સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખતરો તેમજ રસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાક ના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે.
સજીવ ખેતીની પેદાશો પોશણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં વધુ ખનીજ, વિટામીન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે.
પંચગવ્ય એ પ્રવાહી સન્દ્રિય ખાતર છે જે સજીવ ખેતી અને રાસાયણીક ખેતીમાં ઉપયોગી છે. એ છોડની વૃધ્ધિ વધારવામાં અને પ્રતિરક્ષા કરવામાં મદદરૂપ થાય છે. પંચગવ્ય પાંચ વસ્તુઓ જેવીકે, ગાયનું છાણ, ગાયનું મૂત્ર, દૂધ, દહીં અને ઘી માંથી તૈયાર કરવામાં આવે છે. આ પાંચ ચીજોને યોગ્ય રીતે મિશ્ર કરી છોડ પર ઉપયોગ કરવામાં આવે તો આશ્ચર્યકારક પરિણામ આપે છે. પંચગવ્ય માટીનાં વાસણ, સિમેન્ટ કે પ્લાસ્ટિક ની ટાંકીમાં બનાવી શકાય છે.
બનાવવાની રીત
સૌ પ્રથમ ગાયનું છાણ– ૭ કિગ્રા અને ગાયનું ઘી- ૧ કિ.ગ્રા. ને ચોખ્ખા વાસણમાં મિશ્ર કરવું. આ મિશ્રણને ત્રણ દિવસ સુધી સવારે અને સાંજે નિયમિત રીતે હલાવતા રહેવું.
ત્રણ દિવસ પછી, ગાયનો પેશાબ (ગૌમૂત્ર)-૧૦ લિટર અને ચોખ્ખું પાણી-૧૦ લિટર તૈયાર કરેલ મિશ્રણમાં ઉમેરવું. આ રીતે તૈયાર થયેલા મિશ્રણને પંદર દિવસ સુધી નિયમિત રીતે સવારે અને સાંજે હલાવતા રહેવું .
પંદર દિવસ પછી, ગાયનું દૂધ ૩ લિટર, ગાયની છાશ ર લિટર, નાળિયેરનું પાણી ૩ લિટર, ગોળ ૩ કિગ્રા અને સારી રીતે પાકેલા કેળા ૧૨ નંગને ઉપરોકત મિશ્રણમાં મિશ્ર કરી સારી રીતે હલાવી મિશ્રણ તૈયાર કરવું.
પંચગવ્ય બનાવવા માટે રાખવી પડતી કાળજીઓ
પંચગવ્ય ખુલ્લા મોઢાવાળા માટીનાં વાસણ અથવા સિમેન્ટની ટાંકી અથવા પ્લાસ્ટિકનાં બેરલમાં પણ બનાવી શકાય છે.
પંચગવ્ય વાળા વાસણને હંમેશા છાંયડામાં રાખવું. • તૈયાર કરેલ મિશ્રણ નિયમિત રીતે સવારે અને સાંજે હલાવવું.
મિશ્રણમાં ભેંસનાં છાંણનો કે ભેંસનાં પેશાબનો ઉપયોગ કરવો નહી. • આ વાસણને કાપડથી ઢાંકેલું રાખવું.
વાપરવાની રીત
પંચગવ્યને જરૂરીયાત મુજબ જુદી-જુદી રીતે પાકને આપી શકાય છે.
૧. છંટકાવ પધ્ધતિ દ્વારાઃ પંચગવ્યનું ૩ ટકાનું દ્રાવણ દરેક પાકોમાં છાંટી શકાય છે. ૩૦૦ મિ.લી. પંચગવ્યના દ્રાવણને ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી, બરાબર હલાવી ૩ ટકા નું દ્રાવણ બનાવી શકાય છે.
ર. રેલાવીને (ફલો સિસ્ટમ દ્વારા): પંચગવ્ય નું પ૦ લિટરનું દ્રાવણ પ્રતિ હેકટરે સુક્ષ્મ પિયત પધ્ધતિથી અથવા રેલાવીને પિયત આપવાનાં પાણી સાથે આપી શકાય.
૩. બીજ/ધરૂને માવજત આપવીઃ બીજ અથવા ધરૂ ને રોપતાં પહેલા પંચગવ્યનાં ૩ ટકાનાં દ્રાવણમાં ૧૫-૨૦ મિનિટ સુધી બોળીને રોપી શકાય. આદુ, હળદર, કંદ વગેરેની ગાંઠોને અને શેરડીની આંખનાં ટૂકડાને રોપતાં પહેલાં ૩૦ મિનિટ પંચગવ્યનાં દ્રાવણામાં બોળીને રોપવા.
ખેડુતમિત્રો, તમે પણ તમારી ખેતીમાં પંચગવ્ય અપનાવીને કુદરતી ખેતીનો ફાયદો જુઓ. આ રીત શેર પણ કરજો.