ગાંધીનગર જિલ્લા પંચાયતની કચેરી ગુજરાત વિધાનસભીની સામે આવેલી છે જ્યાં કોંગ્રેસના બે સભ્યો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટનાને લઈને કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાર પડ્યા છે. સભ્યો કેમ મારામારી પર ઉતરી આવ્યા હતા તે અંગે પ્રદેશના નેતાઓએ વિગતો એકઠી કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુર્યસિંહ ડાભી અને સામાજિક ન્યાય સમિતિના પૂર્વ કો-ઓપ્ટ સભ્ય કાળુભાઈ મહેરાયા વચ્ચે મારામારી થઈ હતી. શક્તિ યોજનાની બેઠકમાં બન્ને ભાગ લેવા માટે આવ્યા હતા. મારામારી થયા બાદ કાળુભાઈ મહેરાયા હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. આ અંગે હંમેશની જેમ રાજકીય નેતાઓએ કોઈ ફરિયાદ પોલીસને આપી નથી. પણ પક્ષ દ્વારા આ અંગે ગંભીર નોંધ લેવામાં આવી છે. સામાજિક ન્યાય સમિતિમાં સ્થાન ન મળવાના મામલે એક બીજાને લાફાં મારી લીધા હોવાનું કોંગ્રેસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કાળુભાઈ મહેરીયા ચેમ્બરમાંથી બહાર આવ્યા હતા અને ચક્કર આવતાં હોવાથી 108 એમ્યુલંસ બોલાવવામાં આવી હતી. અને નજીકમાં આવેલી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. કાળુભાઈને ન્યાય સમિતિમાં ન લેવા માટે તેઓ ડાભી પર ગુસ્સે ભરાયા હતા. પરંતુ કાળુભાઈ કોંગ્રેસમાથી સભ્ય પદેથી સસ્પેન્ડ થયેલા હોવાથી તેમને સભ્ય તરીકે લઈ શકાય તેમ નથી એવું કહેતાં તેમણે લાફો જીંકી દીધો હતો. ગાળાગાળી કરી હતી. સામ સામે ગાળો બોલવામાં આવી હતી. ઝપાઝપી થઈ હતી અને ત્રણ લોકોએ મારા મારી કરી હતી.