ગાય અને ભેંસમાં આફરો ચઢ્યો હોય તો તેલ કે મીઠુ આપવું

ગાય અને ભેંસમાં થતા સામાન્ય રોગો અને તેના ઉપચારો.

આફરો

પ્રથમ આમાશય તથા બીજા આમાશય ખોરાકમાં કિણવન થતા પેદા થયેલ વાયુનો ભરાવો થઈ આમાશયને ફુલાવે છે. જેને આફરો કહેવામાં આવે છે.

લક્ષણો : પ્રાથમિક રીતે આફરો એકાએક થાય છે કે જાનવર ચરીને આવ્યા બાદ અથવા લીલોચારો ખાધા બાદ થોડીવારમાં આફરો ચડે છે. ડાબુ પડખું અથવા પેટનો આખો ભાગ ફુલેલો જણાય છે. જાનવર એકદમ બેચેન બની જાય છે. અવાર-નવાર ઉઠબેઠ કરે છે અગરતો પાછલા ભાગથી પેટ પર લાત મારવાનો પ્રયત્ન કરે છે. શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. તેથી મો ખુલ્લુ રાખી શ્વાસ લે છે. શ્વાસોશ્વાસની ગતિ ઘણી જ વધારે હોય છે. અનેકવાર જીભ બહાર નીકળી જાય છે. પેટના ભાગ પર આગળી પટકાવવાથી ઢોલ ઉપર હાથ પછાડીએ ત્યારે જેવો અવાજ આવે તેવો અવાજ આવે છે. જયારે પેટનો ફેલાવો ખૂબ વધી જાય છે ત્યારે શ્વાસોશ્વાસની ગતિ ધીમી થાય છે અને થોડીવારમાં જાનવરનું મૃત્યુ થાય છે.

મંદ રૂપમાં આફરો ચડે છે ત્યારે ઉપર જણાવેલ ઉગ્ર ચિન્હો જોવામાં આવતા નથી. સામાન્ય રીતે આવા કિસ્સામાં થોડા પ્રમાણમાં આફરો ચડે છે. જે આગળ જણાવ્યા પ્રમાણેના કોઈપણ ગૌણ કારણથી હોય છે. નાના વાછરડામાં અપાચ્ય ખોરાક લાંબો સમય લેવાથી મંદિરૂપમાં આફરો ચડે છે. કયારેક થાયમસ ગ્રંથી ક્ષિણ ન થતાં તે કાયમ રહે છે. જેનાથી અનનળી પર દબાણ આવવાથી આફરો ચડે છે.

સારવારના ઉપાય :

જાનવર ગંભીર હાલતમાં હોય તો ડાબા પડખામાં ટ્રોકર કેન્યુલાથી કાણુ પાડી ટ્રોકર ખેંચી લઈ કેન્યુલા ધ્વારા વાયુ બહાર કાઢી નાખવાથી જાનવરને આરામ મળે છે. ટ્રોકર કેન્યુલાની સગવડતા ન હોય તો છરી વડે કાણું પાડી પપૈયાના પાનની ભુગળીનો ઉપયોગ કરી શકાય છે. જયારે પ્રથમ અને દ્વિતિય આમાશય તો વાયુ ફીણ અને પરપોટામાં ભરાયેલ હોય ત્યારે થોડો વાયુ નીકળ્યા બાદ ખોરાક બહાર નીકળવા લાગે છે. જે કેન્યુલામાં ભરાય છે.

અન્નનળીમાં અવરોધ હોય તો જઠર નલીકાનો ઉપયોગ કરવો.

માઉથ ગેગ મોઢામા રાખવો, માઉથ ગેગ ન હોય તો લાકડાનો ટૂકડો મોઢામાં રાખવો.

અડધાથી એક કિલોગ્રામ મીઠું તેલ પાવું. તેલમાં ૨૦ થી ૩૦ મીલી ટર્પેન્ટાઈન તેલ નાખવામાં આવે છે. પરંતુ દાહક હોવાથી વારંવાર ઉપયોગ કરવો નહી. એકલું તેલ પણ ફાયદાકારક છે. કારણ કે તેનાથી ફીણ અને પરપોટાનો નાશ થાય છે.

વિલાયતી મીઠું ૪૦૦ થી ૫૦૦ ગ્રામ પાણીમાં ઓગાળીને પાવું જેથી જુલાબ થશે.

અત્યારના સમયમાં બ્લોટોસીલ જેવી દવાઓ વપરાય છે જે પીવડાવવાથી ફીણ અને પરપોટાનો નાશ થતાં ત્યાં ભરાયેલો વાયું છુટો પડી જાય છે.

ઘાસચારા તથા ખોરાકનો યોગ્ય ફેરફાર કરવો. જે ગોચરમાં ચરવાથી આફરો ચડતો હોય ત્યાં જનાવરને ચરવા ન દેવા અને આહારમાં પ્રોટીન સાથે રેસાવાળો ચારો યોગ્ય પ્રમાણમાં મળી રહે તેની કાળજી રાખવી.