ગાંધીજીના જન્મને 150 વર્ષ થયા, મહાત્માના 300 સ્મારકો બેહાલ, સરકારની પ્રસિદ્ધી

ગાંધીજીની 150મી જન્મ જ્યંતિ ઉજવણી માટેની રાજ્યકક્ષાની અમલીકરણ સમિતીની બેઠક મળી હતી. જેમાં આગામી 2 ઓકટોબરે રાજ્યભરના ગામો-નગરો-શહેરોમાં સવારે 7 વાગ્યે પ્રાર્થના સભા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોરબંદરમાં કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભા યોજશે. જોકે ગાંધીજીને પ્રિય એવી પ્રભાત ફેરી અને દારૂના અડ્ડા પર પીકેટીંગ કરવાનો નિર્ણય લેવાયો ન હતો. જોકે, ગાંધીજીને લગતા ગુજરાતમાં 300 જેટલાં સ્મારકો છે તેને જાળવવા માટે આજ સુધી સરકારે કોઈ મહત્વનો નિર્ણય લીધો નથી.

સરકારની બેઠક

મહાત્મા ગાંધીજીના આદર્શો, વિચારો અને મૂલ્યોનો બાળકો, યુવાનો અને આવનારી પેઢીમાં પ્રચાર-પ્રસાર થાય તેવા કાર્યક્રમો આગામી સમગ્ર બે વર્ષ દરમિયાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, સરકારી ખર્ચે લોકો વચ્ચે જઈ શકાય અને પ્રચાર કરી શકાય તેવો આ પ્રયાસ દેખાય છે. પણ ગાંધીજી પ્રત્યેનો પ્રેમ દેખાતો નથી.

પ્રાર્થનાસભા પૂર્ણ થયા બાદ બધા જ સ્થળોએ સામૂહિક સફાઇ- સ્વચ્છતાના કાર્યક્રમો પણ જનસહયોગથી હાથ ધરાશે. 15 થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ગાંધી સ્વચ્છતા ઝૂંબેશ પખવાડિયા અન્વયે તમામ ગામો અને શહેરોના વોર્ડમાં સ્વચ્છતા ઝૂંબેશ જનશકિતને જોડવામાં આવશે. મહાત્મા ગાંધી આજીવન સાદગી સ્વચ્છતા, સફાઇ, સત્ય, અહીંસા, દારુન પીવા, જુગારન રમવા ના ચુસ્ત આગ્રહી રહ્યા હતા. પણ સરકારના કાર્યક્રમમાં તો માત્ર સ્વચ્છતાને ભાર મૂકવામાં આવ્યો છે.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભૂજ તથા ભાવનગરમાં ગાંધીજ્યંતિએ સાંજે પૂજ્ય બાપૂને પ્રિય ગાંધી ગીતો અને ભજનોના કાર્યક્રમો પ્રતિષ્ઠિત ગાયકો દ્વારા યોજવાનું નક્કી થયું હતું.

પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવન-કવન સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ સ્થળો પોરબંદરનું કિર્તીમંદિર, નમક સત્યાગ્રહનું દાંડી, સ્વરાજ્ય આંદોલનના પ્રેરણા કેન્દ્ર સાબરમતી આશ્રમ તેમજ ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો તે રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કુલ ખાતે સમગ્ર વર્ષ દરમ્યાન ગાંધી આચાર-વિચાર પ્રેરિત કરતા કાર્યક્રમો વિશાળ પાયે સમાજના બધા જ વર્ગોની જનશકિતને જોડીને કરાશે.

મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ એટલે કે આગામી 2 ઓકટોબર-2018 થી લઇને સળંગ બે વર્ષ 2 ઓકટોબર-2020 સુધીના જુદા જુદા કાર્યક્રમોની તવારીખ તૈયાર કરીને ગાંધી આદર્શ અને મૂલ્યો આધારિત થીમ પર સ્વચ્છતા, અહિંસા, પ્રાર્થના, સામાજીક સમરસતા જેવા વિષયોને જોડીને જુદા જુદા વિભાગો દ્વારા સળંગ એક-એક મહિના કાર્યક્રમો હાથ ધરાશે.