ગામડામાં નોકરીના બોન્ડનો ભંગ કરનાર 1490 તબિબોના 21.85 કરોડની વસૂલાત

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા સરકારી મેડિકલ કોલેજોમાંથી ઈંટર્નશિપ પૂર્ણ કરી MBBS પાસ થઈને ગ્રામીણ વિસ્તારોમાં સેવા બજાવવાના બોન્ડનો ભંગ કરનારા 1490 બોન્ડેડ ઉમેદવારો પાસેથી રૂપિયા 21,85,25,000 ની વસૂલાત કરવામાં આવી હોવાનું નાયબ મુખ્યમંત્રીએ લેખિતમાં જણાવ્યુ છે.

કોંગ્રેસના ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન સવાલ ઉઠાવ્યો હતો કે, રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજોમાંથી ઈંટર્નશિપ પૂર્ણ કરીને એમબીબીએસ પાસ થયેલા બોન્ડેડ ઉમેદવારો ગ્રામ્ય વિસ્તારોમાં સેવા બજાવવા હાજર થતાં નથી તે હકીકત સાચી છે કે કેમ? જો હા તો તા. 31-05-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં શું કાર્યવાહી કરી છે?

જેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ લેખિતમાં જણાવ્યુ છે કે એમબીબીએસ પાસ થયેલા બોન્ડેડ ઉમેદવારો પૈકીનાં કેટલાક ઉમેદવારો હાજર થાય છે. પરંતુ ઘણા ઉમેદવારો ગ્રામ્ય વિસ્તારોમાં સેવા બજાવવા જતાં નથી. આવા બોન્ડેડ ઉમેદવારો પાસેથી બોન્ડની રિકવરીની કાર્યવાહી કરવામાં આવે છે. જેના અંતર્ગત છેલ્લાં બે વર્ષ દરમિયાન કુલ 1490 બોન્ડેડ ઉમેદવારો પાસેથી રૂપિયા 21,85,25,000ની વસૂલાત કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.

રાજ્ય સરકારની બોન્ડ નિષ્ફળ 

રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં લોકોને આરોગ્યની પ્રાથમિક અને જરૂરી સેવાઓ મળી રહે તે માટે થોડા વર્ષો અગાઉ બોન્ડ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. આ બોન્ડ સિસ્ટમમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે, જે કોઈ મેડિકલ કોલેજમાંથી તબીબ બહાર નીકળે તેણે બે લાખ રૂપિયાનો બોન્ડ કરવાનો હતો. આ બોન્ડની જોગવાઈ મુજબ ફરજિયાત બે વર્ષ સુધી ગ્રામીણ વિસ્તારોમાં એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કે સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપવાની રહેશે. જો આમ નહીં કરે તો તેની પાસેથી બે લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવશે. જો કે આ બોન્ડ સિસ્ટમ સરેઆમ નિષ્ફળ રહી હતી.