અમદાવાદ, તા.16
ગાંધીજીની કાપડ વણવાના ગૃહ ઉદ્યોગ દ્વારા દેશની આઝાદી અપાવીને ગામડાઓને સ્વાવલંબી બનાવવાની યોજના હતી. જેને 100 વર્ષ પુરા થયા છે. જો ગાંધીજીની યોજના સફળ થઈ હોત તો ગુજરાતમાં આજે 30 લાખ લોકો ખાદીનું કાપડ વણતાં હોત. જેનાથી રોજ 3 કરોડ મીટર ખાદીનું કાપડ વણાતું હોત. પણ ગાંધીજીની ખાદીની યોજના ઊંધી વાળી દેવામાં આવી છે. ગુજરાતમાં આજે માત્ર 5 હજાર લોકો મીલમાં બનેલા દોરાથી ખાદીના નામે કાપડ વણીને 171 સંસ્થાને વેચે છે. ખાદી વણવાનું હવે સદંતર બંધ થઈ ગયું છે. 15 ઓગસ્ટે સ્વરાજ અને આઝાદીમાં ખાદી ઉદ્યોગની વિગતો ચોંકાવનારી છે.
આમ ગાંધીજીનું સ્વપ્ન ગુજરાતના રાજકારણીઓ અને અધિકારીઓએ રોળી નાંખ્યું છે. ગુજરાતના ખેડૂતોએ એક કરોડ કપાસની ગાંસડી પેદા કરી બતાવીને મબલખ રૂ પેદા કર્યું છે. પણ સરકારી યોજનાઓએ ખાદીનું નિકંદન કાઢી નાખ્યું છે.
શું હતું ગાંધીજીનું સ્વપ્ન?
ગાંધીજી સને 1908માં ‘હિન્દ સ્વરાજ’ પુસ્તકમાં રેંટિયાથી જ હિન્દુસ્તાનની ગરીબી મટી શકે અને આઝાદી મળી શકે તેવું લખ્યું અને માન્યું હતું. ત્યારથી તેઓ રેંટિયો શોધતા રહ્યા હતા. 10 વર્ષ પછી સને 1917-18માં રેંટિયો તેમને મળ્યો હતો. રેંટિયો તત્કાલીન ગાયકવાડ સ્ટેટના વિજાપુર નગરમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો. જેને શોધી કાઢવાનું કામ ગંગાબેન નામનાં વિધવા બહેને કર્યું હતું. બાપુ વિજાપુરની ખાદી પહેરતા હતા. વિજાપુરની ખાદીની ચોતરફ બોલબાલા વધી હતી. રેંટિયોનું કામ આશ્રમમાં હાથ ધરી મગનલાલ ગાંધીએ રેંટિયામાં સુધારા કર્યા, ને રેંટિયા તથા ત્રાકો આશ્રમમાં બન્યા. ગાંધીજી એવું માનતા કે, જે રસ્તે ભૂખમરો ભાગે તે રસ્તે જ સ્વરાજ મળે.
ગાંધીજીએ ખાદીની શોધ કરીને પોતાની આત્મકથા પૂરી કરી હતી. તેનો મતલબ કે તેમણે ભારતમાં ખાદીને આઝાદી મેળવવાની લડતનું હથિયાર માન્યું હતું. ચરખાથી તેઓ આઝાદી અપાવવા માગતા હતા. હવે એજ ખાદી સંસ્થાઓ કરોડો રૂપિયાની જમીન વેચી રહી હતી. અંદરો અંદર લડી રહી હતી.
શું છે આજે ખાદીની હાલત?
ગુજરાતની 70 ટકા ખાદી વણતી સંસ્થાઓ માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં છે. ભારતમાં 15 લાખ લોકોને ખાદી રોજગારી આપતી હોવાનું કેન્દ્ર સરકાર માને છે. 111 મીલીયન ચોરસ મીટર ખાદી દેશમાં વણાય છે.
ખાદી વણનારા કેટલાં?
ગુજરાતમાં 16,384 ખાદી તૈયાર કરતા કારીગરો સરકારના ચોપડે છે. હવે આ કારીગરો લુપ્ત થઈ રહ્યા હોય તેમ ખરેખર તો 5,000 કારીગરો જ ખાદી (મીલના દોરાથી) બનાવી રહ્યા છે. ગુજરાતમાં 11,000થી પણ વધુ લોકોને રોજગારી પણ મળી રહી નથી. સરકાર દ્વારા મળતી સહાયની રકમ યોગ્ય રીતે વપરાતી નથી.
ગુજરાતમાં 171 ખાદી સંસ્થાઓ પૈકી 20થી 30 ખાદી સંસ્થાઓ જ સાચા અર્થમાં ખાદીનું કાપડ બનાવે છે. તેમની પાસે ખાદીના કારીગરો છે. બાકીની સંસ્થાઓએ ચરખામાં તૈયાર થયેલી આંટીને હાથસાળ વડે વણીને આપવી જોઈએ.
કેટલી મજૂરી?
રૂની પૂણીમાંથી સુતરની આંટી બનાવવાની મજૂરી આંટી દીઠ રૂ. 5.5 કાંતનારને આપવામાં આવે છે. તેમાં થોડો વધારો આપવાની જરૂર છે. મજૂરી ઉપરાંત રાજ્ય સરકાર આંટી દીઠ રૂ. 3 વધારાની સહાય આપે છે. હાથસાળ પર કાપડ વણનારાને મીટરદીઠ રૂ. 20ની મજૂરી મળે છે. વણાટ પર સરકાર એક મીટરે રૂ. 6 આપે છે. ખાદી વણનારાઓના ખોટા બેંક ખાતામાં ખાદીના નામે રૂપિયા જમા થઈ રહ્યા છે.
ચરખામાં આંટી કાંતનારી વ્યક્તિ એક દિવસમાં સરેરાશ 30 આંટી કાંતી શકે છે. જે હિસાબે ચરખો કાંતી રૂ. 255 મજૂરી મેળવી શકે તેમ છે. એક વ્યક્તિ દિવસમાં સરેરાશ 10 મીટર કાપડ વણે છે. આમ બેરોજગારી દૂર કરવાનું આ શ્રેષ્ઠ સાધન છે. પણ લોકોને પૂરતું વળતર આપવાની ખાદી સંસ્થાઓની ફરજ છે. ગાંધીજીએ ગામડાઓનું અર્થતંત્ર કાપડ વણીને મજબૂત કરવાનું હતું તે હજુ પણ શક્ય છે. હવે કુદરતી કાપડની ભારે માગ ઊભી થઈ રહી છે.
રૂની પૂણીની પોલ
ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન(K.V.I.S.)ના મધ્યપ્રદેશના પ્લાન્ટમાં કપાસમાંથી તૈયાર થયેલી રૂની પૂણી ગુજરાતમાં ખાદી બોર્ડના સુરેન્દ્રનગરના સંગ્રહાલયમાં મોકલાવે છે. ખાદી મંડળીએ તેના 20 ટકા આપવાના રહે છે. ખાદીનું વેચાણ થયા બાદ બાકીની 80 ટકા રકમ આપવાની રહે છે. કારીગરો, ચરખાઓ અને હાથસાળ કાગળ પર જ છે. પૂણી તો મીલમાં આપી દેવામાં આવે છે. સબસીડી અને રિબેટ અંગે ગુજરાત સરકારે તેમાં તપાસ કરી નથી. 200થી 300 રૂપિયે ખરીદાતી પૂણી લેતી હોય એવી 20થી 30 સંસ્થાઓ જ છે. બાકીની ખાનગી પેઢી જેવી 171 સંસ્થાઓ મીલનું કાપડ ખાદી તરીકે વેચે છે. હવે ભૂતીયા કારીગરો રાખે છે.
5 મહિનાનું કામ 15 દિવસમાં કરીને ગાંધીને નામે કૌભાંડ કર્યું
ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં ગણવેશ માટે ખાદીની ખરીદી કરવા માટે 34 સંસ્થાઓને રૂ. 2.48 કરોડનો 1.50 લાખ મીટર ખાદીનું કાપડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગ અને ખાદી બોર્ડે 16 ઓગસ્ટ 2018માં કામ આપ્યું અને 15 દિવસમાં તમામ કાપડ સરકારે વણીને આપી દીધું હતું. જે ખરેખર હાથથી વણતા 5થી 6 મહિલા ગુજરાતના તમામ કારીગર કામ કરે તો થાય તેમ હતું. મિલનું પોલી વસ્ત્ર સરકારને ઊંચા ભાવે આપવામાં આવ્યું હોવાનો આરોપ પણ છે. હાથથી કાપડ વણીને શર્ટનું કાપડ એક મિટરના રૂ. 184 અને ચડ્ડી માટે રૂ. 200 એક મિટરના ગુજરાત સરકારે ચૂકવેલા હતા. જે ખરેખર મીલનું કાપડ રૂ.30થી 60માં મીટરે મળી શકે છે. ખાદીના નામે ઊંચા ભાવ આપવામાં આવ્યા હતા. જો ગુજરાત પાસે 20 હજાર કારીગરો ખાદી વણનાર હોત તો આવું ન કરવું પડત. ખાદીના નામે મીલનું કાપડ આપવામાં આવી રહ્યું છે. ગાંધીજીના નામે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે.