ગાંધીજીના પ્યારા ત્રણ વાંદરા હ્રદય કૂંજમાંથી ચોરાયા

ગાંધીજીને સૌથી વધારે ત્રણ વાંદરાનું રમકડું પ્યારું હતી.

ત્રણે નામો જાપાનીઝ ભાષામાં છે.

પહેલો વાંદરો, કીકાઝારુ (Kikazaru)ના બંને હાથોથી બંને કાનો ઢંકાયેલા હોય છે – ખરાબ સાંભળવું નહીં.

બીજો વાંદરો, મીઝારૂ (Mizaru)ના બંને હાથોથી બંને આંખો ઢંકાયેલી હોય છે – ખરાબ જોવું નહીં.

ત્રીજો વાંદરો, ઈવાઝારુ (Iwazaru)ના બંને હાથોથી મોં ઢંકાયેલુ હોય છે – ખરાબ બોલવું નહીં.

ગાંધીજીના નિવાસ સ્થાન સાબરમતી આશ્રમના હ્રદયકૂંજ માંથી ત્રણ વાંદરાઓની ચોરી 4 માર્ચ 2017માં થઈ ગઈ હતી. એવું થોડું છે કે, 1950માં ગાંધી આશ્રમનું બધું સગેવગે થઈ ગયું હતું. તે સીલસીલો 2017માં પણ ચાલુ રહ્યો છે. ગાંધીના સંદેશ આપતાં ત્રણ વાંદરાની પ્રતિકૃતિની પણ સાચવણ કરી શક્યા નથી. ગાંધીજીના મેજ પર વર્ષોથી ત્રણ વાંદરાની પ્રતિકૃતિ રહેતી હતી. જે ચાલુ રાખવામાં આવી હતી.

એક કૃતિ લાકડામાંથી બનાવેલી હતી. બીજી પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવાયેલી હતી. બેમાંથી એકેય ત્યાં દેખાઈ નહીં.

પરંતુ આ ત્રણ વાંદરાની ચોરી થયાની વાત પ્રથમ તો આશ્રમના સંચાલક અમૃત મોદી અને શ્રીદીપ સૃહદે છુપાવી હતી. પણ ફોટો જર્નાલિસ્ટ દિલીપ ઠાકરે સંચાલકો પાસેથી અસલી હકીકત મેળવીને અહેવાલ છાપ્યો હતો. પહેલાં તો સંચાલકોએ એવું કહ્યું હતું કે, વાંદારાઓ જુના થઈ ગયા હતા અને તે મેલા દેખાતા હોવાથી બદલવામાં આવ્યા છે. જૂની કલાકૃતિ ક્યાં છે એવું પૂછીને વધું જાણકારી માંગી ત્યારે આશ્રમના વ્યવસ્થાપકોએ એવું કહ્યું કે, વાંદરા ચોરાઈ ગયા છે. તેના સ્થાને આ નવા મુકવામાં આવ્યા છે. આમ સત્યાગ્રહ આશ્રમના સંચાલક દ્વારા આવા જુઠાણા ચલાવવામાં આવે છે. જો આ એક જ વસ્તુમાં આવું જુઠાણું ફેલાવવાનું કામ કરવામાં આવતું હોત તો પછી પક્ષકારો કે આશ્રમ વાસીઓ બીજું ન શોધી શક્યા હોય એવી અનેક બાબતો હોઈ શકે છે.

ગાંધીજીના ખંડમાંથી થયેલી ચોરીના વાત બહાર ન આવે તે માટે પ્રતિકૃતિ ખંડિત કે મેલી થયાની વાત કરીને પ્લાસ્ટર ઓફ પેરિસની કૃતિ મૂકી દેવાઇ હતી. તો કોઇક આશ્રમવાસી સમય જતાં વસ્તુ નાશ પામી હોવાની વાતો કરે છે. ખુદ ગાંધીજીના નિવાસ સ્થાનેથી ચોરી થતા આશ્રમના રખેવાળ આ ઘટનાને છૂપાવવાનો પ્રયાસ કરી રહી હોય તેમ લાગી રહ્યું હતું.

ગાંધીજીને બૌદ્ધ ભિક્ષુકે આપેલી ત્રણ વાંદરાની પ્રતિકૃતિ દાયકાઓથી ગાંધી આશ્રમમાં સચવાયેલી પડી હતી. પરંતુ ગાંધી વિચારો તો ઠીક ગાંધીજીની યાદ અપાવતી વસ્તુઓ સાચવવામાં પણ ગાંધીઆશ્રમ નિષ્ફળ રહ્યો છે.  આર્કિયોલોજી ઓફ સર્વેમાં ગાંધીજીના આશ્રમના પાંચ કક્ષને ઐતિહાસિક ધરોહરમાં સ્થાન મળ્યું છે. ગાંધીજીના કક્ષમાં મેજ પર રહેલી વાંદરાની કૃતિઓ સાચવવાની દરકાર કેમ ન લેવાઇ ? ચિંતાને લઈને રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી પણ કોઈ તેમની ફરિયાદ પણ સ્વીકારી નહિ. ત્રણ વાંદરામાંથી એક એવા મૂક વાંદરાની માફક મુક પેક્ષક આશ્રમના સંચાલકો બની રહ્યા છે.

મહાત્મા ગાંધીએ જીવનમંત્રો બનાવ્યા તેમાં ‘ચોરી ન કરવી’નો પણ સમાવેશ થતો હતો. જે વ્રતનો અહીં બદનામી થાય નહીં તેવા ભયે ભંગ કરવામાં આવ્યો છે. ઉપરથી અસત્ય પણ ઉચ્ચારવામાં આવી રહ્યું હતું.

બુરા મત દેખો, બુરા મત બોલો, બુરા મત સુનો” : ગાંધીજીના ત્રણ વાંદરાની પ્રતિકૃતિ સમાન ૩ કૃતિઓ જાપાનના ટોકિયોમાં આવેલા લાઈન કોર્પ્‍સના હેડકવાટરમાં મુકેલી દેખાય છે. ચોથો વાંદરો જાપાનમાં હોય છે તે પોતાના ગુપ્તાંગને બે હાથથી ઢાંકી દે છે. એવી મુદ્રા સાથે છે. જે પણ ગાંધીજીના બ્રહ્મચર્ય સાથે મેળ ખાય છે. પણ જાપાની સાધુએ ચોથો વાંદરો કાઢી નાંખ્યો હતો. કારણ કે તે સેક્સની પ્રતિકૃતિ માનવામાં આવતી હતી.

વાંદરાથી કેન્દ્ર સરકાર અજાણ

હમણાં જ 8 ફેબ્રુઆરી 2018માં કેન્દ્ર સરકારે માહિતી માંગવાના અધિકાર હેઠળ એવું જાહેર કર્યું હતું તે ગાંધીજીના ત્રણ વાંદરા હાલ ક્યાં છે તે તેની સરકારને જાણ નથી. ખરાબ ન જોવું, ખરાબ ન બોલવું અને ખરાબ ન સાંભળવુંની શીખામણ આપતાં ગાંધીજીનાં ત્રણ વાંદરાંની વાત દરેકને યાદ હોય છે. આ ત્રણ વાંદરાં અંગે અવારનવાર તેમના ભાષણમાં બાપુ પણ તેનો ઉલ્લેખ કરતા હતા. પરંતુ આજે આ ત્રણ વાંદરાંની બોધ મૂર્તિ કયાં છે? તે વાતથી કેન્દ્ર સરકાર પણ અજાણ છે. ભોપાલના સામાજિક કાર્યકર રાજીવ ખરેને આપેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે આ સવાલ વડા પ્રધાન કાર્યાલયને લગતો નથી. તેથી તે અંગે સરકાર પાસે પણ કોઈ જાણકારી નથી.

સાંસ્કૃતિક મંત્રાલયમાં પણ અરજી આપી માહિતી માગી હતી. પરંતુ તે અંગે મુદત વીતી ગયા બાદ પણ મંત્રાલયે કોઈ જાણકારી આપી ન હતી કે ગાંધીજીનાં ત્રણ વાંદરાં આજે ક્યાં છે? કોઈને ખબર નથી. ગાંધીજીને આ ત્રણ વાંદરાંની મૂર્તિ નાગપુર નજીકના સેવાગ્રામ આશ્રમમાં ચીનના પ્રતિનિધિમંડળે ભેટમાં આપી હતી. જ્યારે થોડા સમય પહેલા જ વડા પ્રધાન મોદીએ પણ જાપાનના વડાપ્રધાન શિંજો આબેને આરસમાંથી બનેલી ત્રણ વાંદરાંની મૂર્તિ ભેટમાં આપી હતી.

ગાંધીજી આત્મકથામાં કહે છે કે,

મારા પ્રયોગોની મારી પાસે બહુ કિંમત છે. તેમને હું યથાર્થ વર્ણવી શક્યો છું કે નહીં એ હું નથી જાણતો. યથાર્થ વર્ણવવામાં મેં કચાશ નથી રાખી. સત્યને મેં જેવું જોયું છે, જે માર્ગે જોયું છે તે બાબતનો મેં સતત પ્રયત્ન કર્યો છે, ને વાંચનારને તે વર્ણનો આપતાં ચિત્તશાંતિ ભોગવી છે. કેમ કે તેમાંથી વાંચનારને સત્ય અને અહિંસાને વિશે વધારે આસ્થા બેસે એવી મેં આશા રાખી છે.

સત્ય અને પરમેશ્વર એક

સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું. સત્યમય થવાને સારુ અહિંસા એક જ માર્ગ છે, એમ આ પ્રકરણોને પાને પાને ન દેખાયું હોય તો આ પ્રયત્ન વ્યર્થ સમજું છું. પ્રયત્ન વ્યર્થ હો, પણ વચન વ્યર્થ નથી. મારી અહિંસા સાચી તોયે કાચી છે, અપૂર્ણ છે. તેથી મારી સત્યની ઝાંખી હજારો સૂરજને એકઠા કરીએ તોપણ જે સત્યરૂપી સૂરજના તેજને પૂરું માપ ન મળી શકે એવા સૂરજના એક કિરણમાત્રના દર્શનરૂપ જ છે. એનું સંપૂર્ણ દર્શન સંપૂર્ણ અહિંસા વિના અશક્ય છે, એટલું તો હું મારા આજ લગીના પ્રયોગોને અંતે અવશ્ય કહી શકું છું.

સત્યની પુજા

આવા વ્યાપક સત્યનારાયણનાં પ્રત્યક્ષ દર્શનને સારુ જીવમાત્રની પ્રત્યે આત્મવત્ પ્રેમની પરમ આવશ્યકતા છે. અને તે કરવાને ઇચ્છનાર મનુષ્ય જીવનના એક પણ ક્ષેત્રની બહાર નથી રહી શકતો. તેથી જ સત્યની મારી પૂજા મને રાજ્યપ્રકરણમાં ખેંચી ગઈ છે. ધર્મને રાજ્યપ્રકરણની સાથે સંબંધ નથી એમ કહેનાર ધર્મને જાણતો નથી એમ કહેતાં મને સંકોચ નથી થતો, એમ કહેવામાં હું અવિનય નથી કરતો.

જીવન શુદ્ધિની આવશ્યકતા

આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન જ સધાય. આત્મશુદ્ધિ વિના અહિંસાધર્મનું પાલન સર્વથા અસંભવિત છે. અશુદ્ધાત્મા પરમાત્માનાં દર્શન કરવા અસમર્થ છે, એટલે જીવનમાર્ગનાં બધાં ક્ષેત્રોમાં શુદ્ધિની આવશ્યકતા છે. એ શુદ્ધિ સાધ્ય છે, કેમ કે વ્યક્તિ અને સમષ્ટિની વચ્ચે એવો નિકટ સંબંધ છે કે એકની શુદ્ધિ અનેકની શુદ્ધિ બરાબર થઈ પડે છે. અને વ્યક્તિગત પ્રયત્ન કરવાની શક્તિ સત્યનારાયણને સહુને જન્મથી જ આપી છે.

પણ આ શુદ્ધિનો માર્ગ વિકટ છે એમ હું તો પ્રતિક્ષણ અનુભવું છું. શુદ્ધ થવું એટલે મનથી, વચનથી ને કાયાથી નિર્વિકાર થવું, રાગદ્વેષાદિરહિત થવું. એ નિર્વિકારતાને પહોંચવાને પ્રતિક્ષણ મથતા છતાં હું પહોંચ્યો નથી, તેથી લોકની સ્તુતિ મને ભોળવી શકતી નથી, એ સ્તુતિ ઘણી વેળા ડંખે છે. મનના વિકારોને જીતવા જગતને શસ્ત્રયુદ્ધથી જીતવા કરતાંયે મને કઠિન લાગે છે. હિંદુસ્તાનમાં આવ્યા પછી પણ હું મારામાં સંતાઈ રહેલા વિકારોને જોઈ શક્યો છું, શરમાયો છું, પણ હાર્યો નથી. સત્યના પ્રયોગો કરતાં મેં રસ લૂંટયો છે, આજે લૂંટી રહ્યો છું. પણ હું જાણું છું કે મારે હજુ વિકટ માર્ગ કાપવાનો છે. તેને સારુ મારે શૂન્યવત્ બનવાનું છે. મનુષ્ય જ્યાં લગી સ્વેચ્છાએ પોતાને સહુથી છેલ્લો ન મૂકે ત્યાં લગી તેની મુક્તિ નથી. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે. અને એ નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે નથી એ અનુભવસિદ્ધ વાત છે. એ નમ્રતાની પ્રાર્થના કરતો, તેમાં જગતની મદદ યાચતો અત્યારે તો આ પ્રકરણોને બંધ કરું છું.

આશ્રમે પ્રાયશ્ચિત કરવું જોઈએ

ગાંધીજીના આદર્શો અને જીવન મૂલ્યોનું તો ગાંધીવાદીઓ પાલન કરી શક્યા નહીં. તેઓ જુઠનો આશ્રય લઈ રહ્યાં છે. સત્ય છુપાવે છે. ખરેખર તો આશ્રમના સંચાલકોએ પ્રાયશ્ચિત કરીને જે ભૂલો કરી છે તે જાહેર કરી દેવી જોઈએ. તો જ સાબરમતી આશ્રમને ચલાવવાનો તેમને અધિકાર છે.

સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ સત્ય શબ્દ 140 વખત લખ્યો છે અને એટલી વખત તેમણે સત્યની વાત લખી છે. સત્યના પ્રયોગો લખ્યા પછી અંતમાં ગાંધીજી પોતાની અત્મકથામાં શું કહે છે ? સાબરમતી આશ્રમના સંચાલકોએ તેનો અમલ કરવા જેવો છે. પણ અમલ કરી શકે તેવી હિંમત નથી.