ગીર જંગલનાં પૂર્વ વિસ્તારમાં આવેલાં દલખાણિયા રેન્જમાં એક પછી એક એમ કુલ 23 સિંહોનાં થયેલાં મોત મામલે ભારે હંગામો મચેલો છે. એક બાજુ રાજ્યનાં વન વિભાગ દ્વારા સિંહોની કાળજી બાબતે ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે સાથે સિંહોનાં થયેલાં મોતને પહેલાં ઈનફાઈટમાં ખપાવી દઈને વન અધિકારીઓ અને કર્મચારીઓને છાવરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સિંહોનાં થઈ રહેલાં મોત અંગે દેશની સર્વોચ્ચ અદાલત તેમ જ રાજ્યની હાઈકોર્ટે પણ ગંભીર નોંધ લઈને રાજ્ય સરકારની આકરી ટીકા કરીને સિંહોનાં જતન માટે કેવા પ્રકારનાં પગલાં લીધાં છે તેની વિગતો રજૂ કરવા માટે નોટિસ પાઠવી છે.
ગુજરાતનાં ગૌરવ સમાન સિંહોનાં થઈ રહેલાં મોતથી સિંહ પ્રેમીઓ તેમ જ ગુજરાતનાં લોકોમાં પણ રોષ ભભૂકી ઊઠ્યો છે. કેમ કે, એશિયાટિક સિંહ માત્ર ગુજરાતનાં ગીરમાં જ જોવા મળે છે ત્યારે આવા દૂર્લભ એવા સાવજની સાચવણીમાં વન વિભાગ અને રાજ્ય સરકાર ઉણી ઉતરી છે. ગીરનાં જંગલોમાં છેલ્લાં કેટલાંક સમયથી સાવજની ડણક ઓછી થઈ રહી છે. છેલ્લાં એક મહિનાનાં ટૂંકા ગાળામાં જ 23 જેટલાં ડાલામથ્થાનાં મોત થતાં પર્યાવરણવિદ્દો અને પ્રાણી વિદ્દો ચિંતિત થઈ ગયાં છે. અને સરકારને આ સિંહોનાં થઈ રહેલાં મોતનું ચોક્કસ કારણ શોધીને પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાતનાં ઘરેણાં સમાન સિંહોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તમામ કોમનાં લોકો ભેગા થઈને સર્વધર્મ પ્રાર્થના પણ યોજવામાં આવી હતી, પરંતુ સ્થાનિક વન વિભાગે આ કાર્યક્રમને મંજૂરી ન આપતાં પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
છેલ્લા એક માસ દરમિયાન ગીર પૂવઁ વિસ્તારમા 23 સિહોના મૃત્યુ થયેલા છે.આ સિંહોને શ્ર્ધ્ધાંજલી આપવા માટે તેમજ બચી ગયેલા સિહોની સુરક્ષા માટે તેમ જ વનવિભાગને સદ્બુદ્ધિ સાથે શકિત આપે તેવા ઉદેશથી એશિયાટિક સિંહોની જન્મભૂમિ એવા સાસણ ગીર ખાતે પર્યાવરણ બચાવ સમિતિના નેજા હેઠળ સર્વ ધર્મની ધાર્મિક વિધિ સાથે કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. જેની સ્થાનિક વનવિભાગને જાણ થતા આ કાર્યક્રમની મંજૂરી ના આપતાં સિહપ્રેમઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને થોડા સમય સિંહ પ્રેમીઓ અને વનવિભાગ વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યનાં વનમંત્રી દ્વારા પણ શનિવારે જે રેન્જમાં સિંહોનાં મોત થયાં છે તે સ્થળની મુલાકાત લઈને માત્રને માત્ર વન વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓનાં કામની પ્રશંસાનાં પૂલ જ બાંધ્યા હતાં. આપને જણાવી દઈએ કે, છેલ્લા બે વર્ષમાં ગીરમાં 184 સિંહો મૃત્યુ પામ્યા છે. 184 સિંહોના મૃત્યુમાંથી 32 સિંહોના મૃત્યુ અકુદરતી રીતે થયા છે. ગુજરાત વિધાનસભામાં પણ પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સિંહોના અકુદરતી મૃત્યુનો સ્વીકાર કર્યો છે. 2015માં થયેલી સિંહોની ગણતરી મુજબ, ગીરમાં કુલ 523 સિંહો છે. એશિયાટીક સિંહો માત્ર ગીર માં જ જોવા મળે છે. ગીર જંગલમાં ખલેલ વધવા સહિત અનેક કારણોસર સિંહો અભ્યારણ્યમાંથી બહાર જઇ રહ્યા છે. 2015માં થેયલી સિંહોની ગણતરી મુજબ, ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં 523 સિંહો વસે છે.