રાજ્યમાં અપૂરતાં વરસાદને લઈને જગતનાં તાતનાં માથે મોટી ઘાત બેઠેલી છે. અને તેનાં કારણે તેમનાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. તો કેટલાંક ઠેકાણે પાક નિષ્ફળ થવાની શરૂઆત પણ થઈ છે. ત્યારે દેવું કરીને સારો પાક મળે એવી આશા સાથે વાવણી કરે છે પરંતુ વરસાદ અને પાણીની અછતનાં કારણે પાક નિષ્ફળ જાય છે તેનાં કારણે દેવાનાં ડૂંગર તળે દબાયેલો ખેડૂત આત્મહત્યા કરવા પ્રેરાય છે.
ઓછા વરસાદને લઈ જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. વરસાદ ન થતાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના આરે છે. તો ક્યાંક પાક સૂકાઈ જતાં ખેડૂતો નિરાશ થયા છે. એક તરફ મોંઘા ખાતર અને બિયારણ તો બીજી તરફ મોંઘા થતાં ઈંધણને લઈ ખેતી પણ મોંઘી બની છે. અને તેમાં પણ જો કુદરત રૂઠે તો ખેડૂતો નિરાધાર થઈ જતો હોય છે. આ વર્ષે પણ વરસાદનાં અભાવે ખેડૂતે વાવેતર કરેલ પાક નિષ્ફળ જઈ રહ્યો છે. જેમાં બોટાદ જિલ્લાનાં ગુંદાળા ગામે વરસાદનાં અભાવે પાંચ વીઘા જમીનમાં પાક નિષ્ફળ જતાં કાળુભાઇ રતનભાઈ નામક ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક જોવા મળી રહ્યો છે. તો ધરતીપુત્રોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાં સમય પહેલાં અમરેલીનાં એક યુવાન ખેડૂતે પાક નિષ્ફળ જવાની ભીતિએ આત્મહત્યા કરી હતી અને હજુ આ મામલે કોઈ નિવેડો આવ્યો નથી ત્યારે વધુ એક ખેડૂતે આત્મહત્યા કરતાં રાજ્ય સરકાર સામે અનેક સવાલો ઊભાં થયાં છે.
એક બાજુ ખેડૂતોનાં દેવાંમાફી માટે પાટીદાર યુવાન નેતા અને PAASનાં કન્વીનર હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ જેવાં શસ્ત્રો ઉઠાવી રહ્યાં છે તો બીજી બાજુ રાજ્ય સરકાર માત્ર સૂફિયાણી વાતો કરીને ખેડૂતોને હૈયાધારણા સિવાય કશું આપતી નથી ત્યારે ખેડૂતોની સ્થિતિ જાયે તો જાયે કહાં જેવી થઈ છે. ખેડૂતોની આ મુશ્કેલીનો ફાયદો પોતાનો રાજકીય લાભ ખાંટવા માટે જે તે રાજકીય પક્ષો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યાં છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે ખેડૂતોને પડી રહેલી સમસ્યાને દૂર કરવાં રાજ્ય સરકાર કેમ કોઈ પગલાં નથી ઉઠાવતી.
ગુજરાતી
English



