ગરીબોનાં સોના તરીકે જે રોકાણકારે ચાંદી પકડી રાખી તેઓ માલદાર બની ગયા

સોનું અને ખાસ કરીને ચાંદી હવે મની મેનેજરો માટે આકર્ષક અસ્કયામત બની ગઈ છે. લાંબા સમય પછી ચાંદી મંદીના પીંજરામાંથી બહાર આવીને સોનાને ઝાંખું પાડવાના પ્રયાસમાં લાગી ગઈ છે. જે ટ્રેડરો સોનાને પકડવાનું ચુકી ગયા છે, તેઓ હવે ચાંદીને વેલ્યુ બાઈંગ પ્લે સમજીને લેવા દોડ્યા છે. ભાવને હજુ વધુ ઉંચે જવાની જગ્યા છે. ગરીબોના સોના તરીકે જે રોકાકારોએ ચાંદી પકડી રાખી હતી, તેઓ હવે એકએક માલદાર બની ગયા છે. ચાંદીના ભાવ ૧૪.૦૭ પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)ની મે ૨૦૧૯ની લોથી ૩૦ ટકા અને આ મહીને ૧૩ ટકા વધીને ગુરુવારે ૧૮.૬૦ ડોલર, ફેબ્રુઆરી ૨૦૧૭ પછીની ઉંચાઈએ પહોચ્યા હતા. વિદેશના હકારાત્મક સમાચાર પર સવારી કરીને ભારતમાં ચાંદી કિલો દીઠ રૂ. ૪૮,૮૫૦ની ઉંચાઈએ પહોચી હતી. હવે એનાલિસ્ટો ચાંદીનું નેક્સ્ટ લેવલ ૨૦ ડોલર જોવા લાગ્યા છે.

જાગતિક અર્થતંત્રોની નબળાઈએ રોકાણકારોને સેફ હેવન રોકાણમાં સરણ લેવાની ફરજ પાડી છે. આથી ચાંદીની સહોદર ધાતુ સોનું પણ ૧૫૬૫ ડોલરની જુલાઈ ૨૦૧૩ પછીની નવી ઉંચાઈએ પહોચ્યું છે. જોખમી બનેલો વૈશ્વિક વેપાર, આયાત જકાત વૃદ્ધિ યુદ્ધ અને ફુગાવાએ સફેદ અને પીળી ધાતુનાં તેજીવાળાને નવા હથિયાર પુરા પાડ્યા છે. અલબત્ત, જાગતિક મંદીની ચિંતાઓએ, કુલ માંગમાં ૫૦ ટકા હિસ્સો ધારાવી ઔદ્યોગિક ધાતુ ચાંદી પર અત્યાર સુધી દબાણ બનાવી રાખ્યું હતું. એમકેએસ (સ્વીઝરલેન્ડ)નાં ટ્રેડીંગ હેડ અફ્સીન નબવી કહે છે કે કેટલાક ટ્રેડરો અને રોકાણકારોએ મંદીનો ખેલ પાડ્યા પછી વેચાણ કાપ્યા ન હતા તેઓ હવે ઊંઘતા ઝડપાયા છે, ત્યારે રોકાણકારોએ તેમની સટ્ટાકીય તેજીની પોઝીશન પકડી રાખવી જોઈએ.

તેઓ કહે છે કે બજારમાં આવેલા સટ્ટાકીય મોમેન્ટમમાં ભાવ ૧૯ ડોલર પાર કરી જશે. સોનાના ભાવ વધુ ઉંચે જવાની સંભાવનાઓ જોતા ચાંદી ૨૦ ડોલર વટાવી જવાની શક્યતા પણ તેઓ જોઈ રહ્યા છે. યુરોપીયન સોવરીન બોન્ડ ડેટની ગંભીર કટોકટી અને સોનાની તેજીના ઘોડાપુર અત્યારે તો જળવાઈ રહેવાની શક્યતા ધરાવે છે. આખા વિશ્વની કરન્સી બજારની અચોક્કસતા પણ સોનાને ઉંચે લઈ જવા માટે મજબુત ટેકો આપી રહ્યા છે. આ બધા વચ્ચે ચાંદીને વધવા માટે પુરતી જગ્યા છે, જો એપ્રિલ ૨૦૧૧મા ચાંદીના ઓલ ટાઈમ હાઈ ભાવ ૪૮.૫૬ ડોલરની સરખામણી કરીને જોઈએ તો હાલના ભાવ ખુબ નીચા છે.

સ્વીસ ઇન્વેસ્ટમેન્ટ બેંક યુબીએસ વારંવાર કહે છે કે સોનાના ભાવ જેમજેમ વધી રહ્યા છે, તેમતેમ ટ્રેડરો સસ્તી ચાંદીમાં વધુને વધુ મૂડી ઠાલવી રહ્યા છે. સોનાની તુલનાએ ચાંદીમાં ભાવ વધવાનું ખુબ ધીમું હતું. પણ હવે સ્થિતિ બદલાઈ છે, રોકાણકારોને સોના કરતા ચાંદી વધુ આકર્ષક લાગી રહી છે. અલબત્ત, યુબીએસ ઉમેરે છે કે ચાંદી ૧૮ ડોલરની ઉંચાઈએ ઝડપથી પહોચી ગઈ હોવાથી, કદાચ ટૂંકાગાળામાં વધુ વેગથી ઉપર જવા માટે પોરો ખાય તેવું જોખમ પણ નકારી ન શકાય. આ મહિનાના આરંભમાં ચીને તેની કરન્સી યુઆનને અમેરિકન ડોલર સામે વધુ પડતી નબળી પડવા દીધી છે, ત્યારે કરન્સી બજારમાં વધુને વધુ સેન્ટ્રલ બેંકો દ્વારા ચીન જેવી મધ્યસ્થી કરવાના સંજોગો પણ વધી ગયા છે. આ ઘટના પણ સોના ચાંદીના ભાવને ઉંચે જવાનો માર્ગ મોકળો કરી દેશે.

૨૯ ઓગસ્ટે ગોલ્ડ:સિલ્વર રેશિયો ૧:૮૪ હતો, આનો અર્થ એ થાય કે ૧ ઔંસ સોનાના ભાવથી ૮૪ ઔંસ ચાંદી ખરીદી શક્યા. આટલો ઉંચો રેશિયો એવું સૂચવે છે કે ચાંદીની તેજી કદાચ સોનાની તેજીને ટૂંકાગાળા માટે બ્રેક મારી શકે છે. ટેકનીકલ વ્યૂહ પોઈન્ટથી જોઈએ તો તેજીવાળાએ ૨૦૧૬ના ભાવથી ૫૦ ટકા ફીબોનાસી લેવલ ૧૭.૫૦ ડોલરનો બેઝ વટાવી દીધો છે. ટૂંકાગાળાનો ૧૭.૭૦ ડોલરનો પાવરફુલ રેસીસટન્સ વટાવીને તેજીવાળા હવે ૧૮ ડોલરના ભાવને પકડી રાખવાનો પ્રયાસ કરશે. તેજીવાળાઓ ૩૮.૨ ટકાનો ૧૮.૩૫ ડોલરના ભાવ સાથે ૧૨૭.૨૦ ટકાનો ફીબોનાસી એક્સ્ટેન્શન લેવલ ૧૯.૬૦ ડોલરને તેઓ લક્ષ્યાંક બનાવશે.