ગુજરાતનાં ખેડૂતોની દેવામાફીની માગણી સાથે ફરી એકવાર પાટીદાર યુવા નેતા અને પાસનાં કન્વીનર હાર્દિક પટેલે પોતાનું આંદોલન શરૂ કર્યું છે. હાર્દિકે પોતાનું આ આંદોલન પ્રતિક ઉપવાસ સાથે શરૂ કર્યું છે. હાર્દિકે આજે એટલે કે ગાંધી જયંતિનાં દિવસથી મોરબીનાં બગથળામાં પ્રતિક ઉપવાસની સાથે પોતાનાં આંદોલનને પૂનઃ શરૂ કર્યું છે. હાર્દિક આ વખતે ત્રણ મુખ્ય માંગણીઓ સાથે આંદોલન કરી રહ્યો છે. જેમાં ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, પાટીદાર સમાજને અનામત આપવામાં આવે અને રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવેલા પાસના કન્વિનર અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરવામાં આવે એવી માંગણીઓ મુખ્યત્વે છે.
મોરબીનાં બગથળા ગામથી હાર્દિકે સવારે 10 વાગ્યાથી પોતાનાં આંદોલનનાં મંડાણ કર્યાં છે. એ પહેલાં તેણે ટ્વિટ દ્વારા કહ્યું કે સમાજમાં ફેલાયેલી ઘૃણા, હિંસા અને સાંપ્રદાયિકતાથી દેશને બચાવવાનું એકમાત્ર હથિયાર સત્ય અને અહિંસા છે. હું પૂજ્ય બાપુના ચિંધ્યા માર્ગે ચાલવાનો પ્રયાસ કરીશ. સત્ય અને અહિંસાની લડાઈથી લોકોના મૌલિક અધિકારોની વાત કરીશ.
મોરબી ખાતે હાર્દિક પ્રતિક ઉપવાસ કરવાનો હોવાનાં કારણે તેનાં સમર્થનમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત કગથરા, ભૂતપૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા પણ ઉપસ્થિત રહ્યાં છે.
હાર્દિકનાં આ પ્રતિક ઉપવાસ સવારે 10થી સાંજનાં પાંચ વાગ્યા સુધી ચાલવાનાં છે. અને સાંજે ઉપવાસ પૂર્ણ થયાં બાદ તે જનસભાને પણ સંબોધશે અને પોતાની માંગણીને વધુ બૂલંદ બનાવવા લોક સહયોગની અપીલ પણ કરશે. સાથેસાથે સરકારની વિરૂદ્ધમાં પણ નિવેદન કરે એવી શક્યતાઓ હાલનાં સંજોગોમાં નકારી શકાય નહિ.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ દ્વારા અગાઉ 25મી ઓગસ્ટથી ખેડૂતોનાં દેવા માફી તેમ જ પાટીદારોને અનામત આપવાનાં મામલે આમરણાંત ઉપવાસની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ 19 દિવસ દરમિયાન તેની તબિયત લથડતાં પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓનાં અગ્રણીઓની અપીલને ધ્યાનમાં રાખીને તેણે પોતાનાં આમરણાંત ઉપવાસનો અંત આણ્યો હતો અને ત્યારબાદ તે બેંગલુરૂસ્થિત જિંદાલ નેચરક્યોર ઈન્સ્ટિટ્યૂટમાં સારવાર માટે ગયો હતો અને ત્યાંથી તેણે પોતે બીજી ઓક્ટોબરથી રાજ્યભરમાં પોતાની માંગણીઓને લઈને પ્રતિક ઉપવાસ કરશે એવી જાહેરાત કરી હતી.