થરાદ, તા. 19 થરાદના ચાંગડા ગામે ખેડૂતના ખેતરમાંથી હવામાન વિભાગનું જિન એએનજી મળી આવતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતુ. આ અંગેની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. પોલીસને જાણ કરાતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
થરાદ તાલુકાના ચાંગડા ગામે ખેડૂતના ખેતરમાંથી હવામાન વિભાગનું જિન એએનજી મળી આવતાં લોકો આશ્ચર્ય ચકિત થયા હતા. ચાંગડા ગામના ખેડૂત મફા સોનાજી પ્રજાપતિના ખેતરમાં શનિવારના બપોરના સમયે કોઇક વસ્તુ નજરે પડતા તેઓએ સરપંચનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેઓએ આફતજનક ન હોવાનું જણાવતાં હાશકારો અનુભવ્યો હતો. આ ઘટનાના પગલે થરાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ બનાવ અંગે ગામના એક નાગરિકે જણાવ્યું હતું કે ‘વસ્તુ ખોખા જેવું ફુગ્ગા સાથે જકડાયેલું હતું અને આ વસ્તુ ભારત સરકાર દ્વારા આકાશમાં છોડવામાં આવ્યું હશે. જે ફુગ્ગો ફાટતાં નીચે પડયું હોવાનું અનુમાન છે. આ વસ્તુ મળતા આપતિજનક હોવાનું જણાતા જીવ અધ્ધર થઈ ગયા હતા.
આ અંગે હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘અમદાવાદ અને ભૂજ ખાતેથી હવામાન માપવા માટે
હાઇડ્રોજન ગેસ બલૂનમાં ભરવામાં આવે છે તેની નીચે એક ઇસ્ટ્રુમેન્ટ લગાવી હવામાં છોડવામાં આવે છે. જેના દ્વારા તાપમાન, વાતાવરણમાં ભેજનું પ્રમાણ, પવનની દિશા અને પવનની ઝડપ માપી શકાય છે. જો કે હાઇડ્રોજન ગેસ ભરેલું બલૂન ઉપર ગયા બાદ પાતળી હવાના કારણે ફૂટી જાય છે અને આ ઇન્સ્ટ્રુમેન્ટ નીચે પડે છે.’