લેખક – કનુ યોગી
ગાંધીનગરને અડીને આવેલ બોરીજ ગામની શાળાના આચાર્ય રુબરુ મળવા આવ્યા ત્યારે તેમણે વાત કરી ‘ મારે મારી શાળાના બાળકોને તમારા વનસ્પતિ ઉદ્યાનમાં ફરવા લાવવા છે , આ બાળકોએ તેમજી જીંદગીમાં કદી કોઇ પ્રવાસ કર્યો નથી. હું આ વરસેજ નિવૃત્ત થાઉ છું , મારે તેમને ઔષધીય ઉદ્યાન બતાવવો છે…તમે કહો તો કાલે પ્રવાસ ગોઠવું….’ અમારો જવાબ હતો ‘ ચોક્કસ લાવો ‘…અને આમ ગોઠવાયો આ પ્રવાસ…
બાળકો પ્રથમ વાર કોઇ પ્રવાસમા આવ્યા હતા . તેમના ગોળ મટોળ ચહેરાઓ , નિર્દોષ અને કુતૂહલભરી આંખો , બાળ માનસમાં ઉદભવતાં અનેક્રં તરંગો , નર્યું નિર્દોષપણું , અમારે મન તો જાણે બાળૂડા રાજાઓની સવારી આવી પહોંચી હતી….. બધ્ધુંજ શિસ્તબદ્ધ અને નાની નાની આંખોમાં મોટાં સપનાઓ , મોટી દુનિયા અને કંઇક નવું જોવાની બાળસહજ ઉત્કંઠા અમને તેઓમાં દેખાતી હતી. અમે આ બાળકોને બાળ સહજ ભાષામાં વાતો કરી ત્યારે અમનેય તેઓની દુનિયામાં પ્રવેશ કરવાની તક મળી ત્યારે અમારી જાતને બડભાગી માનવાનો સંતોષ મળ્યો , જે અવર્ણનીય હતો…