ગાંધીજી જ્યાં ગયા ત્યાં ખગોળ દર્શન કરાવાશે, પોરબંદરમાં બાપુ ખગોળ મેળો ભરાશે

ગાંધીજીએ આઝાદી માટે ભારત પ્રવાસ દરમિયાન જે સ્થળોએ મુલાકાત લીધી હતી તે તમામ સ્થળોએ સતત એક વર્ષ સુધી બાપુ ખગોળ મેળા ભરાશે. જેનો આભારંભ 2 ઓક્ટોબર ગાંધીજયંતીના દિને પોરબંદર ખાતેથી થશે. રાજકીય અને સામાજિક નેતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આકાશ દર્શનનો શોખ હતો. 1932માં પુનાની યરવડા જેલમાં આકાશમાં દેખાતા જ્યોતિ પુંજોને નિહાળવા માટે તેમણે  ટેલીસ્કોપનો ઉપયોગ કર્યો હતો. સાબરમતી આશ્રમના તેમના અંતેવાસીઓને પત્રો દ્વારા ખગોળ વિષયક પોતાના પ્રેરણાદાયી વિચારો જણાવ્યા હતા. સ્વાસ્થ્ય અને મનની શાંતિ માટે ગાંધીજીએ તેમને નિયમિત આકાશ દર્શન કરવાનું કાર્ય સોંપ્યું હતું. ગાંધીજીના જીવનનું આ અજાણ પાસું લોકો સમક્ષ લઈ જવા માટે તથા લોકોમાં ખગોળ વિજ્ઞાન પ્રત્યે રૂચી વધે તે હેતુથી ભારત સરકારના નહેરુ મેમોરીયલ મ્યુઝીયમ અને લાયબ્રેરી દ્વારા ઓક્ટોબર 2018થી ઓક્ટોબર 2019 સુધી ગાંધીજીને કર્યાંજલિ આપવામાં આવશે.

જેનો આભારંભ 2 ઓક્ટોબર ગાંધીજયંતીના દિને પોરબંદર ખાતેથી થશે. પોરબંદરના ચોપાટી ખાતે સાંજે સાત થી નવ વાગ્યા દરમિયાન ટેલીસ્કોપથી ગ્રહ દર્શન અને આકાશ દર્શનનો કાર્યક્રમ તથા ગાંધીજીના ખગોળ વિષયક વિચારો અંતર્ગત ખગોળ તાલીમ આપવામાં આવશે. ખગોળ મેળામાં પબ્લિક આઉટરીચ કમિટી, એસ્ટ્રોનોમીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા, કોમ્યુનીટી સાયન્સ સેન્ટર જુનાગઢ, સ્ટાર ગેઝીંગ ઇન્ડિયા ભુજ, કોસમોસ ઓડીસી અમદાવાદ, બીગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ રાજકોટ અને પોરબંદર તારા મંદિર જેવી સંસ્થાઓ જોડાઈ છે. તેમ સ્ટાર ગેઝીંગ ઇન્ડીયાના નરેન્દ્ર ગોર દ્વારા જણાવવામાં આવ્યું છે.

3 ઓક્ટોબર થી 9 ઓક્ટોબરે નવી દિલ્હીમાં નહેરુ પ્લેનેટેરીયમ ખાતે બાપુ ખગોળ મેળા અંતર્ગત આકાશ દર્શન કરાવાશે. ત્યારબાદ આખું વર્ષ ગાંધીજીએ ભારત પ્રવાસ દરમિયાન જે સ્થળોએ મુલાકાત લીધી હતી તે સ્થળોએ બાપુ ખગોળ મેળાઓનું આયોજન કરવા માં આવશે. આ બાબતે વધુ માહિતી માટે www.neharumemorial.nic.in વેબ સાઈટ ની મુલાકાત લેવા નહેરુ પ્લેનેટેરિયમના ડાયરેક્ટર એન રત્ન દ્વારા જણાવવામાં આવેલું છે.