ગામે ગામ મગફળી કૌભાંડ નિકળી રહ્યાં છે, હવે કુતિયાણા આવ્યું

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના રોધડા ગામે મંડળી દ્વારા ખરીદી કરાયેલ મગફળીમાં ગેરરીતિ થયાનું અને ખરીદીમાં પણ ખેડુતો પાસેથી કમીશન રૂપે રૂપિયા ઉઘરાવ્યાની ફરીયાદ રોધડાના ખેડુતે આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને કરવામાં આવી છે. તેઓ પોતાની ફરીયાદમાં મંડળી દ્વારા ખરીદીમાં ગેરરીતિમાં બીજાના ૭-૧૨ના દાખલા ઉપર બીજાની મગફળી લીધાનું અને તેમાં ભ્રષ્ટાચાર કર્યાનું જણાવી મંડળીની ખરીદી સામે તપાસ કરવાની માંગણી તેઓએ કરી એસપીને ફરિયાદની નકલ મોકલી હોવાનું જણાવેલ હતું.

જેતપુરના પેઢલા ગામે મગફળીમાં માટી ભેળવી દેવાનું કૈાભાંડ બહાર આવતા સમગ્ર રાજયમાં ખળભળાટ વ્યાપી ગયો છે. તેવા જ સમયે કુતિયાણા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી છે તેમાં પણ કૌભાંડ થયું છે તેવા આક્ષેપો કોંગ્રેસે કર્યા હતા અને આ ખરીદીની તપાસ કરવાની પણ માંગ કરી હતી.

રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી હતી પરંતુ ગોંડલના મગફળી આગ કાંડ ત્યારબાદ બારદાન સળગાવી દેવાનું કાંડ અને તે પછી જેતપુરના પેઢલા ગામે મગફળીમાં માટી ભેળવી દેવાનું કૈાભાંડ બહાર આવ્યુ છે. આ કૌભાંડો હજુ ચર્ચામાં છે ત્યારે પોરબંદર કુતિયાણા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કુતિયાણા તાલુકાના મગફળી કૈાભાંડને લઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમાં કોંગ્રેસના આગેવાનોએ એવો આક્ષોપો કર્યો હતો કે, જે તે સમયે રોઘડા સેવા સહકારી મંડળીની જે સેન્ટર ફાળવવામાં આવ્યું હતું ત્યાં ખાંડી મગફળી દીઠ રૂપિયા ૧ હજાર ખેડુતો પાસેથી ઉઘરાવવામાં આવતા હતા. આ ઉઘરાણાના સોગંદનામા પણ ખેડુતો પાસે તૈયાર છે. અને આ સંસ્થાઓએ જુનાગઢની નબળી મગફળી રુપિયા ૭ હજારમાં ખરીદી કરી  તેમાં માટીની મીલાવણ કરી સરકારને ૧૭ હજારમાં વેચી મોટી ગોલમાલ કરી છે. આવેદનપત્રમાં એવા પણ આક્ષોપો કરવામાં આવ્યા છે કે, કોટડા, રોઘડા અને થેપડા આ ત્રણ સેન્ટરો ખાતે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જેમાં બે સંસ્થાઓ આર્થિક ક્ષામતા ન હોવાં છતાં કરોડો રુપિયાની ખરીદી કરી અને કૈાભાંડ કર્યું છે અને રોઘડા મંડળીના પ્રમુખ ભાજપના હોદેદાર છે. આથી તેમણે એપીએમસીના પ્રમુખ સાથે મળી ભાગબટાઈ કરી મોટું કૌભાંડ આચર્યું છે. કુતિયાણા તાલુકામાં જે મગફળીની ખરીદી કરવામાં આવી છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, આ અંગે ફરીયાદો કરવાં છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે મગફળી ખરીદીના કૈાભાંડની તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કોંગ્રેસના આગેવાનોએ કરી હતી..