ગુજરાતનાં ગૌરવ સમાન ગીરનાં 23 એશિયાટિક સિંહોનાં થયેલાં ટપોટપ મોત બાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને વન વિભાગને સિંહોનાં જતન માટે જારી કરેલી ગાઈડલાઈન બાદ પણ રાજ્યનું વન વિભાગ હમ નહિ સુધરેંગેની નીતિ પર ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. હાઈકોર્ટે સિંહોનાં જતન માટે જે ગાઈડલાઈન બહાર પાડી છે તેમ છતાં આજે પણ ગીરનાં જંગલોમાં ગેરકાયદેસર રીતે લાયન શો યોજવામાં આવી રહ્યાં છે. આ પ્રકારનાં ગેરકાયદેસર લાયન શોનો વધુ એક વીડિયો વાઈરલ થતાં રાજ્ય સરકાર ચોંકી ઉઠ્યું છે સાથોસાથ પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષની લાગણી પ્રવર્તી છે.
સિંહોના મોત બાદ હજી પણ લાયન શોની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે લાયન શોનો વધુ એક વીડિયો વાઈરલ થવા પામ્યો છે. જેમાં ખુરશી પર બેઠેલી એક વ્યક્તિ સિંહણને લલચાવતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. ભક્તાની નામે ઓળખાતી સિંહણને લલચાવવાનો વીડિયો વાઈરલ થતાં વન વિભાગ સામે અનેક સવાલો ઉઠ્યાં છે. આ પેહલાં પણ બે વાર આવા વીડિયો બહાર આવ્યા હતા. ત્યારે ત્રીજો વીડિયો વાઈરલ થયો હતો જે ગીર ગઢડાના જંગલનો હોવાનું અનુમાન છે. આ.પહેલા 7 આરોપી ઝડપાયા હતા. પરંતું તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
તો બીજી તરફ અમરેલી જિલ્લામાં સિંહોમાં અજાણી બિમારીનો સિલસિલો યથાવત છે. હવે ધાતવડી નદીના કાંઠે એક પાંચ વર્ષનો સિંહ બિહાર હાલતમાં મળી આવ્યો હતો. જેના કારણે વન વિભાગે સિંહનુ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગે ટ્રાનજ્યુકેશન ઈન્જેક્શન આપીને સિંહને બેભાન કર્યો હતો. ત્યાર બાદ સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગીરનાં પૂર્વ વિભાગમાં આવેલી દલખાણિયા રેન્જમાં સપ્ટેમ્બર મહિનામાં એક પછી એક 23 સિંહોનાં થયેલાં મોત બાદ તેમનાં સેમ્પલની ચકાસણીમાં મોટાભાગનાં સિંહોમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ હોવાનું માલૂમ પડ્યું હતું. અને આ વાઈરસ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અમેરિકાથી ખાસ વેક્સિન મંગાવીને ગીરનાં સિંહો તેમ જ આ જંગલોમાં વસતાં અન્ય પ્રાણીઓમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. આ રસીકરણ બાદ પણ વધુ એક સિંહ બિમાર હાલતમાં મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. ત્યારે સિંહો પર બેઠેલી માઠી દશા ક્યારે દૂર થશે એ એક યક્ષ પ્રશ્ન અત્યારે ભારે ચર્ચાનો વિષય બન્યો છે.