ગીર સોમનાથમાં મગફળી ખરીદીમાં ખેડૂતોના નાણાં ખોટા એકાઉન્ટમાં થયા જમા

સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી સરકારે શરૂ કરી ત્યારથી કોઈને કોઈ કારણોસર ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે. ટેકાના ભાવે ખેડૂતોએ વેચેલી મગફળીના નાણાં ખોટા એકાઉન્ટમાં જતા ખેડૂત પરેશાન થયા છે. RTGSથી ટ્રાન્ફર થયેલા રૂપિયા ખોટા એકાઉન્ટમાં આવતા ખેડૂતો સહિત બેન્કો પણ મુશ્કેલીમાં મૂકાઈ છે.
ટેકાના ભાવે મગફળીની ખરીદી બાદ નવો વિવાદ સર્જાયો છે. ગીર સોમનાથ જિલ્લાના દેવળી ગામના ખેડૂતોએ 15 નવેમ્બરનાં રોજ સરકારને ટેકાના ભાવે મગફળી વેચીને 15 દિવસથી વધુ સમય વીત્યા બાદ ખેડૂતોએ રૂપિયા માટે બેન્કોમાં તપાસ કરી. અનેકવાર બેન્કોના આંટાફેરા કર્યા બાદ ચોંકાવનારી બાબત સામે આવી.
પોતાની મગફળી ટેકાના ભાવે સરકારને આપ્યા બાદ 20 દિવસે ખાતામાં રકમ જમા થઈ હોવાની જાણ થતા ખેડૂતો બેન્કમાં ગયા તો જાણવા મળ્યું કે, તમારા એકાઉન્ટ નંબર ખોટા હોવાના કારણે જે-તે રકમ તમારા એકાઉન્ટમાં જમા થઈ નથી. સરકારી તંત્રની લાપરવાહીના કારણે ખેડૂતોએ ભોગવવાંનો વારો આવ્યો છે. જો કે ખેડૂતોએ બેન્ક અકાઉન્ટ નંબર સાચા આપ્યા હોવાનો દાવો કરી રહ્યા છે.