30 જાન્યુઆરી 1948માં મહાત્મા ગાંધીનું અવસાન થતાં સાબરમતી આશ્રમનું એક નવું જ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. ગાંધીજીની મિલકતોની સારી રીતે જાળવણી થાય અને તેમાં વધારો થાય તે માટે આ ટ્રસ્ટની રચના કરવા માટે સરદાર પટેલે શરૂઆત કરી હતી. આ ટ્રસ્ટનું નામ રાખવામાં આવ્યું હતું , સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરીયલ ટ્રસ્ટ. જેના ટ્રસ્ટી તરીકે જી. વી. માવલંકર, શેઠ કસ્તુરભાઈ લાલભાઈ, શેઠ અમૃતલાલ હરગોવિંદ અને 49 વર્ષના પરીક્ષીતલાલ ઝમુદાર હતા.
મહાત્માનું અવસાન થતાં તે વખતે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગણેશ વાસુદેવ માવલંકર દિલ્હીમાં હતા. જ્યારે શેઠ કસ્તુરભાઈ લાલભાઈ અને શેઠ અમૃતલાલ હરગોવનદાસ અને તેમના બીજા મિત્રો કે જે અમદાવાદ મીલ માલિક મંડળના સભ્યો હતા. આ તમામ દ્વારા ચર્ચા કરીને અમદાવાદ ખાતે ફાળો એકઠો કરવાનું નક્કી કર્યું હતું. સાબરમતી આશ્રમથી ગાંધીજીએ સેવા અને જાહેર જીવન શરૂ કર્યું હતું તેને જાળવી રાખવા માટે નક્કી કર્યું હતું.
અમદાવાદના કલેક્ટરે 18 જુન 1951ના રોજ ટ્રસ્ટ અંગેનું જાહેરનામું બહાર પાડેલું તેના દસ્તાવેજોમાં સ્પષ્ટ લખેલું છે કે, ગાંધીજીની યાદગીરીરૂપી યાદી સાબરમતી આશ્રમ સાથે જોડાયેલી છે, તે જાળવી રાખવા અને તેનું સમારકામ કે વટીવટ કરવા માટે આ ટ્રસ્ટ બનાવાયું હતું. દસ્તાવેજમાં લખ્યું છે કે, ગાંધીજીની ગાંધીજીના હસ્ત લેખ, પોતાની વસ્તુઓ, નોંધ અને જે અન્ય હોય તે જાળવવાનું કામ આ ટ્રસ્ટ કરશે.
સ્મારક માટે રૂ.2.24 કરોડ એકઠા કરાયા
આ કામ માટે અમદાવાદના મિલ માલિકોએ ફાળો એકઠો કરવાનું નક્કી કર્યું હતું. ભારતીય નેશનલ કોંગ્રેસના કાર્યકારી મંડળની એક બેઠક દિલ્હી ખાતે 6 ફેબ્રુઆરી 1948માં મળી હતી. જેમાં ઠરાવ કર્યો હતો કે, મહાત્મા ગાંધીની યાદગીરી ચિરકાળ સુધી રહે તે માટે નેશનલ મેમોરીયલ ફંડ શરૂ કરવું. તે માટે રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદને સત્તા આપી ‘ગાંધીજી સ્મારક નિધિ’ની શરૂઆત કરવામાં આવી હતી. તે સમયે સરદાર પટેલે ખાસ બાબત ધ્યાનમાં લીધી હતી કે ટ્રસ્ટીઓએ રૂ.25 લાખનો ફાળો એકઠો કરી લીધો હતો. જે ગાંધી સ્મારક નિધિ તરીકે જાહેર કરાયો હતો. વધું ફાળો એકઠો કરવા માટે અમદાવાદના મિલ માલિક મંડળ તરફથી ગાંધી સ્મારક નિધિ ઔદ્યોગિક સમિતિની બનાવવામાં આવી હતી. જેણે રૂ.45,81,206 જેની જંગી રકમ ભેગી કરી હતી. જે રકમ ગાંધી સ્મારક નિધિના અધ્યક્ષ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદને મોકલી આપવામાં આવી હતી. જે કૂલ રૂ.2,23,96,919 ભંડોળ 15 એપ્રિલ 1949 સુધીમાં એકઠું કર્યું હતું.
રૂ.23 લાખ ગાંધીઆશ્રમની જાળવણી માટે 1949માં અપાયા
30 ઓક્ટોબર 1949ના રોજ મળેલી બેઠકમાં ઠરાવ કરીને નક્કી કરેલું કે તે રકમમાંથી રૂ.23.20 લાખ ગાંધી સ્મારક નિધિને આપવામાં આવે. અમદાવાદના મિલ માલિક મંડળની બેઠક 18 નવેમ્બર 1949ના રોજ મળી હતી અને ગાંધી આશ્રમને તે રકમ આપવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા અને દસ્તાવેજની નોંધણી અમદાવાદ કલેક્ટર કચેરીએ 30 એપ્રિલ 1950ના રોજ પૂરી કરી હતી. પછી સરદાર પટેલ બિમાર થયા અને 15 ડિસેમ્બર 1950ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.
સરદારના અવસાન પછી સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરીયલ ટ્રસ્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
ગાંધીજીની મિલકતોની જાળવણીની જવાબદારી
સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરીયલ ટ્રસ્ટની પહેલી જવાબદારી એવી નક્કી કરી હતી કે, સાબરમતી આશ્રમની ઈમારતની જાળવણી અને નિભાવ કરવો. ખાસ કરીને પ્રાર્થના મેદાન અને જુદીજુદી ઈમારતો કે જે મહાત્મા ગાંધીજી કબજો ધરાવતાં હતા કે વાપરતાં હતા. ગાંધીજીના જીવન કાળ દરમિયાન જે વપરાશ કરેલ ઈમારતોનો નિભાવ અને જાળવણી કરવી.
કલેક્ટરના જાહેરનામાં પ્રમાણે બીજી મહત્વની જવાબદારી એ હતી કે, આશ્રમ ખાતે પ્રકાશનો, વર્ગીકરણો, નોંધો, પત્રો, ચોપડીઓ, હસ્ત લખાણ, સમારક ચિન્હો, સ્મૃતિ ચિન્હો, હસ્તલિખીત રેકોર્ડ અને રેકોર્ડ જાળવવો. આ જાળવણી આશ્રમ ઉપરાંત અન્ય સ્થળે હોય તેની પણ જાળવણી અને નિભાવ કરવો. તેનું સંશોધન કરવું, સંગ્રહ કરો અને ઉફયોગ કરવો એવી જવાબદારી સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરીયલ ટ્રસ્ટની છે.
જ્યાં જુદાજુદા પ્રકારના સ્મૃતિ ચિન્હો કે પુજ્યભાવની વસ્તાઓ, ચોપડીઓ, પત્રો, વસ્તુઓ અને ચીજો કે જે મહાત્મા ગાંધીજી સાથે સંકળાયેલી, તેમજ તેમના જીવનનો જોવાનો રસ્તો છે તેનું સંગ્રહસ્થાન કરી સંગ્રહાલય જાળવવું એ ત્રીજી ફરજ આ ટ્રસ્ટની છે.
સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા દેશભરમાંથી ગાંધીજીના પત્રો એકઠા કરવાનું કામ કરવામાં આવ્યું હતું. નોંધો એકઠી કરવામાં આવી હતી. ગાંધીજીએ જેમને પત્રો લખ્યા હતા કે નોંધો આપી હતી તે તમામ રેકર્ડ દેશભરના લોકોએ અહીં સામેથી આપ્યું હતું. ગાંધીજીએ લખેલા લાખો પત્રો સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરીયલ ટ્રસ્ટે દેશભરના લોકોએ આપ્યા હતા. ગાંધીજીએ વાપરેલી અને ગાંધીજીની યાદો સાથે જોડાયેલી અનેક વસ્તુઓ અહીં લોકો આપી ગયા હતા.
ગાંધીજીની કેટલી વસ્તુઓ છે ?
આમ સાબરમતી આશ્રમ રાષ્ટ્રીય સ્મારક બની ગયું હતું. ગાંધીજીની તમામ ચીજ વસ્તુઓ અહીં રાખવાની હતી એવો તેનો એક અર્થ પણ નિકળે છે. કારણ કે સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરીયલ ટ્રસ્ટની રચના જ એટલા માટે થઈ હતી. પણ અહીં પત્રો સિવાય બીજી કોઈ ગાંધીજી સાથે જોડાયેલી હોય એવી વસ્તુઓ નથી. આશ્રમ પાસેથી આવી વસ્તુઓની યાદી માંગવામાં આવે છે ત્યારે કહેવામાં આવે છે કે અહીં કઈ નથી. ગાંધી નેશનલ મ્યુઝિયમમાં બધી વસ્તુ મોકલી આપવામાં આવી છે. જો મોકલી હોય તો તેનું રેકર્ડ જાળવેલું હશે. તે પણ બતાવવામાં આવતું નથી. આમ અહીં ગાંધીજીના મૂળ પત્રો અને ઈમારતો સિવાય બહુ ઓછી વસ્તુઓ છે.
34 હજાર મૂળ પત્રો
સાબરમતી આશ્રમમાં આર્કાઈવ્સ(સંગ્રહ)માં ગાંધીજીએ લખેલા અને તેમને મળેલા આશરે 34,117 મૂળ પત્રો અને ફોટોકોપી છે. હરિજન, હરિજનસેવક અને હરિજનબંધુ લખેલા 8781 લેખોની હસ્તપ્રતો છે. 6 હજાર ગાંધીજી અને તેમના સાથીઓના ફોટા છે. ગાંધીજી અંગેની જુની ફિલ્મો અને વોઈસ-રેકોર્ડઝ, છે. સાબરમતી આશ્રમમાં વિશ્વમાંથી દર વર્ષે 7 લાખ મુલાકાતીઓ આવે છે. ગાંધીજી દ્વારા ખાદી બનાવવામાં માટે વાપરવામાં આવેલો ચરખો અને તેમનું ટેબલ જેના પર તેઓ પત્રો લખતા હતા તે અમૂલ્ય વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે.
ગાંધીજીએ પોતાની મિલકત અંગે શું કહ્યું હતું ?
ગાંધીજીએ મિલકતો અંગે જે કહ્યું તે અહીં તેમના જ શબ્દોમાં
“પિતાશ્રીએ દ્રવ્ય એકઠું કરવાનો લોભ કદી નહોતો રાખ્યો. તેથી અમ ભાઈઓ સારુ જૂજ મિલકત મૂકી ગયેલા.”
“તમારુ જે હોય તે એવી રીતે વાપરો કે જેથી બીજાની મિલકતને નુકસાન ન પહોંચે.” આ તો ધર્મવચન છે.
“સ્થાયી મિલકત ઉપર નભતી સંસ્થા લોકમતથી સ્વતંત્ર બની જતી જોવામાં આવે છે ને કેટલીક વેળા તો ઊલટાં આચરણ પણ કરે છે. આવો અનુભવ હિંદુસ્તાનમાં આપણને ડગલે ડગલે થાય છે. કેટલીક ધાર્મિક ગણાતી સંસ્થાઓના હિસાબકિતાબનું ઠેકાણું જ નથી. તેના વાલીઓ તેના માલિક થઈ પડ્યા છે ને કોઈને જવાબદાર હોય તેમ નથી.”
ગાંધીજીનું વસિયતનામું
1940માં ગાંધીજીએ પોતાનું વસિયતનામું કર્યું હતું તે મુજબ, “મારી કંઈ પણ મિલકત છે એમ હું માનતો નથી. પણ વ્યવહારમાં ને કાયદામાં મારું જે ગણાતું હોય, સ્થાવર કે જંગમ, મેં લખેલાં ને હવે પછી લખાશે તે પુસ્તકો, લેખો છપાયેલાં કે નહીં છપાયેલાં અને તેના તમામ કોપીરાઇટના હકો, એ બધાના વારસ હું નવજીવન સંસ્થાને ઠરાવું છું.” કોપીરાઇટની નવજીવનને સારી એવી રકમ આવક તરીકે મળતી. ભારતના કાયદા મુજબ 2008માં કોપીરાઇટ પૂરા થતાં હતા. જે નવજીવને ફરીથી મેળવવા માટે પ્રયાસ કર્યો નથી.