ. પરંતુ આ વર્ષે જુલાઈ અંતીત જિલ્લામાં ફક્ત ૩,૪૨,૯૫૫ હેક્ટરમાં વાવેતર થવા પામ્યુ છે. અંદાજે ૪૦ ટકા ઓછા વાવેતર માટે શરૂ થયેલ મોડુ વાવેતર કારણભૂત હોવાનું ખેતીવાડી વિભાગ માની રહ્યુ છે.

વરસાદ ખેંચાવવાની સ્થિતિ વચ્ચે જિલ્લાની કુલ ૫,૬૫૨ મિ. મિ. વરસાદ નોંધાયો છે. જેમાં દસાડા-૧૦૩ મિ.મિ., ધ્રાંગધ્રા-૧૦ મિ.મિ., લખતર ૭૦ મિ.મિ., મૂળી – ૮૩ મિ.મિ., અને સાયલા – ૮૦ મિ.મિ. સાથે સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. ઓછા વરસાદના પગલે ખરીફ પાકો ઉપર આફત સર્જાઈ હતી. બીજીતરફ નર્મદા કેનાલોમાં ખેતરો સુધી પાણી પહોંચતા સમય લાગતા ઉભો પાક ખેડૂતોનો બળી રહ્યો છે. આ અંગે ખેતીવાડી અધિકારી વાદીએ જણાવ્યુ છે કે, હાલ, જિલ્લામાં વાવેતરનો સમય ચાલી રહ્યો છે. એવા સમયે કેનાલોમાં નર્મદાના નીર વહેતા થતાં ખેતી અને ખેડૂતોને ફાયદો થશે. સંભવત: વાવોતર કરેલ પાકને બચાવી લેવાશે. તેમ છતાં આગામી દિવસોમાં હજુ પણ વાવેતર વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

——————–
હળવદના માલધારીઓ 400 ગાય લઈને મામલતદાર કચેરી ધસી ગયા

હળવદ શહેરમાં થોડો પણ વરસાદ થયો નથી અને ગત સાલ પણ નહીવત વરસાદ પડ્યો હતો ત્યારે થોડા દિવસો પહેલાં હળવદ તાલુકાના માલધારીઓની એ આવેદનપત્ર આપ્યું હતું ત્યારે મંગળવારે હળવદ મામલતદાર ને આવેદનપત્ર આપી ને જણાવેલ હતુ કે બુધવાર સુધીમાં રાહત ભાવે ડેપો શરૂ કરવામાં નહીં આવે તો તમામ માલધારીઓની માલ ઢોર લઈ ને મામલતદાર કચેરી ધસી આવવા ની ચીમકી આપી હતી ત્યારે બુધવારે મામલતદાર કચેરી ના પટાંગણમાં ૫૦૦ મુગા પશુઓ માલ ઢોર પશુઓ લઈ ને પશુ પાલકો ઓ ધસી આવતા તંત્ર મા દોડધામ મચી જવા પામી હતી

વરસાદ ખેંચાતાં ખેડૂતો અને મુગા પશુઓ માટે પીવાના પાણી માટે વલખાં મારવા પડે અને ઘાસચારાની ના ભાવો વધતા પશુ પાલકો કો ચિંતા મા મુકાયા છે હાલમાં ઘાસચારાની ખુબ જ તંગી હોઈ અને મોંધવારીના કારણે જરૂરિયાત મુજબનો ઘાસચારો ખરીદી શકીએ તેમ ન હોઈ અમારા પશુઓ વેચવાની ફરજ પડી છે કારણકે પશુઓ ની હાલત કફોડી બની છે ત્યારે થોડા દિવસો પહેલાં જ રાહત ભાવે ડેપો શરૂ કરવામાં મામલે મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું તેમ છતા સરકાર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહી આવતા મંગળવારે ફરી ૫૦ જેટલા પશુ પાલકો એ હળવદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં ધસી આવ્યા હતા આવેદનપત્ર મા જણાવ્યા પ્રમાણે કે સરકાર દ્વારા બુધવારથી રાહત ભાવે ઘાસ ડેપો શરૂ કરવામાં નહીં આવે તો તમામ માલધારીઓની માલ ઢોર લઈ ને મામલતદાર કચેરી ધસી આવવા ની ચીમકી આપી હતી ત્યારે તંત્ર દ્વારા માલધારીઓની ની માંગ બુધવારે પુરી નહી કરતા બુધવારે ૪૦૦ જેટલા મુગા પશુઓ માલ ઢોર લઈ ને મામલતદાર કચેરી ના પટાંગણમાં સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો હળવદ મામલતદાર કચેરી હળવદ તાલુકા ના પશુપાલકો અને માલધારીઓની મોટી સંખ્યામાં પોતાના માલ ઢોર લઈ ને મામલતદાર કચેરી ધસી આવ્યા ની સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી ને માલઢોર પશુઓ ને મામલતદાર કચેરી નો ઘેરાવ કર્યો હતો.
———–
વાવ તાલુકાના ખેતમજુરોને ખેતીની જમીન ફાળવવા ના.કલેકટરને આવેદનપત્ર અપાયું

વાવના તાલુકા વિકાસ અધિકારીને ખેતીની જમીન ફાળવવા માંગણી કરવા છતાં માંગ નહી સંતોષાતાં આવા પરિવારો દ્રારા થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં બી.પી.એલ.લાભાર્થીઓને ખેતીની માટે જમીનની માંગણી કરી હતી.વાવ તાલુકાના એટા ગામના જમીનવિહોણા પરિવારોએ ખેતીની જમીન ફાળવવા માટે વાવ તાલુકા વિકાસ અધિકારીને રજુઆતો કરી હતી.જોકે તેમ છતાં પણ કાર્યવાહી નહી થતાં બુધવારે આવા બી.પી.એલ.પરિવારોના સ્ત્રી પુરુષો અને વાવ,થરાદ તથા સુઇગામના ભીમસેનાના કાર્યકર્તાઓ નાયબ કલેક્ટર કચેરીમાં આવ્યા હતા.

જેમણે નાયબ કલેક્ટર એ.કે.કલસરીયાને આવેદનપત્ર સ્વરૂપે રજુઆત કરી રામપુરા ગામ દફતરે ચાલતી સર્વે નંબર વાળી જમીનની ફાળવણી કરવાની માંગણી કરી હતી.ગ્રામપંચાયતના મહિલા સરપંચે અગાઉ ગ્રામસભામાં આ સર્વે નંબરની સરકારી પડતર જમીન ભુમીહિન ખેતમજુરોને ફાળવવામાં આવે તો તેમને સ્થળાંતર ન કરવું પડે તેવા પ્રકારનો ઠરાવ પણ ગ્રામસભામાં મંજુર કરવામાં આવ્યો હતો.હવે માત્ર જાહેરનામું બહાર પાડવાની કામગીરી બાકી હોવાનું જણાવ્યું હતુ. નાયબ કલેક્ટરે તેમને કાર્યવાહી કરવાની ખાત્રી પણ આપી હતી.
————-
નર્મદા કેનાલમાં પાણી નહીં મળે તો ઝાલાવાડના ખેડૂતો જળસમાધિ લેશે

સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નહેર અને ઢાંકીમાં ખેડૂતોએ મચાવ્યો હોબાળો

રાજય સરકાર દ્વારા નર્મદા કેનાલમાં પાણી આ૫વાની મોટા ઉપાડે જાહેરાત કર્યા બાદ અનેક કેનાલોમાં ૧૦ દિવસ બાદ ૫ણ પાણી છોડવામાં આવ્યું નથી. ઝાલાવાડની તરસી ધરતી ચાર મહિનાથી નર્મદાના નીર ઝંખી રહી છે. જયારે સરકારની જાહેરાત બાદ ખેડૂતોએ વાવણી કર્યા ૫છી પાણી ન મળતા ખેડૂતોમાં દેકારો મચી ગયો છે ત્યારે સૌરાષ્ટ્રની મુખ્ય નહેર ઢાંકી કેનાલ પર બુધવારે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. બીજીતરફ કોંગ્રેસના ધારાસભ્યએ શનિવારે કલેક્ટર કચેરીમાં ઉગ્ર ધરણાની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લા કુલ ૬૫૧ ગામોમાંથી ૩૫૨ ગામોની ૭૫૦૫૨૯ એકર જમીનને નર્મદાના નીરની સિંચાઈનો લાભ મળનાર છે ૫રંતુ રાજય સરકાર દ્વારા નર્મદા કેનાલમાં પાણી આ૫વાની મોટા ઉપાડે જાહેરાત કર્યા બાદ વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ અને વડોદ કેનાલમાં દસ દિવસ બાદ ૫ણ પાણી છોડવામાં આવ્યું નથી. ઝાલાવાડની તરસી ધરતી ચાર મહિનાથી નર્મદાના નીર ઝંખી રહી છે. જયારે સરકારની જાહેરાત બાદ ખેડૂતોએ વાવણી કર્યા ૫છી પાણી વઢવાણ, લીંબડી અને ચુડા પંથકને ન મળતા ખેડૂતોમાં દેકારો મચી ગયો હતો.વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ માં પાણી નહિ છોડાતા ખેડૂતો દ્વારા વાવણી કરેલો અઢી લાખ એકરનો ઉભો પાક સુકાય રહેલ છે આથી લખતર તાલુકાના કળમ કડુ, તરમણિયા, ડેરવાળા અણિયારી, તાવી, તલસાણા ગામના ખેડૂતોએ લખતર તાલુકાના ઢાંકી ગામની મેઈન કેનાલ પર હોબાળો મચાવી અા અંગે ધમેન્દ્રસિંહે અને ખેડુતોઅે કેનાલમા પાણી અપાયતો સામુહિક જળ સમાધિ લેવાની ધમકી ઉચ્ચારી છે.બીજીતરફ કોંગ્રેસના ધારાસભ્યએ શનિવારે કલેક્ટર કચેરીમાં ઉગ્ર ધરણાની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

કોંગ્રેસના ધારાસભ્ય ખેડૂતો માટે આવ્યા મેદાને, કલેક્ટર કચેરીમાં ધરણાં

વલભીપુર શાખા નહેર, ખારાઘોડા શાખા નહેર, ધ્રાંગધ્રા શાખા નહેર, ઝીંઝુવાડા શાખા નહેરમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડવા દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આજે નર્મદાના ચેરમેનને પત્ર લખી રજૂઆત કરી. અને જો તાત્કાલિક પાણી નહિ છોડવામાં આવે તો નૌશાદ સોલંકીએ આગામી શનિવારે કલેકટર કચેરી સામે ઉગ્ર ધારણા પ્રદર્શન કરવામાં આવશે તે મુજબની ચીમકી આપેલ છે. આથી નર્મદાના કર્મચારીઓમાં હાલ પાણી ચાલુ કરવવા દોડધામ મચી છે. નૌશાદ સોલંકી જણાવેલ કે સરકારની અણઆવડત અને આડેધડ કાર્ય પદ્ધતિથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. ઉત્સવોમાં વ્યસ્ત સરકારને ખેડૂતોની બિલકુલ પરવાહ નથી.

ખેડૂતોને પાક વીમાની રકમ ન મળતા હાલત કફોડી

હાલ ચોમાસા ઋતુમાં સુરેન્દ્રનગર જીલ્લામાં બિલકુલ નહીવત વરસાદ થયેલ છે. મોટાભાગના ખેડૂતોએ વાવેતર કરેલ છે. વરસાદ ખેંચતા ખેડૂતોની હાલત કફોડી બની રહેલ છે. ગત ચોમાસામાં અતિવૃષ્ટિથી પાયમાલ થયેલ ખેડૂતોને પાક વીમાની રકમ પણ મળેલ નથી. ત્યારે આ ઋતુમાં વરસાદની અછતની સ્થિતિ પ્રવર્તે છે. જો તાત્કાલિક નર્મદાની શાખા નહેરોમાં પાણી નહિ છોડવામાં આવે તો ખેડૂતોમાં હાહાકાર મચી જશે.
——————
વરસાદના અભાવે ઓછા પાણીથી થતા પાકની પેટર્ન માટે તંત્ર સજ્જ

ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીઓ સાથે ખાસ તાકિદની બેઠક યોજાઇ

ગાંધીનગર જિલ્લામાં હજુ સુધી માફકસરનો વરસાદ નહીં થવાના કારણે ચારેય તાલુકાના ખેડૂતો સાથે જિલ્લા ખેતીવાડી શાખામાં ચિંતાના વાદળો ઘેરાઇ વળ્યા છે. સારા વરસાદની અપેક્ષાએ અનેક ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હતી. પરંતુ વરસાદે હાથતાળી આપતાં હવે ખેડૂતોની હાલત કફોડી બની છે. મોંઘા ભાવનું વિયારણ અને ખાતરનો ખર્ચો માથે પડે તેવા સંજોગો ડોકાઇ રહ્યાં છે. આવા સંભવિત સંજોગોને લક્ષમાં લઇ ગાંધીનગર જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા ઓછા પાણીથી થતા પાકની પેટર્ન અપનાવવા માટે તંત્રને સજ્જ કરવામાં આવ્યુ છે. તે માટે તાકિદની બેઠક યોજવામાં આવી હતી. તેમાં ગ્રામ સેવકો અને વિસ્તરણ અધિકારીઓને પાક સંરક્ષણ સહિતના પગલા ભરવા અને તે માટે ખેડૂતોને માર્ગદર્શન આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ચાલુ વર્ષના ચોમાસા દરમિયાન ગાંધીનગર જિલ્લામાં ૩૧ ઓગસ્ટ સુધીમાં ૫૦ ટકાથી વધુ વરસાદ થવો જોઇએ. તેની સામે અત્યાર સુધીમાં માત્ર ૨૦ ટકા વરસાદ થયો છે. જો કે વાવણી કરવા માટે શરૂઆતમાં થયેલા વરસાદ બાદ હવે ધોધમાર વરસાદની ખોટ સેવાઇ રહી છે. વરસાદ ઓછો થવાના કારણે તેની સીધી અસર ખરીફ વાવેતર ઉપર વર્તાઇ છે. આ સંજોગોમાં જિલ્લાના ખેડૂતો ભારે મુંજવણ અનુભવી રહ્યાં છે. કારણ કે પોણો લાખ હેક્ટર વિસ્તાર હજુ વાવેતરથી વંચિત પડ્યો છે. કુલ વાવેતર વિસ્તાર સામે ૨ ઓગસ્ટ સુધીમાં ૭૪ હજાર હેક્ટરમાં વાવેતર થઇ શક્યુ છે.

ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના ખેડૂતો ઉપર મેઘરાજા હજુ સુધી જોઇએ તેવા મહેરબાન થયા નથી. જો કે હવે શ્રાવણ મહિનામાં મેઘરાજાની મહેરબાની થશે તેવી ખેડૂતો આશા સેવી રહ્યાં છે. હવે આ આશા પણ જો ઠગારી નિવડશે તો ખેડૂતોની હાલત અત્યંત કફોડી થશે અને તેની અસર આગામી દિવાળીના તહેવાર અને લગ્નની મૌસમ ઉપર પડશે.

ખરીફ ઋતુ નિષ્ફળ ના જાય તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.પી જાદવ દ્વારા ચારેય તાલુકાના ૮ વિસ્તરણ અધિકારી અને ૫૮ ગ્રામસેવકો સાથે આજે ખાસ તાકિદની બેઠક જિલ્લા પંચાયત ખાતે યોજવામાં આવી હતી. તેમાં ઓછા પાણીથી થતી ખેતીના પાકને અપનાવવાની પેટર્ન અપનાવવાની જાણકારી દરેક ખેડૂતો સુધી પહોંચાડવા માટે માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત અત્યાર સુધીમાં થેયલા વાવેતરમાં પાણીની ખેંચનું પ્રમાણ અને જરૂરિયાત જાણવા તેમજ પાક બચાવવા કેવા પ્રકારના પગલા ભરવા ઉપરાંત પાક બળી ગયો હોય તો તેની વિગતો એકત્ર કરી તેને બચાવી લેવાના ઉપાય ખેડૂતો માટે સૂચવ્યા હતાં.

અત્યાર સુધી કયા પાકમાં કેટલુ વાવેતર

ખરીફ ઋતુમાં અત્યાર સુધીમાં પાક મુજબ જોવા જઇએ તો કપાસ-૨૩,૯૮૪ હેક્ટર, મગફળી-૫,૩૧૯, ડાંગર-૪,૩૧૨ , બાજરી-૧,૩૯૮, તુવર-૫૪, મગ-૧,૧૬૯, અડદ-૨૮૧, તલ-૨૧૪ હેક્ટર, ગુવાર-૪,૪૨૮, શાકભાજી-૭,૦૭૪ અને ઘાસચારો- ૨૦,૮૩૫ હેક્ટરમાં વાવેતર થયુ છે.

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં નોંધાયેલો વરસાદ

શહેર અને જિલ્લામાં ૨૦ જુલાઇ પછી નોંધપાત્ર વરસાદ થયો નથી. તે પછી બે દિવસ દરમિયાન છૂટાછવાયા ઝાપટાં પડતાં એક મિ.મિ વરસાદ પણ થયો નથી. તાલુકામાં થયેલા વરસાદના ૨ ઓગસ્ટ સુધીના આ મુજબ છે. દહેગામ તાલુકામાં-૧૯૫ મિ.મિ, ગાંધીનગર-૧૬૦ મિ.મિ, કલોલ- ૧૪૨ મિ.મિ અને માણસા તાલુકામાં માત્ર ૭૯ મિ.મિ વરસાદ નોંધાયો છે.

જમીનમાં ભેજ જાળવી રાખવા આંતર ખેડનો ઉપાય

વિસ્તરણ અધિકારીઓ અને ગ્રામસેવકો દ્વારા ચારેય તાલુકાના ખેડૂત પરિવારોમાં ઓછા પાણીથી થતા પાકની વાવણી ઉપરાંત અનેક ઉપાયોનો પ્રચાર-પ્રસાર કરવા માટે જણાવાયુ છે. હવે વરસાદ ના પડે અથવા તો ઓછો પડે ત્યારે જમીનમાં ભેજ જાળવી રાખવા આંતર ખેડનો ઉપાય અજમાવવાની જાણકારી ખેડૂતોને આપવી, ભેજ સંગ્રહ કરવાના ઉપાય, દરેક ખેતરના પાકની હાલતનું રોજેરોજ રિપોટીંગ, આગામી સમયમાં વાવેતરની રણનિતી, કેનાલ મારફતે થતી ખેતીવાળા ગામનું લીસ્ટ તૈયાર કરવુ આ ઉપરાંત ખરીફ પાક બચાવવા અને વધુ ઉત્પાદન મેળવવાના ઉપાયો અને જાણકારી આપવામાં આવી હતી. જે ખેડૂતો સુધી પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
——————–
રાહતદરના યુરિયા તથા ખાતરનું રિપેકિંગ કરી ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ પકડાયું

અમદાવાદ – બરોડા નેશનલ હાઈવે નં. ૪૮ ઉપર હાઈવે રોડ ટચ આવેલી માતર તાલુકાના હાટકેશ્વરપુરા સીમમાં પરિશ્રમ ફાર્મના ગોડાઉન પર આર.આર.સેલ પોલીસે દરોડો પાડી ખેડૂતોને આપવામાં આવતા રાહતદરના ખાતરની કુલ ૨૦૪૫ થેલીઓ કિંમત રૂ. ૬,૩૬,૨૩૪નો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સંદર્ભે આર.આર.સેલ પોલીસે ખાતરનું રીપેકીંગ કરાવનાર મુખ્ય સૂત્રધારની અટકાયત કરી હતી.

અમદાવાદના એક ઈસમની અટકાયત કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી

અમદાવાદ રેન્જ વડા એ.કે.જાડેજાની સૂચના મુજબ આર.આર.સેલના એ.એસ.આઈ નરેન્દ્રસિંહ સ્ટાફ સાથે રવિવારે ખેડા જિલ્લામાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. દરમિયાન હે.કો જયદીપસિંહને બાતમી મળી હતી કે, અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે નં. ૮ પર હાટકેશ્વરપુરા ગામ (તા.માતર)ની સીમમાં હાઈવે રોડ ટચ સંજયભાઈ પટેલનું પરિશ્રમ ફાર્મ આવેલું છે. આ ફાર્મનું ગોડાઉન અમદાવાદના નરોડા ખાતે રહેતા અને મૂળ કઠવાડાના રાકેશ અશોકભાઈ જાનીએ ભાડે રાખ્યુ હતું. આ ગોડાઉનમાં તેઓ ખેડૂતોને આપવામાં આવતા રાહતદરના યુરિયા તથા પોટાશ ખાતરનું રિપેકીંગ કરી કોર્મશિયલ વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. જે સંદર્ભે આર.આર.સેલ પોલીસના જવાનોએ રવિવારે રાત્રે પરિશ્રમ ફાર્મના ગોડાઉન ઉપર દરોડો પાડ્યો હતો. પોલીસે ગોડાઉનમાં સર્ચ ઓપરેશન દરમિયાન ઈફકો, કૃભકો, આઈ.પી.એલ માર્કાની રાહતદરના ખાતરનું અન્ય ટેકનીકલ ગ્રેડ યુરિયા તથા ખોરાસન નામના માર્કાની થેલીઓમાં રિપેકીંગ થતું હોવાનું જણાઈ આવ્યુ હતું. પોલીસે ગોડાઉનમાંથી યુરિયા તથા પોટાશ ખાતરની કુલ ૨૦૪૫ થેલીઓ કિંમત રૂ. ૬,૩૬,૨૩૪નો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ બનાવ સંદર્ભે પોલીસે ખાતરનું રીપેકીંગ કરાવનાર રાકેશ જાની વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે બે ટ્રક, ખાતર તથા રીપેકિંગ મશીન સહિત rs. 26.4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

આર.આર.સેલ પોલીસને ગોડાઉનમાં સર્ચ ઓપરેશનમાં મજૂરો મારફતે યુરિયા –પોટાશ ખાતરની થેલીઓ રિપેકિંગ થતી હોઈ, યુરિયા તથા પોટાશ ખાતરની કુલ ૨૦૪૫ થેલીઓનો જથ્થો મળ્યો હતો. આ જથ્થાની કિંમત રૂ. ૬,૩૬,૨૩૪ થાય છે. થેલીઓ રિપેકિંગ કરવાનું મશીન રૂ. ૧ હજાર, બે ટ્રક કિંમત રૂ. ૨૦ લાખ તથા ૧ મોબાઈલ ફોન કિંમત રૂ. ૧૦ હજાર મળી કુલ રૂ. ૨૬,૪૭,૨૩૪.૫૦ પૈસાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મુખ્ય સૂત્રધારની પોલીસે અટકાયત કરી

પરિશ્રમ ફાર્મના ગોડાઉનમાં મજૂરો મારફતે ખાતરનું રિપેકિંગ કરાવનાર મુખ્ય સૂત્રધાર રાકેશ અશોકભાઈ જાની (રહે.વેદાંત રોહાઉસ, નરોડા, અમદાવાદ)ની ધરપકડ કરવામાં આવી હતી. રાકેશ ખેડૂતોના રાહતદરનું ખાતર ક્યાંથી લાવ્યો હતો? તથા આ ખાતરનું રીપેકીંગ કરી ક્યાં આપવાનુ હતું? તે છેલ્લા કેટલા સમયથી આ ધંધો કરતો હતો? આ ધંધામાં તેની સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે કે કેમ? તેની તપાસ અર્થે આર.આર.સેલ પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ હે.કો નરેન્દ્રસિંહ ચલાવી રહ્યા છે.