ગુજરાતના પાટનગર ગાંધીનગર માટે 14 ગામના ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન સરકારને આપી દીધી હતી. એ સમયે સરકારે ખાસ કોઈ વળતર પણ આપ્યું નહોતું. તે સમયે સરકારે કેટલાક વચનો ખેડૂતોને આપ્યા હતા. તે પૂરા ન થયા હોવાથી વારંવાર સરકાર પાસે માગણી કરી છે. ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ હજુ સુધી એક પણ સરકાર લાવી શકી નથી. જેના કારણે ખેડૂતોની હાલત એવી થઈ છે કે જે લારીઓ ચલાવતા થઈ ગયા છે, ખેત મજૂરી કરતા થઈ ગયા છે. હવે એમની પાસે આવકનું કોઈ સાધન રહ્યું નથી. ખેડૂતોને અન્યાય થતો હોવા છતાં પણ એમના માટે કોઈ સરકાર કે ધારાસભ્યો વિચારવા તૈયાર નથી. પાંચ વર્ષ માટે ચૂંટાઈને આવતાં ધારાસભ્યોને સાવ મફતના ભાવે આ ખેડૂતોની જમીનનો પ્લોટ આપી દેવામાં આવી છે. તેથી ખેડૂતો હવે આંદોલનનો માર્ગ અપનાવવાની તૈયારી કર્યા છે. 900 જેટલા આવા ખેડૂતો ન્યાય માટે ભટકી રહ્યાં છે. તેમની એક બેઠક જીઆઇડીસી ખાતે રાખી છે. જેમાં ખેડૂતોનું એક સંમેલન બોલાવવાનું નક્કી કરવામાં આવશે. જેમાં સરકાર તરફથી વળતર ન મળ્યુ હોય અને મેળવવાને પાત્ર હોય તેવા તમામ પૂર્વ ખેડૂતો પાસેથી પુરાવો માંગવામાં આવી રહ્યા છે. આ માટે એક સંગઠનની પણ રચના કરી છે. અસરગ્રસ્ત કિસાન વિકાસ મંડળ – લાંબા સમય સુધી સરકાર સાથે લડત ચલાવવા માટે તૈયારી કરી રહ્યું છે.