આશ્રમની ચોરી અને ભ્રષ્ટાચાર અંગે તપાસ પંચ નિયુક્ત કરાયું તે પહેલાં શું ઘાટ ઘડાયો હતો અને શા માટે તપાસ પંચની જાહેરાત કરાઈ હતી તેની વિગતો જાણવા જેવી છે. ગૌશાળાના પૂર્વ અધ્યક્ષ સોમાભાઈ પટેલના જાહેર આરોપો બાદ તપાસ પંચ નિયુક્ત કરાયું હતું.
ગાંધીજીએ પણ ચોરી કરી હતી. તેઓ શું માનતાં હતા તે પણ સમજવા જેવું છે. ગાંધીજીએ 1926માં તેમની આત્મકથામાં ચોરી કબૂલ કરી હતી. પણ સાબરમતી ગૌશાળા આશ્રમના ટ્રસ્ટીઓ ચોરી કે ભ્રષ્ટાચાર થયો હોવાનું કબુલવા કે તપાસ પંચ નિયુક્ત કરવા તૈયાર ન હતા. ગાંધીજીએ તેમની આત્મકથામાં બચપણ અંગે કથન કર્યું છે કે, “માંસાહારના કાળમાં તેમ જ તે પહેલાંના કાળનાં કેટલાંક દૂષણોનું વર્ણન હજુ કરવું રહે છે. તે વિવાહ પૂર્વનાં કે તે પછી તુરતના સમયનાં છે. મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે. બીડી પીવામાં કંઈ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા એવું તો અમ બેમાંથી એકેને નહોતું લાગ્યું, પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગેલું. મારા કાકાને બીડી પીવાની ટેવ હતી, ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઇચ્છા થઈ. પૈસા તો ગાંઠે ન મળે, એટલે કાકા બીડીના ઠૂંઠાં ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું.”
“પણ ઠૂંઠાં કંઈ હરવખતે મળી ન શકે, અને તેમાંથી બહુ ધુમાડાયે ન નીકળે. એટલે ચાકરની ગાંઠે બેચાર દોકડા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડી અને અમે બીડી ખરીદતા થયા. પણ એને સંઘરવી ક્યાં એ સવાલ થઈ પડયો. વડીલોના દેખતાં તો બીડી પિવાય જ નહીં એ ખબર હતી. જેમતેમ કરી બેચાર દોકડા ચોરીને થોડાં અઠવાડિયાં ચલાવ્યું. દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ (તેનું નામ ભૂલી ગયો છું) થાય છે, તેની ડાંખળી બીડીની જેમ સળગે છે, ને તે પી શકાય. અમે તે મેળવીને ફૂંકતા થયા!” તેમ ગાંધીજીએ કબૂલાત કરી હતી.
ગૌશાળાનું અનાજ અને કપાસ ઘરભેગો કર્યો
29 નવેમ્બર 1974નો એ દિવસ સોમાભાઈ પટેલે જાહેર કરેલી વિગતોથી ગાંધીયન લોકોને ભારે આંચકો આપનારી હતી. તેમણે સાબરમતી ગૌશાળા આશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી નવલ શાહ અને હરિજન આશ્રમના પ્રમુખ ડાહ્યાભાઈ નાયકને જાહેરમાં પડકાર ફેંકીને ઉપવાસના પાંચમાં દિવસે કહ્યું હતું કે, “ગૌશાળાની 1700 એકર જમીનનું હજારો મણના કૃષિ ઉત્પાદનનું 50 ટકા અનાજ જ ચોરડે લેવામાં આવતું હતું. બાકીનું અનાજ ટ્રસ્ટીઓ અને વ્યવસ્થાપકો અંદરો અંદર વહેંચી ખાતા હતા. કાલા કપાસનું લાખો રૂપિયાનું ઉત્પાદન પણ એ જ રીતે વહેંચી લેવામાં આવતું હતું. જેઓ થોડો પગાર લઈને વ્યવસ્થાપક તરીકે કામ કરતાં હતા તેમના બંગલા બની ગયા છે. એ આવક ક્યાંથી આવી તેનો જવાબ આપો. જો રાજ્યપાલ આ અંગે નિષ્પક્ષ તપાસ પંચ નિયુક્ત કરે તો હું તમામ આક્ષેપો સાબિત કરી આપવા તૈયાર છું.”
મેનેજર જ ચોર નિકળ્યા અને કેસ થયા
સોમાભાઈના ઉપવાસના પાંચ દિવસ થયા હતા. તેની નબળાઈ આવી હતી. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તે સત્યને વરેલા ગાંધીયન હતા. વર્ષો સુધી ગૌશાળાનો કરોડો રૂપિયાનો વ્યવહાર કર્યો હતો. તે ખોટું જોઈ શકતાં ન હતા અને ખોટું ચલાવી લેવા તૈયાર ન હતી.
તેમણે આગળ કહ્યું કે, “ઉચાપતના આ આંકડાઓ નવલ શાહ અને ડાહ્યાભાઈ નાયક જૂએ. ગૌશાળાના પહેલાં મેનેજર જે ચોરી અને ભ્રષ્ટાચારનો ચીલો પાડ્યો હતો. તે જ રીતે તેની પછીના મેનેજરે એવું જ ચાલુ રાખ્યું હતું. મગનભાઈ પટેલ પોતાનું ટ્રેક્ટર લાવીને ખેડવતાં અને તેઓ પણ બે ગણાં બિલ મૂકતાં હતા. છેલ્લાં મેનેજર ગણેશભાઈ આવ્યા હતા. તેણે તો હદ કરી નાંખી હતી. હજારો રૂપિયાના કાલા કપાસ વેચી નાંખ્યા હતા. મેં ગૌશાળાના ટ્રસ્ટીઓને અનેક વખત આ બાબતે જાણ કરી હતી. ત્રણ ચોર ચોરીનો માલ વેચે તેમાં એક ચોરને અસંતોષ રહે તો તે ફૂટે અને અંદરની વાત જાહેર કરે એવું જ ગૌશાળામાં થયું છે. તેણે જ્યાં જ્યાં ચોરીનો માલસામાન વેચ્યો હતો તે બધું જ મને બતાવ્યું હતું. તેમાંથી જેટલાં પૈસા મળ્યા તે વસૂલ કર્યા છે. મેનેજર પાસેથી બાકીના રૂ.15,000 ખાતું પડાવ્યું છે. વર્ષ 1967-68માં મેનેજરે રૂ.45,000માં ડાંગર વેંચી હતી. તેનો રૂ.25,000નો ખોટો ચેક વેપારીએ ગૌશાળાને આપ્યો હતો. તે ચેક પાછો ફર્યો હતો. રૂ.30,000 તે વેપારી પાસેથી લેવાના નિકળે છે.”
તપાસ પંચ આપો, ભ્રષ્ટાચાર હું સાબિત કરી શકું
તેમણે જણાવ્યું હતું કે, “આમ ગૌશાળાના વ્યવસ્થાપકોનું નૈતિક અધઃપતન થયું હતું. કોઈ મર્યાદા જ રહી ન હતી. નવલભાઈને આ સામાન્ય જવાબ આપ્યો છે. આવા તો ઘણાં ઉદાહરણો છે. આ ભ્રષ્ટાચારમાં ટ્રસ્ટીઓ જવાબદાર છે. તેઓએ જવાબદારી સ્વિકારીને લાલબહાદુર શાસ્ત્રીની જેમ રાજીનામું આપી દેવું જોઈએ. ગૌશાળાની કેટલીયે જમીન કેટલાંય લોકોએ પચાવી પાડી છે. છતાં તે પાછી આપતાં નથી. ખેડૂતો એવું કહે છે કે આ ટ્રસ્ટીઓ એવા છે કે અમે જમીન હવે પરત આપવા માંગતા નથી. સોમાદાદા તમે કહો તો અમે પરત કરી દઈએ. આમ આજદિન સુધી આશ્રમ ગૌશાળામાં લાખો રૂપિયાનો ગેરવહિવટ અને ભ્રષ્ટાચાર થયો છે, જે હું સાબિત કરી આપવા તૈયાર છું.”
સોમાભાઈ પટેલનું આ જાહેર નિવેદન ડિસેમ્બર 1974માં અનેક અખબારોમાં છપાયું હતું. આ સમયે દાદાસાહેબ માવલંકર ટ્રસ્ટી હતા.
સોમાભાઈએ આગળ લખ્યું હતું કે, “અને પછી તો દરેક ક્ષેત્રમાં બને છે તેમ સ્વાર્થી રાજકારણીઓ પણ આ પવિત્ર પ્રવૃત્તિમાં ઘુસ્યા અને તકવાદી માણસોનો જમેલો જામ્યો હતો. આશ્રમના અનેક કર્મચારીઓ ભ્રષ્ટાચાર અને ગેરરીતિમાં સંડોવાલેયા હતા. જેના કોર્ટમાં કેસ થયા છે. તેને સજા પણ થઈ છે.”
ગાંધીજીએ જે સત્ય કબૂલ કર્યું હતું તે સત્ય ભાગ્યે જ કોઈ કબૂલ કરી શકે તેમ હતું. સાબરમતી ગૌશાળા કે સાબરમતી આશ્રમના ટ્રસ્ટીઓ કે સંચાલકો તે કબૂલે તો ગાંધીઆશ્રમ છોડવો પડે તેમ હતો. તેથી તેઓએ રાજ્યપાલ સમક્ષ પણ કબૂલ કર્યું નહીં.
ગાંધીજીએ ચોરી કરીને બીડી પીધી પણ તેમણે કબૂલ કરી લીધું
ગાંધીજીએ ચોરી અંગે શું કહ્યું હતું તે સમજવા જેવું છે. તેમણે આત્મકથામાં લખ્યું છે કે, “બીડીઓનાં ઠૂંઠાં ચોરવાં ને તેને અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તને હું વધારે ગંભીર ગણું છું. બીડીનો દોષ થયો ત્યારે ઉંમર બારતેર વર્ષની હશે; કદાચ તેથીયે ઓછી. બીજી ચોરી વેળાએ ઉંમર પંદર વર્ષની હશે. આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાની હતી. તેમણે નાનું સરખું એટલે પચીસેક રૂપિયાનું કરજ કર્યું હતું. એ કેમ પતાવવું એનો અમે બન્ને ભાઈ વિચાર કરતા હતા. મારાભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું. તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું.”
સોનાનું કડું કાપી ચોરી કરી
“કડું કપાયું. કરજ ફીટયું. પણ મારે સારુ આ વાત અસહ્ય થઈ પડી. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. પિતાજીની પાસે કબૂલ કરી દેવું જોઈએ એમ લાગ્યું. જીભ તો ન ઊપડે. પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. તેમણે કોઈ દિવસ અમને એકે ભાઈને તાડન કર્યું હોય એવું મને સ્મરણ નથી. પણ પોતે દુઃખી થશે, કદાચ માથું કૂટશે તો? એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ, તે વિના શુદ્ધિ ન થાય, એમ લાગ્યું.”
“છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માગવી એવો મેં ઠરાવ કર્યો. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માગી, પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી, ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી.”
“મેં ધ્રૂજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. હું તેમની પાટની સામે બેઠો. આ વેળા તેમને ભગંદરનું દરદ તો હતું જ. તેથી તેઓ ખાટલાવશ હતા. ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા.”
ગાંધીજીની પિતા રડી પડ્યા, પણ આશ્રમના સંચાલકોએ ધમકી આપી
“તેમણે ચિઠ્ઠી વાંચી. આંખમાંથી મોતીના બિંદુ ટપક્યાં. ચિઠ્ઠી ભીંજાઈ. તેમણે ક્ષણવાર આંખી મીંચી ચિઠ્ઠી ફાડી નાખી, ને પોતે વાંચવા સારુ બેઠા થયા હતા તે પાછા સૂતા.”
“હું પણ રડયો. પિતાજીનું દુઃખ સમજી શક્યો. હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું. એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે.”
“એ મોતીબિંદુના પ્રેમબાણે મને વીંધ્યો છે. હું શુદ્ધ થયો. એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જ જાણે :
રામબાણ વાગ્યાં રે હોય તે જાણે.”
“મારે સારુ આ અહિંસાનો પદાર્થપાઠ હતો. તે વેળા તો મેં એમાં પિતાપ્રેમ ઉપરાંત બીજું ન જોયું, પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે? એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે.”
ગાંધીજીએ ચોરી કબૂલી અને તેમના પિતાએ માફી આપી
“આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. તે ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે, કદાચ માથું કૂટશે, એવું મેં ધાર્યું હતું. પણ તેમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું. જે માણસ અધિકારી આગળ, સ્વેચ્છાએ, પોતાના દોષનો, નિખાલસપણે ને ફરી કદી તે ન કરવાનો, પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત્ત કરે છે. હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારે વિષે નિર્ભય થયા ને તેમનો મહા પ્રેમ વૃદ્ધિ પામ્યો.”
સત્તા અને પૈસા ભૂખ્યા ગાંધી આશ્રમના સંચાલકો થોડા કંઈ ગાંધી હતા. તેઓ તો આશ્રમને ભરખી જનારા લલાચું રાજકારણીઓ હતા. ચંડાળ ચોકડી બનીને આશ્રમાં લૂંટ ચલાવી રહ્યાં હતા. તેથી તો રાજ્યાલને પણ તેમાં તથ્ય લાગ્યું અને ટ્રસ્ટીઓને રાજભવન બોલાવી તપાસ પંચ નિયુક્ત કરવા માટે આદેશ કરી દીધો હતો. સોમાભાઈના ઉપવાસ ત્યારે પૂરા થયા અને તેઓ વધું પુરાવા એકઠા કરવામાં લાગી ગયા હતા. શું હતા એ પુરાવા ?