ગાંધીનગરમાં મેયરની ચૂંટણીમાં મારામારી

ગાંધીનગરમાં મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી સહિતનાં મુદ્દાઓ માટે સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં ભાજપ અને કોંગ્રેસનાં કોર્પોરેટર્સ વચ્ચે છૂટ્ટા હાથની મારામારીનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે એટલી ઉગ્ર બોલાચાલી થઈ કે સભામાં હાજર રહેલા કોર્પોરેટર્સ સભામાં રહેલી ખુરશીઓ ઉછાળવા લાગ્યા.

આ ઉપરાંત કોર્પોરેટર્સે સભા દરમિયાન હોબાળો મચાવીને સભા હોલની બારીઓનાં કાંચ પણ તોડી નાખ્યા હતા. તેમજ ગુસ્સામાં આવીને તેઓએ સભા સ્થળનાં માઈકો પણ તોડી દીધા હતા. કોંગી કોર્પોરેટરે ભાજપના કોર્પોરેટર તેમજ હાલના મેયર પ્રવીણ પટલે તેમને માઈક મારીને ઈજા પહોંચાડી હોવાના આરોપ લગાવ્યા છે.

મતદાન બાદ ભાજપને 16 મત જ્યારે કોંગ્રેસને 14 મત મળ્યા હતા. જ્યારે અન્ય એક મતને હાઈકોર્ટમાં બંધ કવરમાંથી ખોલવામાં આવશે. મહાનગરપાલિકામાં બીજા ટર્મના મેયર સહિત હોદ્દેદારોની ચૂંટણી પહેલા જ સભાખંડમાં યુદ્ધના દ્રશ્યો જોવા મળ્યા. કોંગ્રેસના નેતા અને બે ટર્મથી કોર્પોરેટરના પદ પર ચૂંટાતા અશ્વીન બારોટ ચૂંટણીના એક દિવસ પહેલા જ અચાનક ગુમ થઈ જતા રાજકીય ભૂકંપ આવી ગયો હતો.

કોંગ્રેસ દ્વારા તેમના કોર્પોરેટરનું ભાજપ દ્વારા જ અપહરણ કરાયુ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસે કહ્યું કે, અમારો કોર્પોરેટર અમને પરત સોંપવામાં આવે. કોંગ્રેસે ધમકી આપતા કહ્યું કે, જો અંકિત બારોટને હાજર કરવામાં નહીં આવે તો આજની સામાન્ય સભાને મોકૂફ રાખવી પડશે. આ સાથે જ કોંગ્રેસના વધુ એક કોર્પોરેટરે આત્મવિલોપનની પણ ચીમકી આપી.

રાત્રે અંકિત બારોટના પત્ની ભૂમિકાબેન સહિત પરિવારજનો કોંગ્રેસના આગેવાનો સાથે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. આ પહેલા સવારે 11 વાગ્યે અંકિતે દુર્ગેશ ગઢવીને મેસેજ કરીને જણાવ્યું હતું કે કેતન અને ગિરિશ ઉર્ફે મગન પટેલ તેને વાતચીતના બહાને તેમની સાથે મોડાસા બાજુ લઈ ગયા છે, જ્યાં તેને ગોંધીને રાખવામાં આવ્યો છે.