ગઢડાના ગોડાઉનમાં આગ લાગતાં લાખોની કિંમતનો કપાસ બળીને ખાખ

રાજ્યનો ખેડૂત છેલ્લાં કેટલાંક સમયથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. એક બાજુ અપૂરતાં વરસાદનાં કારણે તે દેવાનાં ડૂંગરતળે દબાઈ રહ્યો છે તો બીજી બાજુ પોતાની ઉપજ જે ગોડાઉનમાં રાખી હોય છે તેમાં અચાનક આગ લાગતાં જગતનો તાત વધુને વધુ મશ્કેલીમાં મૂકાઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડા શહેરના બોટાદ રોડ પર આવેલ બીડમાં કપાસનાં ગોડાઉનમાં લાગેલી ભીષણ આગના કારણે  કપાસ બળીને ખાખ થાઈ જવા પામ્યો હતો. ગઢડાના બે અને બોટાદનું એક ફાઇર ઘટના સ્થળે આવીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. તો આ આગ બાબતે જાણ થતાં જ પોલીસ તેમજ મામલતદારની ટીમ દોડી આવી હતી. કોઈ કારણોસર અચાનક આગ લાગતા ધૂમડાના ગોટે ગોટા નીકળતા  દોડધામ મચી ગઈ હતી. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે, કપાસ બળી જતા લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ સેવાઈ રહ્યો છે.
આ ગોડાઉનમાં જે ખેડૂતોનાં કપાસનો પાક રાખવામાં આવ્યો હતો તેઓએ આરોપ મૂક્યો હતો કે ગોડાઉન માલિકે ગોડાઉનમાં કુદરતી આપત્તિમાં રાખેલી ચીજવસ્તુઓ બચાવવા કોઈ તકેદારીનાં પગલાં ન લીધાં હોવાનાં કારણે કપાસનો પાક બળીને ખાખ થઈ ગયો છે. તેઓએ રાજ્ય સરકાર સમક્ષ માગણી કરી હતી કે, આ આગનાં કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે તેમને તેમનાં પાક વીમાની રકમ સત્વરે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાનાં આદેશ કરવામાં આવે. જો આ માંગણી નહિ સ્વીકારાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોનાં ઊભાં મોલને છેલ્લાં કેટલાંક સમયથી કોઈકને કોઈક કારણસર થઈ રહેલાં નુકસાન સામે ખેડૂતોને પાકવીમાની રકમ આપવાનો નિર્ણય કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હોવા છતાં પણ વીમા કંપનીઓની આડોડાઈને કારણે આ પાકવીમાની રકમ ખેડૂતોને સત્વરે ચૂકવવામાં જે આંખ આડા કાન થઈ રહ્યાં છે તેને જોતાં રાજ્યનાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ થોડાં સમય પૂર્વે જેતપુરની એક બેન્કમાં હલ્લાં બોલ કરીને ખેડૂતોને પાકવીમાની રકમ તાકીદે ચૂકવવા જણાવ્યું હતું અને જ્યાં સુધી આ રકમની ચૂકવણી નહિ થાય ત્યાં સુધી બેન્કની કામગીરી નહિ કરવા દેવામાં આવે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. તો કોંગ્રેસનાં ધારાસભ્ય હર્ષદ રિબડિયાંએ દસ દિવસ પહેલાં વડાલ ગામની બેન્કમાં ખેડૂતોની આગેવાની કરીને પાક વીમાની રકમ ચૂકવવા માટે હલ્લાંબોલ કર્યું હતું.
હવે જોવું એ રહ્યું કે, જગતનાં તાતને પડી રહેલી મુશ્કેલીઓનો અંત લાવવા રાજ્ય સરકાર દ્વારા કેવાં પગલાં ભરવામાં આવે છે.