દેશની જનતાની માનસિકતા સામે ગાંધીજીએ ગાંધી આશ્રમને પણ સંરક્ષણ પુરું પાડવું પડ્યું હતું. ગાંધીજીએ પોતે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પણ સાબરમતી આશ્રમની આસપાસ ચોરોનો ઉપદ્રવ હતો અને આશ્રમ વાસીઓને આ ચોર દિવસે પણ લૂંટી લેતાં હતા. તે માટે ઠાકોર અને છારા ગેંગ તે સમયે પણ સક્રિય હતી. આ ચોર ટોળકીઓથી બચવા માટે ગાંધીજીએ આશ્રમવાસીઓનો ચોકી પહેરો બેસાડવો પડ્યો હતો.
ચોરો પાછળ બધા પડ્યા અને ચોર ભાગ્યા
આશ્રમમાં એક તિજોરી રાખવામાં આવતી હતી. આશ્રમની પાસે ચોરો આવતાં હતા. ચોરચોર એવી બૂમ પડી તો વિદ્યાર્થીઓ ચોરની પાછળ રાતના દોડ્યા હતા. ચોર ભાગી ગયા. આમ આશ્રમમાં ચોરોનો ઉપદ્રવ શરૂ થયો હતો. 108 ઓરડા સાથે સોમનાથ છાત્રાલય બનાવવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓની ભરતી કરવામા આવી હતી. બધા વિદ્યાર્થી સમાઈ શકે તેવી કોઈ શાળા જ બની ન હતી. નવા શિક્ષક નિવાસની ઉત્તરે તથા ઈમામસાબેહના બંગલાની પશ્ચિમે પર્ણકુટિ શાળાની રચના થઈ હતી. મોટા ચાર ઝૂંપડાં અને મધ્યમાં તેવું જ એક ઝૂંપડું એમ પાંચ પર્ણકુટિ શાળા ઊભી થઈ હતી. તેની દીવાલો વાંસની સાદડીની બનાવેલી અને ચારેક ફીટ ઊંચી હતી. છાપરામાં વાંસની વળીઓ હતી. ભોંયતળીએ સાબરમતીની રેતીનો થર હતો. તેના પર વિદ્યાર્થીઓ બેસતાં હતા.
ચોર ચંદ્રભાડાની ગાઢ ઝાડીઓમાં ભાગ્યા
આશ્રમની બહેનો સફેદ વસ્ત્રો પહેરતાં હતા તે રીતે શિક્ષીકાઓ પણ સફેદ સાડી પહેરતાં હતા. તેઓ બધા ચોર આવતાં બહાર આવ્યા હતા. ફોનસ લઈને દોડી ગયા હતા. શાળાના ડેલાની તથા દૂધેશ્વર મહાદેવની વચ્ચે નદી તથા સડક વચ્ચે, બાવળની ઘટાટોપ ઝાડી હતી. આવી જ ઝાડી ચંદ્રભાગા નદી અને સાબરમતીના સંગમ સ્થળ પર હતી. ચોરો આ છાત્રાલયની સામેની ઝાડીમાં ભરાયા હતા. અંધારી રાતે તેઓ આ ઝાડીમાં ગયા હતા.
કાકાસાહેબના ઘરમાં ચોરો ત્રાટક્યા
બીજા એક બાનાવનું વર્ણન કરતાં આશ્રમના વિદ્યાર્થી તનસુખ ભટ્ટ લખે છે કે, બીજી એક પુનમની રાતે કાકાસાહેબના રસોડાની બારીના ચોકઠા નીચેની બે પાંચ ઈંટો ગિરમિટથી કાઢી ચોરોએ બાંકોરું પાડ્યું હતું. આશ્રમનો વિસ્તાર અડધા ગામડા જેટલો હતો. કાકાસાહેબ મોટા સાહેબ હતાં તેથી ચોરોએ એવું માની લીધું હશે તે તેમનો પગાર પણ મોટો હશે. તેથી તેઓએ કાકાસાહેબનું ઘર ચોરી કરવા માટે પસંદ કર્યું હતું. તનસુખ ભટ્ટને ઠાકોર જેવી લાગતી વ્યક્તિએ રોડ પર પસાર થતી વખતે પુછેલું કે આ માકાનો કોના છે. ત્યારે તેમણે કહ્યું હતું કે, માસ્તરના અને મોટા માસ્તરના. તેઓ જ્યાં રહેતાં હતા ત્યાં પણ રાતના સમયે અજાણ્યા લોકો આવતાં ત્યારે તેઓ ફાનસ લઈને બહાર નિકળતાં હતા.
કાતર નામના હથિયારનો હ્રદયકુંજ પર ઉપયોગ
ચોરો કાતર નામનું અર્ધગોળ અસ્ત્ર રાખતાં હતા. જે હવામાં છોડે ત્યારે તે બુમરેંગ થતું હતું. હવામાં તેને ફંગોળવામાં આવે ત્યારે ગોળ ગોળ ફરતું જાય અને જેના પર છોડવામાં આવ્યું હોય તેને વાગે. જો ન વાગે તો તે છોડનાર પાસે પરત આવતું આ અદભુત હથિયાર હતું. એક વખત ચોરોએ અહીં હ્રદય કૂંજ ઉપર કાતર ફેંકી હતી. જે રસોડાના તપેલામાં વાગેલું અને તપેલું તૂટી ગયું હતું.
ચોરને પુરી રાખવો તે ગુનો છે – ગાંધીજી
ગાંધીજી યરોડા જેલમાં હતા ત્યારે ઈ.સ. 1922થી 1924 વચ્ચે કોઈ ખાદી વિદ્યાલયનો વિદ્યાર્થી રસોડાનું પાછલું બારણું બંધ કરવાનું ભૂલી ગયો હતો ત્યારે ચોરો તે રાતે આવ્યા હતા અને રસોડાના તપેલા, થાળ વગેરે તેઓ ઉપાડી ગયા હતા. 1929માં પણ એક વખત આવું બન્યું હતું. ખેતી કામના ઉપરી ભૂવરજીભાઈએ એક રાતે ચોર પકડ્યો હતો. તેણે ચોરને ખોખરો કર્યો હતો. શાયાળો હતો અને પછી તેને સાબરમતીના જળમાં ડૂબડી મરાવી હતી. પછી તેને ગૌળાશાની એક ઓરડીમાં પૂરી દેવાયો હતો. પછી છોડી મૂકવામાં આવ્યો હતો. ગાંધીજી એરવડા જેલમાંથી છૂટીને પરત ફર્યા ત્યારે તેમણે આ પ્રસંગની જાણ થઈ હતી અને ગંભીરતાથી કહ્યું હતું કે, એમ કોઈ માણસને પૂરી રાખવાનો આપણને હક નથી. એ કાર્ય ફોજદારી ગુનો બને છે.
ચોરો માટે ચોકી પહેરો ગોઠવાયો
ચોરાના કાયમી ત્રાસને લીધે ગાંધીજીએ સૂચના આપી હતી કે, આશ્રમની ચોકી આશ્રમવાસીઓ જ કરે. શિક્ષકો, મોટેરાંઓ, સ્ત્રીઓ, બાળકોને બાદ કરતાં પાણ શાળાના તથા ખાદી વિદ્યાલયના વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા થઈ રહી હતી. રાતે દસથી એક અને એકથી ચાર એમ ચોકીના બે વારા ગોઠવાયા હતા. દરેક વારામાં ચાર જણ રાખવામાં આવતાં હતા. શાળાના વિદ્યાર્થીઓએ ટુકડીઓ નાવી હતી. દરેકનો વારો અઢવાડિયએ એકવાર આવતો હતો. ચોકી કરનારાઓને અજગર પણ મળી આવતાં હતા.
ભૌગોલિક રચના પણ ચોરોને અનુકુળ હતી
હ્રદયકુંજ અને મગનનિવાસ વચ્ચેની જગ્યામાં ખેતર હતું ત્યારે ધોવાણ થઈને નાનું નાળું બનેલું હતું. પહેલાં તો તેના ઉપર લાકડું ગોઠવીને હ્રદયકુંજ અને મગન નિવાસ વચ્ચે અવરજવર થતી હતી. પછી પાકી દિવાલ બનાવી હતી. પ્રાર્થના ભૂમિ પાસે ત્યાં અજગર પડેલો હતો.
તે વખતે પૂર્વમાં સાબરમતી નદી, પશ્ચિમમાં રસોડાની પાછળ થઈને ચંદ્રભાગાને મળતું વાંધું – વોંકળો, ઉત્તરે ઈમામ મંજિલ અને ગૌશાળા તથા દક્ષિણે શાળાનો ડેલો અને છાત્રાલય નંદિની, મીરાકુટીર, હ્રદયકુંજ, મગનનિવાસ, ગૌશાળા મળીને આટલા મકાનો નદી કિનારે હતા. પાછળથી નારણદાસ ગાંધી માટે ઈમામમંઝિલ આગળ નિવાસો ચણાયા હતા. શાળાના ડેલાની ઉત્તરે નાનકડો પણ સુંદર બદગીચો હતો. હ્રદયકુંજથી સડક વચ્ચે ખેતર હતું. મગનનિવાસની તથા ગૌશાળાની પશ્ચિમે કપાસનાં, મૂળાનાં, ટામેટાના ખેતરો હતા. એક વખત ઈમામમંઝિલ અને સડકવાળા શિક્ષકનિવાસ વચ્ચે પપૈયાની વાડી હતી. પપૈયાના વેપારીઓ પપૈયાની ખરીદી માટે પૂછપરછ કરવા માટે આવ્યા હતા. ઈમામમંઝિલની પશ્ચિમે શાળાની પાંચ પર્ણકુટિઓ અને ખેતરો હતાં. આ ખેતરમાં એકવાગ ગાયો ચરતી હતી. આસપાસ સસલા હતા. નદીમાં ચાતર પછી પણ આવતાં હતા. આશ્રમને રાતના રખોપું કરવામાં પ્રદક્ષિણા કરતાં પોણો કલાક થતો હતો. ત્રણ કલાકમાં ત્રણ પ્રદક્ષિણાં પૂરી કરતાં એટલે ચોકીપહેરો પૂરો થતો હતો. ચોર આસપાસના ગામના ઠાકર હતા. ચોકી શરૂ થઈ એટલે ચોરો આવતાં બંધ થયા હતા. ઠાકર ચોરો આવતાં બંધ થયા પછી છારાનો ઉપદ્રવ શરૂ થયો હતો.
છારાઓ લૂંટી લેતાં હતા
તનસુખ ભટ્ટ લખે છે કે, છારાઓ મૂળ તો મારવાડની —- જેવી અર્ધ વનવાસી જાતિ હતી. 100 કે 200 માણસોની તેમની એક ટોળકીએ મારવાડથી આવીને સાબરમતીને પશ્ચિમ કિનારે એલિસબ્રિજની બન્ને બાજુ પડાવ નાંખ્યો હતો. તે વખતે આજનો સન્યાસ આશ્રમ ત્યારે ન હતો. તેમના ઘર એટલે કે રાવટીની ઢબે બે સાદડીઓ નાખીને ઊભી કરેલી ઝૂંપડીઓ. સાદડી ન હોય તો ખાટલો ત્રાસો રાખીને તેની ઉપર ગોદડું નાખીને પણ છાંયો કર્યો એટલે તેમનું મકાન બની ગયું સામજો. છારાઓ દિવસે મજૂરી અને રાતના ચોરી કરતાં હતાં. મિલો કે કારખાનામાં તેમને કોઈ કામે રાખતાં ન હતી. તેમને એલિકબ્રિજથી ખસેડીને ગાંધી આશ્રમની પાસે વાડજ અને આશ્રમ વચ્ચે અંગ્રેજ સરકારે વસાવ્યા હતા. અંગ્રેજોએ ગાંધીજીને આ રીતે પડકાર ફેંક્યો હતો.
અંગ્રેજોની ચાલ
અંગ્રેજોની આ વ્યૂહરચના કામ કરવા લાગી હતી. આશ્રમથી ખરીદી કરવા માટે અમદાવાદ શહેરમાં આવવું પડતું હતું. આશ્રમ વાસીઓને દિવસે પણ આંતરીને છારાઓ લૂંટી લેતાં હતા. તનસુખ ફટ્ટને પોતાને પણ 1927માં આવો અનુભવ થયો હતો. ઈ.સ.1937માં પ્રાંતિક સ્વરાજ મળ્યું તે પછી આ છારાઓને પ્રજાકીય સરકારે દૂર છારા છાવણી – છારા સેઠલમેન્ટમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમણે દારુ ગાળવાનો ધંધો ધમધોકાર શરૂ કરી દીધો હતો. તનસુખ ભટ્ટની વાત ઘણી ચોંકાવી દે તેવી છે. તે સમયે અમદાવાદ આસપાસ કેવો સમાજ હતો તેનો પણ તેમાંથી ખ્યાલ આવે છે.
ચોરી વિષે મહાત્માએ શું કબૂલ કર્યું હતું
ગાંધીજીએ ચોરી અંગે પોતાની આત્મકથામાં લખ્યું છે તે અહીં અક્ષરશઃ આપવામાં આવ્યું છે.
વળી હું બહુ બીકણ હતો. ચોરના, ભૂતના, સર્પાદિના ભયોથી ઘેરાયેલો રહેતો. આ ભય મને પીડતા પણ ખૂબ. રાતના એકલા ક્યાંયે જવાની હિંમત ન મળે. અંધારામાં તો ક્યાંયે ન જાઉં. દીવા વિના સૂવું લગભગ અશક્ય. રખે અહીંથી ભૂત આવે, ત્યારે ચોર, ત્રીજી જગ્યાએથી સર્પ! એટલે દીવો તો જોઈએ જ. પાસે સૂતેલી અને હવે કાંઈક જુવાનીમાં આવેલી સ્ત્રીની પાસે પણ આ મારી બીકની વાત હું કેમ કરી શકું? મારા કરતાં તે વધારે હિંમતવાન હતી એટલું હું સમજી ગયો હતો, અને શરમાતો હતો. તેણે સર્પાદિનો ભય તો કદી જાણ્યો જ નહોતો. અંધારામાં એકલી ચાલી જાય. આ મારી નબળાઈઓની પેલા મિત્રને ખબર હતી. તે તો જીવતા સર્પોને પણ હાથે પકડે એમ મને કહે. ચોરથી ન જ ડરે. ભૂતને તો માને જ નહીં. આ બધું માંસાહારને પ્રતાપે છે એમ તેણે મને ઠસાવ્યું.
મને ચોરી કરતાં ન આવડ્યું
હાઈસ્કૂલના પહેલા જ વર્ષનો, પરીક્ષા વખતનો એક બનાવ નોંધવા યોગ્ય છે. કેળવણીખાતાના ઇન્સ્પેક્ટર જાઇલ્સ નિશાળ તપાસવા આવ્યા હતા. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ શબ્દ લખાવ્યા. તેમાં એક શબ્દ ‘કેટલ’ (Kettle) હતો. તેની જોડણી મેં ખોટી લખી. માસ્તરે મને પોતાના બૂટની અણી મારી ચેતવ્યો. પણ હું શાનો ચેતું? મને એમ ભાસી ન શક્યું કે માસ્તર મને સામેના છોકરાની પાટીમાં જોઈ લઈ જોડણી સુધારવાનું કહે. માસ્તર તો અમે એકબીજામાંથી ચોરી ન કરીએ એ જોતા હતા એવું મેં માનેલું. બધા છોકરાના પાંચે શબ્દ ખરા પડ્યા ને એકલો હું ઠોઠ ઠર્યો! મારી ‘મૂર્ખાઈ’ મને માસ્તરે પાછળથી સમજાવી; પણ મારા મન ઉપર તે સમજૂતીની કશી અસર ન થઈ. મને બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં કદી ન આવડયું.
બીડીના ઠુંઠા ચોર્યા હતા
બીડીઓનાં ઠૂંઠાં ચોરવાં ને તેને અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તને હું વધારે ગંભીર ગણું છું. બીડીનો દોષ થયો ત્યારે ઉંમર બારતેર વર્ષની હશે; કદાચ તેથીયે ઓછી. બીજી ચોરી વેળાએ ઉંમર પંદર વર્ષની હશે. આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાની હતી. તેમણે નાનું સરખું એટલે પચીસેક રૂપિયાનું કરજ કર્યું હતું. એ કેમ પતાવવું એનો અમે બન્ને ભાઈ વિચાર કરતા હતા. મારાભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું. તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું.
અસીલ જેલમાંથી કેમ બચ્યો?
પારસી રુસ્તમજીના નામથી તો આ પ્રકરણો વાંચનાર સારી પેઠે વાકેફ છે. પારસી રુસ્તમજી એકીવખતે અસીલ અને જાહેર કામમાં સાથી બન્યા; અથવા તેમને વિશે તો એમ પણ કહેવાય કે તે પ્રથમ સાથી બન્યા ને પછી અસીલ. તેમનો વિશ્વાસ મેં એટલે લગી સંપાદન કર્યો હતો કે તેમના ખાનગી ઘરવ્યવહારમાં પણ તે મારી સલાહ માગતા ને તેને અનુસરતા. તેમને દરદ થાય તોપણ તેમાં મારી સલાહની જરૂર જણાતી, ને અમારી રહેણી વચ્ચે ઘણો તફાવત હોવા છતાં તે મારા ઉપચારોનો અમલ પોતાને વિશે કરતા.
આ સાથી ઉપર એક વેળા મોટી આપત્તિ આવી પડી. જોકે પોતાના વેપારની પણ ઘણી વાતો કરતા છતાં એક વાત તો તેમણે મારાથી છુપાવી હતી. પારસી રુસ્તમજી દાણચોરી કરતા. મુંબઈ-કલકત્તાથી માલ મગાવતા તેને અંગે આ ચોરી થતી. બધા અમલદારોની સાથે તેમને સારો બનાવ હતો, તેથી કોઈ તેમની ઉપર શંકા ન જ લાવે. જે ભરતિયાં તે રજૂ કરે તેની ઉપર દાણની ગણતરી થાય. એવાયે અમલદારો હશે કે જેઓ તેમની ચોરી પ્રત્યે આંખમીંચામણી પણ કરતા હોય.
પણ અખાની વાણી તે કંઈ ખોટી પડે? –
‘કાચો પારો ખાવો અન્ન, તેવું છે ચોરીનું ધન.’
પારસી રુસ્તમજીની ચોરી પકડાઈ. મારી પાસે દોડી આવ્યા. આંખમાંથી આંસુ ઝરે છે, ને પારસી બોલે છેઃ ‘ભાઈ, મેં તમને છેતર્યા છે. મારું પાપ આજે ઉઘાડું પડયું છે. મેં દાણની ચોરી કરી છે. હવે મારે નસીબે તો જેલ જ હોય. અને હું તો પાયમાલ થવાનો. આ આફતમાંથી તો તમે જ મને બચાવી શકો. મેં તમારાથી કંઈ છુપાવ્યું જ નથી. પણ વેપારની ચોરીમાં તમને શું કહેવું હોય, એમ સમજી મેં આ ચોરી છુપાવી. હવે પસ્તાઉં છું.’
મેં ધીરજ આપી ને કહ્યું: ‘મારી રીત તો તમે જાણો છો. છોડાવવું ન છોડાવવું તો ખુદાને હાથ છે. ગુનો કબૂલ કરીને છોડાવાય તો જ હું તો છોડાવી શકું.’
આ ભલા પારસીનું મોં પડયું.
‘પણ મેં તમારી પાસે કબૂલ કર્યું એટલું બસ નહીં?’ રુસ્તમજી શેઠ બોલ્યા.
‘તમે ગુનો તો સરકારનો કર્યો, ને મારી પાસે કબૂલો તેમાં શું વળે?’ મેં હળવે જવાબ વાળ્યો.
‘મારે છેવટે કરવું તો છે તમે કહો તે જ, પણ મારા જૂના વકીલ છે તેમની સલાહ તો લેશો ના? એ મારા મિત્ર પણ છે,’ પારસી રુસ્તમજીએ કહ્યું.
તપાસ કરતાં જોયું કે ચોરી લાંબી મુદત ચાલી હતી. પકડાયેલી ચોરી તો થોડી જ હતી. જૂના વકીલની પાસે અમે ગયા. તેમણે કેસ તપાસ્યો. ‘આ કેસ જૂરી પાસે જવાનો. અહીંના જૂરર હિંદીને શાના છોડે? પણ હું આશા તો નહીં જ છોડું,’ વકીલ બોલ્યા.
આ વકીલની સાથે મને ગાઢ પરિચય નહોતો. પારસી રુસ્તમજીએ જ જવાબ આપ્યોઃ ‘તમારો આભાર માનું છું. પણ આ કેસમાં મિ. ગાંધીની સલાહ પ્રમાણે ચાલવું છે. તે મને વધારે ઓળખે. તમે એમને સલાહ આપવી ઘટે તે આપતા રહેજો.’
આમ ભીનું સંકેલી અમે રુસ્તમજી શેઠની દુકાને ગયા.
મેં સમજાવ્યું: ‘આ કેસ કોર્ટમાં જવાને લાયક નથી માનતો. કેસ કરવો ન કરવો દાણી અમલદારના હાથમાં છે. તેને પણ સરકારના મુખ્ય વકીલની સલાહ પ્રમાણે ચાલવું પડશે. હું બન્નેને મળવા તૈયાર છું. પણ મારે તો તેઓ નથી જાણતા એ ચોરીની પણ કબૂલાત આપવી પડશે. તેઓ ઠરાવે તે દંડ આપવાનું હું કબૂલ કરવા ધારું છું. ઘણે ભાગે તો તેઓ માનશે. પણ કદાચ ન માને તો જેલને સારુ તૈયાર રહેવું જોઈશે. મારો તો અભિપ્રાય છે કે લજ્જા જેલ જવામાં નથી પણ ચોરી કરવામાં છે. લજ્જાનું કામ તો થઈ ચૂક્યું. જેલ જવું પડે તો તે પ્રાયશ્ચિત્ત સમજજો. ખરું પ્રાયશ્ચિત્ત તો હવે પછી દાણચોરી ન કરવાની પ્રતિજ્ઞામાં છે.’
કાયદો હો કે ન હો, પણ સારા ગણાતા માણસ એકાએક ચોરી નહીં કરે; ગાંધીજીનું આ વાક્ય ચારેબાજુ ગુંજી રહ્યું છે. જે સારા માણસોને પ્રેરણાં આપી રહ્યું છે.