22 નવેમ્બર 1974ના રોજ ગાંધીજીના સહ કાર્યકર સોમાભાઈ પટેલ ઉપવાસ પર બેઠા. જેની નોંધ ભારતનાં મહત્વના સમાચાર પત્રોએ લીધી હતી. કારણ કે વાત ગાંધીજીની કર્મભૂમિ સાબરમતી આશ્રમના ભ્રષ્ટાચારની હતી. ત્રણ દિવસ પછી ટાઈમ્સ ઓઈ ઈન્ડિયાએ 24 નવેમ્બર 1974ના રોજ એક અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, દાંડી કૂચમાં ગાંધીજીના સાથી રહી ચૂકેલા સોમાભાઈ પટેલ એવું કહે છે કે, ‘નેશનલ ડેરી ડેબલપમેન્ટ કોર્પોરેશન – NDDB – ને બીડજનો ગૌપ્રજનન કેન્દ્ર સોંપવું ન જોઈએ.’ તેમણે આ કેન્દ્ર આપવા સામે વિરોધ કર્યો છે. સોમાભાઈ કહે છે કે, “NDDB કૃત્રિમ વિર્યદાનના પ્રયોગો કરશે. તથા જર્સી પશુ જાતિ દાખલ કરશે. જે એક સાવ નવી ઓલાદ છે. તાજેતરમાં વિનોબા ભાવેએ પણ આનો વિરોધ કર્યો હતો., તેમ ગાંધીજી હયાત હોત તો તેમણે પણ આનો વિરોધ કર્યો હોત.”
44 વર્ષ પછી સોમાભાઈની વાત સાચી પડી છે. કારણ કે હવે જર્સી ગાય અને દેશી ગાયનું દૂધ NDDBએ અલગ કરવું પડ્યું છે. દેશી ગાયનું દૂધ A-2 તરીકે હવે અમૂલના પાર્લર પર અલગથી આવું પડે છે. A-2 સિવાયાનું દૂધ આરોગ્યને નુકસાન કરી રહ્યું હોવાનું જાહેર થતાં આમ કરવું પડ્યું છે.
1.6 કરોડ કૃત્રિમ વિર્ય ડોઝ તૈયાર કરાયા
44 વર્ષ પછી સોમાભાઈની અને વિનોબા ભાવેની વાત પણ સાચી ઠરી છે. NDDBએ બિડજ ફાર્મ પર 1976માં વીર્ય સ્ટેશન શરૂ કર્યું હતું. જે તકનીકી રીતે અદ્યતન પ્રોસેસિંગ પ્રયોગશાળા સાથે પશુ ક્ષેત્રમાં અગ્રણી બન્યું છે. 2016-17 દરમિયાન, સ્ટેશન દ્વારા 16.3 મિલિયન વીર્ય ડોઝ બનાવવામાં આવ્યા હતા અને 16.4 મિલિયન વીર્ય ડોઝ વેચ્યા હતા, જે દેશમાં કોઈપણ વીર્ય સ્ટેશન માટે સૌથી વધુ છે. વિયેતનામ, સંયુક્ત આરબ અમિરાત, નેપાળ, ઇજિપ્ત, કેન્યા અને બાંગ્લાદેશ જેવા દેશોમાં સેમન ડોઝ નિકાસ કરવામાં આવ્યાં હતાં.
કૃત્રિમ રીતે સાંઢને છેતરીને તેનું વિર્ય લેવાય છે
સાંઢને ગાય સાથે સંવનન કરવા ઉશ્કેરીને પછી સાંઢનું શિશ્ન ગાયના ગુપ્ત ભાગમાં જવા દેવાના બદલે એક થેલીમાં લઈ લેવામાં આવે છે. પછી તે વિર્યને પ્રયોગ શાળામાં લઈ જઈને તેના ડોઝ તૈયાર કરીને ગાયને કૃત્રિમ રીતે ગર્ભધાન કરી દેવામાં આવે છે. જે પણ ગાંધીજીના સિધાંતની વિરૃદ્ધ છે.
ફ્રોઝન ગર્ભ પરીક્ષણ કરાયા
NDDB અને સાબરમતી આશ્રમ ગૌશળાએ એમ્બ્રીયો ટ્રાન્સફર ટેકનોલોજીમાં સૌથી આઘળ કામ કર્યું હતું. પ્રથમ ઇટી પ્રોજેક્ટ ‘એમ્બ્રીયો ટ્રાન્સફર ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને વધતી ઉત્પાદકતા માટે પશુ સુધારણા’ની સ્થાપના 1987 માં કરવામાં આવી હતી. ફ્રોઝન ગર્ભમાંથી પ્રથમ ભેંસનું વાછરડું 1991માં પેદા કરવામાં આવ્યું હતું. તે પણ ગાંધીજી હયાત હોત તો થવા ન દીધું હોત. આ કૃત્રિમ ટેકનોલોજીથી અત્યાર સુધી 12,358 સંભવિત ફ્રોઝન ગર્ભ પેદા થયા છે અને 776 નર વાછરડાઓનો ઉપયોગ કરીને 2018માં જન્મેલા છે.
ઓપન ન્યુક્લિયસ બ્રીડિંગ સિસ્ટમ (ઓએનબીએસ) ચલાવવા માટે ઇટી ટેકનોલોજી સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી હતી – બુલ્સના ક્ષેત્ર આધારિત સંતાન પરીક્ષણ માટે વિકલ્પ. અત્યાર સુધી, આ પ્રોજેક્ટમાં 420 આનુવંશિક રીતે મૂલ્યાંકન કરાયેલા ક્રોસબ્રીડ સાંઢ 2018ના વર્ષમાં બનાવાયા છે.
ભવિષ્યની વેપારી યોજનાઓ, 100 મિલિયન, 10 કરોડ વિર્ય ડોઝ
2018માં વિર્યનો વેપાર શરૂ કરાયો, NDDB દ્વારા રાષ્ટ્રીય ડેરી યોજના (એનડીપી)ની સાથે, દેશમાં વીર્ય ડોઝની માંગ વધશે અને સાબરમતી આશ્રમ ગૌશાળામાં તેના વીર્ય ડોઝ માટે સારું બજાર હશે. એનડીપી -1 માં, 2016-17 સુધીમાં 50 મિલિયનથી વધીને 100 મિલિયન વિર્ય ડોઝ વધારવાની યોજના છે. એટલે કે 10 કરોડ વિર્યના ડોઝ અહીં તૈયાર થશે અને 10 કરોડ ગાયોને કૃત્રિમ રીતે ગર્ભવતી કરાશે.
13 ઓક્ટોબર 2005માં સાબરમતી આશ્રમ ગૌશાળાના અધ્યક્ષ અને ગાંધીયન એવા દેવેન્દ્ર આર. દેસાઈએ એક નોંધમાં ગાંધીજીની સિધ્ધાંતની વિરૃદ્ધ જઈને લખ્યું છે કે, વિકસતા વિજ્ઞાન અને અદ્યતન પ્રૌદ્યોહિકીના અનુસરણ સાથે સંસ્થાના મૂળભૂત ઉદ્દેશ ગોપાલન અને ગૌસંવર્ધનને હાથ ધરવા માટે મોટી મૂડી રોકાણની જરૂર હતી. આ બધા કારણોસર સીત્તેરના દાયકાની શરૂઆતમાં ટ્રસ્ટીઓએ નિર્ણય કર્યો હતો કે, જો ગાંધીજીના ગૌસેવાનું કામ કરતી આ સંસ્થાના ઉદ્દેશને બર લાવવા હશે તો રાષ્ટ્રીય સ્તરે ડેરી ઉદ્યોગમાં આગવું સ્થાન ધરાવતી સંસ્થા NDDBનો મહત્તમ સહયોગ જરૂરી છે. તે સમયના NDDBના અધ્યક્ષ ડો. વી. કુરીયન તે સમજ્યા અને સંસ્થાના વહીવટમાં NDDB સહયોગી બની હતી. તેથી વિશ્વમાં આશ્રમ ગૌશાળા નામના મેળવી શકી છે. ગૌશાળીએ તેની શોધ અને વિકાસની પ્રવૃત્તિમાં અનેક સિધ્ધીઓ પ્રાપ્ત કરી છે.
વિશ્વમાં પ્રથમ આશ્રમ ગૌશાળાની લેબોરેટરીમાં ભૃણ પેદા કર્યું તેનું ગૌરવ !
ગુજરાતના ગાંધીયન દેવેન્દ્ર દેસાઈ ગૌરવ પૂર્વક લખે છે કે, “ગૌશાળાની પ્રયોગ શાળામાં તજજ્ઞોએ ગાયના ક્ષેત્રે વિશ્વમાં પ્રથમ ભૃણ પ્રત્યારોપણની સર્જીકલ પદ્ધતિથી 1987માં બચ્ચુ પેદા કરવાની સિધ્ધી મેળવી છે. 1989માં થીજવેલા ભૃણથી ગર્ભધાન કરાવવાની સિદ્ધિ મેળવી છે. 1991માં થીજવેલ ભૃણથી બચ્ચુ પેદા કરવાની અને એશિયામાં પ્રથમ સૌવખત ભૃણ પ્રત્યારોપણની નોન-સર્જીકલ પદ્ધતિ 1988માં બચ્ચુ પેદા કરવાની સિધ્ધી હાંસલ કરી છે અને નામના મેળવી છે.” આમ તેઓ ગાંધીજીએ સ્થાપેલી ગૌશાળામાં આ અંગે ગૌરવ લઈ રહ્યાં છે. આમ આજે પણ ગાંધીજીવની ગૌશાળાનું નૈતિક અધઃપતન ચાલુ છે. સોમાભાઈના સમયમાં જ હતું એવું થોડું છે. સોમાભાઈ અને વિનોબા ભાવે એ જે ભવિષ્ય વાણી કરી હતી તે હવે સાચી પડી છે.
વિવાદ
દેસાઈ આગળ લખે છે કે, કૃત્રિમ વીર્યદાન પદ્ધતિ જેવી બાબતો અંગે પ્રબુદ્ધ સમાજમાં અને આર્થિક પ્રવૃત્તિઓની વિકસતી ક્ષિતિજોની દ્રષ્ટીએ મતભેદ પહેલાં હતા અને આજે પણ છે. ભવિષ્યમાં રહેવાના છે. તેમાં કોઈના માટે દુર્બુદ્ધીનું આરોપણ કરવું તે સર્વથા અનુચિત લેખાય.
ગોરક્ષા માટે ગાંધીજીએ કામ કર્યું હતું
ગાંધીજીએ સત્યના પ્રયોગોમાં લખ્યું છે કે, “ચંપારણમાં ગ્રામનિશાળો અને ગ્રામસુધાર ઉપરાંત ગોરક્ષાનું કામ મેં હાથ કર્યું હતું. ગોશાળા અને હિંદી પ્રચારના કામનો ઇજારો મારવાડી ભાઈઓએ લીધો છે એવું હું મારા ભ્રમણમાં જોઈ ચૂક્યો હતો. બેતિયામાં મારવાડી ગૃહસ્થે પોતાની ધર્મશાળામાં મને આશ્રય આપ્યો હતો. બેતિયાના મારવાડી ગૃહસ્થોએ મને તેમની ગોશાળામાં સંડોવ્યો હતો. મારી જે કલ્પના આજે છે તે જ કલ્પના ગોરક્ષા વિશે ત્યારે ઘડાઈ ચૂકી હતી. ગોરક્ષા એટલે ગોવંશવૃદ્ધિ, ગોજાતિસુધાર, બેલની પાસેથી મર્યાદાસર કામ લેવું, ગોશાળાને આદર્શ દુગ્ધાલય બનાવવી, વગેરે. આ કામમાં મારવાડી ભાઈઓએ પૂરી મદદ કરવાનું વચન આપ્યું હતું. પણ હું ચંપારણ સ્થિર ન થઈ શક્યો એટલે તે કામ અધૂરું જ રહ્યું. બેતિયામાં ગોશાળા તો આજે પણ ચાલે છે, પણ તે આદર્શ દુગ્ધાલય નથી બની શકી. ચંપારણના બેલની પાસેથી હજુ વધારેપડતું કામ લેવામાં આવે છે. નામના હિંદુઓ હજુયે બેલોને નિર્દયતાપૂર્વક માર મારે છે ને ધર્મને વગોવે છે. આ ખટકો મને હમેશાંને સારુ રહી ગયો છે. અને જ્યારે જ્યારે ચંપારણ જાઉં છું ત્યારે ત્યારે આ અગત્યનાં અધૂરાં રહેલાં કામોનું સ્મરણ કરી નઃશ્વાસ મૂકું છું, ને તે અધૂરાં મેલવા સારુ મારવાડી ભાઈઓ અને બિહારીઓનો મીઠો ઠપકો સાંભળું છું.”
દૂધથી વિકાર
તેમાં પ્રથમ ફેરફાર દૂધ છોડાવાનો થયો. દૂધ ઇંદ્રિયવિકાર પેદા કરનારી વસ્તુ છે એમ હું પ્રથમ રાયચંદભાઈ પાસેથી સમજ્યો હતો. અન્નાહારનાં અંગ્રેજી પુસ્તકો વાંચવાથી તે વિચારમાં વૃદ્ધિ થઈ. પણ જ્યાં સુધી બ્રહ્મચર્યનું વ્રત નહોતું લીધું ત્યાં સુધી દૂધ છોડવાનો ખાસ ઇરાદો નહોતો કરી શક્યો. શરીરના નિભાવને સારુ દૂધની જરૂર નથી એમ તો હું ક્યારનોયે સમજતો થઈ ગયો હતો. પણ તે ઝટ છૂટે તેવી વસ્તુ નહોતી. ઇંદ્રિયદમનને અર્થે દૂધ છોડવું એમ હું વધારે ને વધારે સમજતો હતો; તેવામાં ગાયભેંસો ઉપર ગવળી લોકો તરફથી ગુજારવામાં આવતા ઘાતકીપણા વિશેનું કેટલુંક સાહિત્ય મારી પાસે કલકત્તેથી આવ્યું. આ સાહિત્યની અસર ચમત્કારી થઈ. મેં તે વિશે મિ. કૅલનબૅક સાથે ચર્ચા કરી.
દૂધના ત્યાગમાં ધર્મભાવનાને પ્રધાનપદ હતું. કલકત્તામાં ગાયભેંસ ઉપર થતી દુષ્ટ ક્રિયાઓ મારી સામે મૂર્તિમંત હતી. જેમ માંસ તેમ જાનવરનું દૂધ પણ મનુષ્યનો ખોરાક નથી એ વસ્તુ પણ મારી પાસે હતી. તેથી દૂધના ત્યાગને વળગી રહેવાનો નિશ્ચય કરીને હું સવારે ઊઠયો. એટલા નિશ્ચયથી મારું મન બહુ હળવું થયું. ગોખલેનો ભય હતો. પણ તે મારા નિશ્ચયને માન આપશે એવો મને વિશ્વાસ હતો
પાંચ પગી ગાય
શાંતિનીકેતનમાં ગાંધીજી હતા ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે, અહીં મેં પાંચ પગાળી ગાય જોઈ. હું તો આશ્ચર્ય પામ્યો. પણ અનુભવી માણસોએ મારું અજ્ઞાન તરત દૂર કર્યું. પાંચ પગાળી ગાય તો દુષ્ટ લોભી લોકોનું બલિદાન હતું. આ ગાયની કાંધમાં વાછડાના જીવતા પગ કાપીને; કાંધને છેદી તેમાં તે ચોંટાડી દેવામાં આવતા હતા, ને આ બેવડી ઘાતકી ક્રિયાનું પરિણામ અજ્ઞાની લોકોને ધૂતવાને સારુ વાપરવામાં આવતું હતું. પાંચ પગાળી ગાયનાં દર્શન કરવા કયો હિંદુ ન લલચાય? તે દર્શનને સારુ તે જેટલું દાન દે તેટલું થોડું.
દૂધ ન પીવાની પ્રતિજ્ઞા, ગાયભેંસ ઉપર ફુક્કાની ક્રિયાના કારણે લીધી
ગાંધીજી બિમાર હતા ત્યારે તેમને ડોક્ટરે પૂછ્યું હતું કે, ‘તમે દૂધ ન લો ત્યાં લગી તમારું શરીર હું વાળી નહી શકું. તે વાળવાને સારુ તમારે દૂધ લેવું જોઈએ ને લોખંડ ને સોમલની પિચકારી લેવી જોઈએ. આટલું કરો તો તમારું શરીર બરોબર ફરી બાંધવાની હું ‘ગૅરંટી’ આપું.’
‘પિચકારી આપો પણ દૂધ ન લઉં,’ એમ મેં જવાબ વાળ્યો.
‘તમારી દૂધની પ્રતિજ્ઞા શી છે?’ દાક્તરે પૂછયું.
‘ગાયભેંસ ઉપર ફુક્કાની ક્રિયા થાય છે એ જાણ્યા પછી દૂધની ઉપર મને તિરસ્કાર થયો, ને તે મનુષ્યનો ખોરાક નથી એમ તો હું સદાય માનતો, એટલે મેં દૂધનો ત્યાગ કર્યો.’
‘ત્યારે તો બકરીનું દૂધ લેવાય,’ એમ કસ્તૂરબાઈ જે ખાટલાની પાસે જ ઊભી હતી તે બોલી ઊઠી.
‘બકરીનું દૂધ લો એટલે મારું કામ પત્યું,’ દાક્તર વચ્ચે બોલ્યા.
હું પડયો. સત્યાગ્રહની લડાઈના મોહે મારામાં જીવવાનો લોભ પેદા કર્યો, ને મેં પ્રતિજ્ઞાના અક્ષરના પાલનથી સંતોષ માની તેના આત્માને હણ્યો. દૂધની પ્રતિજ્ઞા વખતે જોકે મારી સામે ગાયભેંસ જ હતાં, છતાં મારી પ્રતિજ્ઞા દૂધમાત્રની ગણાવી જોઈએ; અને જ્યાં લગી હું પશુના દૂધમાત્રને મનુષ્યના ખોરાક તરીકે નિષિદ્ધ માનું, ત્યાં લગી મને તે લેવાનો અધિકાર નથી, એમ હું જાણતો છતો બકરીનું દૂધ લેવા તૈયાર થયો. સત્યના પૂજારીએ સત્યાગ્રહની લડાઈને સારુ જીવવાની ઇચ્છા રાખીને પોતાના સત્યને ઝાંખપ લગાડી.
બકરીનું દૂધ લેવાનું નક્કી કર્યું
વૈદ્યોએ મને ચરક ઇત્યાદિમાંથી શ્લોકો સંભળાવ્યા કે, વ્યાધિને દૂર કરવા સારુ ખાદ્યાખાદ્યનો બાધ હોય નહીં ને માસાંદિ પણ ખવાય. આ વૈદ્યો મને દૂધના ત્યાગમાં કાયમ રહેવાની મદદ કરી શકે તેમ નહોતું. જ્યાં ‘બીફ ટી’ અને બ્રાંડીને સ્થાન છે ત્યાંથી દૂધના ત્યાગમાં મદદ ક્યાંથી મળે? ગાયભેંસનું દૂધ તો લેવાય જ નહીં. મને વ્રત હતું. વ્રતનો હેતુ તો દૂધમાત્રનો ત્યાગ કરવાનો હતો. પણ વ્રત લેતી વખતે મારી સામે ગાય અને ભેંસમાતા જ હતાં તેથી અને જીવવાની આશાએ મેં મનને જેમતેમ ફોસલાવી લીધું. વ્રતનો અક્ષર પાળ્યો ને બકરીનું દૂધ લેવાનો નિશ્ચય કર્યો. મારા વ્રતનો આત્મા હણાયો એમ મેં બકરીમાતાનું દૂધ લેતી વેળા પણ જાણ્યું.
હવે જ્યાં ગાંધીજી દૂધ લેવાનો જ ઈન્કાર કરી રહ્યાં હોય ત્યાં આ એજ આશ્રમ ગૌશાળા છે કે જેણે કુદરતની વિરૃદ્ધ જઈને કૃત્રિમ ગર્ભધાન કર્યું, લેબોરેટરીમાં થીજવેલું ભૃણ ગાયના ગર્ભમાં નાંખવાનું કામ કરી રહી છે. હવે આમાં ગાંધીજીના કોઈ સિધાંતો કામ આવતાં નથી. ગાંધીજી હયાત હોય તો ડો.કુરીયનને ક્યારના તગેડી મૂક્યા હોત. કુદરત વિરોધ આવું કામ કરવા બદલ આશ્રમ શાળાના ટ્રસ્ટીઓને રાજીનામાં લઈ લીધા હોત.
પણ અહીં તો ટ્રસ્ટીઓ ગાંધીજીને જ ભૂલી ગયા હોય ત્યાં ગાયને કોણ યાદ રાખે છે.