આ વાત ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૫ ની છે. ભારત – પાકિસ્તાનનું યુદ્ધ ચરમ પર હતું. યુદ્ધના કારણે રાજ્યમાં કોમી તણાવની પરિસ્થિતિ પણ ઉભી થઇ રહી હતી. બળવંતરાય મહેતાએ નક્કી કર્યું કે તેઓ દ્વારકા માટે મીઠાપુર રેલી માટે જશે.
દ્વારકાથી કરાંચી વચ્ચેનું અંતર માત્ર ૩૫૦ કિલોમીટર છે. આ યુદ્ધનો સમય હતો અને વિમાનમાં મુસાફરી કરીને સરહદની આટલી નજીક જવું જોખમી સાબિત થઇ શકતું હતું.
બપોરે ખાવાનું ખાઈને બળવંતરાય મહેતા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. ત્યાં એક બ્રીચક્રાફ્ટ વિમાન તેમની રાહ જોઈ રહ્યું હતું. આ વિમાનના પાયલોટ હતાં જહાંગીર જંગુ. અહીંથી દ્વારકાનું અંતર હતું ૪૪૧ કિલોમીટર. વિમાને ઉડાન ભરી અને દ્વારકા તરફ જવા નિકળ્યું.
તો લગભગ સાડા ત્રણ વાગ્યે કરાંચીની પાસે જ બનેલા મેરીપુર એરબેઝ પર એક પાયલોટ પોતાની ઉડાનની તૈયારી કરી રહ્યો હતો. તેણે હજુ ચાર મહિના અગાઉ જ અમેરિકાથી એફ ૮૬ વિમાન ઉડાડવાની ટ્રેનિંગ લીધી હતી.
તેને કહેવામાં આવ્યું હતું કે ભુજ પાસે ઉડી રહેલા એક વિમાનની જાણકારી લઇ આવે. આ પાયલોટનું નામ હતું ફ્લાઈંગ ઓફિસર કૈસ મઝહર હુસૈન.
બીબીસીને આપેલા એક ઈન્ટરવ્યુંમાં કૈસ યાદ કરતાં જણાવે છે કે,
”સ્ક્રેમ્બલનું સાયરન વાગ્યું તેની ત્રણ મિનીટ બાદ મે વિમાન શરુ કર્યું. મારા બદીન રડાર સ્ટેશને મને સલાહ આપવામાં આવી કે હું વીસ હજાર ફૂટની ઊંચાઈ પર ઉડું. મે આ ઊંચાઈ પર ભારતની સરહદ ક્રોસ કરી.
ત્રણ ચાર મિનીટ બાદ તેમણે મને નીચે આવવા માટે કહ્યું. ત્રણ હજાર ફૂટની ઊંચાઈ પર મને આ ભારતીય વિમાન જોવા મળ્યું જે ભુજની તરફ જઈ રહ્યું હતું. મે તેને મીઠાલી ગામની ઉપર ઇન્ટરસેપ્ટ કર્યું.
જયારે મે જોયું કે આ સિવિલિયન વિમાન છે તો મે તેના પર છૂટતા જ ફાયરીંગ શરુ ના કર્યું. મે મારા કંટ્રોલરને રિપોર્ટ કરતાં કહ્યું કે આ બિનલશ્કરી વિમાન છે.
હું તે વિમાનની નજીક ગયો, હું તેનો નંબર પણ વાંચી શકતો હતો. મે કંટ્રોલરને જણાવ્યું કે તેના પર વિક્ટર ટેન્ગો લખેલું છે. આ આઠ સીટર વિમાન છે. જણાવો આનું શું કરવું છે ?
તેમણે કહ્યું કે તમે ત્યાં જ રહ્યો અને અમારા આદેશની રાહ જોવો. રાહ જોતા જોતા ત્રણ ચાર મિનીટ જતી રહી. હું ઘણો નીચે ઉડી રહ્યો હતો એટલે મને ચિંતા થઇ રહી હતી કે પરત જતી વખતે મારું ઇંધણ ખત્મ ના થઇ જાય પરંતુ ત્યારે જ મારા પર આદેશ આવ્યો કે તમે આ જહાજને શૂટ કરી દો.”
કૈસ દુવિધામાં હતો. તેને ખબર હતી કે આ બિનલશ્કરી વિમાન છે. તે આ વિશે ઘણા નિશ્ચિંત નહોતા કે આ વિમાન સરહદ પર પાકિસ્તાની ક્ષેત્રની જાણકારી લઇ રહ્યું છે કે નહીં.
જયારે મે તે જહાજને ઇન્ટરસેપ્ટ કર્યું તો તેણે પોતાના પાંખિયા ફેરવવાના શરુ કરી દીધી, જેનો અર્થ થાય છે કે ‘હવે મર્સી ઓન મી’ પરંતુ તકલીફ તે હતી કે અમને શંકા હતી કે આ સરહદની આટલી નજીકથી ઉડી રહ્યું છે. ક્યાંક એ ત્યાંની તસવીરો તો નથી લઇ રહ્યું ને ?
કૈસ એક ફાઈટર પાયલોટ હતા. તેમને આ વાતની ટ્રેનિંગ આપવામાં આવી હતી કે સવાલ કર્યા વગર તેઓ નિર્દેશોનું પાલન કરે.તેઓએ બળવંતરાયના વિમાનથી સો મિટર ઉપર જઈને નિશાન સાધ્યું.
કૈસે જણાવ્યું કે, ‘કંટ્રોલરે કહ્યું કે તમે તેને શૂટ કરો. મે ૧૦૦ ફૂટની ઊંચાઈથી તેના પર નિશાન લઈને એક બર્સ્ટ ફાયર કર્યું. મે જોયું કે તેના ડાબા પાંખિયા તરફથી કોઈ વસ્તુ ઉડી છે.
ત્યારબાદ મે મારી સ્પીડ ધીમી કરીને તેને થોડું લાંબુ ફાયર આપ્યું. પછી મે જોયું કે તેના જમણા એન્જીનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા.
પછી તેને નોઝ ઓવર કર્યું અને ૯૦ ડીગ્રીની સ્ટીપ ડાઈવ લેતા લેતા જમીન તરફ ગયો. જેવું તો જમીનને અડ્યું કે આગના ગોળામાં ફેરવાઈ ગયું અને મને ત્યારે લાગ્યું કે વિમાનમાં બેઠેલા બધા જ લોકો મરી ગયા છે.
વિમાનમાં બળવંતરાય મહેતા, તેમની પત્ની સરોજબેન મહેતા, તેમાંના ત્રણ સહયોગી અને ગુજરાત સમાચારના એક સંવાદદાતા સવાર હતા. તેમાંથી કોઈ જ જીવતું ના બચી શક્યું.
આ દુર્ઘટનાના લગભગ ૪૬ વર્ષ પછી પાકિસ્તાની પાયલોટ કૈસ હુસૈને ભારતીય વિમાનના પાયલોટ જહાંગીર એન્જીનિયરની પુત્રી ફરીદા સિંહ સાથે ઈમેઈલ દ્વારા અફસોસ વ્યક્ત કર્યો.
સ્પષ્ટ છે કે ત્યારે તેમની પાસે અફસોસ વ્યક્ત કરવા સિવાય કઈ બચ્યું પણ નહોતું. આ બસ દિલથી નિર્દોષની હત્યાનો બોજ ઉતારવાની કવાયત જ હતી.
કોણ હતા બળવંતરાય મહેતા
પંજાબના જલીયાબાલા બાગના જનસંહારની જાણકારી તે વિદ્યાર્થીને મળી તો તેનું મન ભણવાથી ઉઠી ગયું, એક વર્ષ બાદ ૧૯૨૦ માં તેનું ગ્રેજ્યુંએશન પૂરું થયું. તેનું નામ બળવંતરાય મહેતા હતું. તે પાસ હતો. તેણે અંગ્રેજ સરકારની અપાયેલી ડીગ્રી લેવાની ના પાડી દીધી. આ સમયે તેની ઉંમર માત્ર ૨૦ વર્ષ હતી. તેની કોલેજથી નિકળ્યા બાદ લાલ લજપતરાયના સંગઠન ‘સર્વન્ટ ઓફ પીપલ’નું સભ્ય પદ લીધું હતું. આ વિદ્યાર્થીનું નામ હતું બળવંતરાય મહેતા.
સર્વન્ટ ઓફ ઇન્ડિયા એક બિનરાજકીય સંગઠન હતું. લાલજીએ કોંગ્રેસથી અલગ સામાજિક સેવા માટે એક સંગઠન બનાવ્યું હતું. બળવંતરાય મહેતા લાંબા સમય સુધી તેના સભ્ય રહ્યા અને બે વાર તેના અધ્યક્ષ પણ ચૂંટાયા હતા. ૧૯૨૧નું તે વર્ષ હતું જયારે બળવંતરાયની રાજકીય કારકિર્દી શરુ થઇ.
૧૯૨૧ માં તેમણે ભાવનગર પ્રજામંડળની સ્થાપના કરી. તે સમયે ભાવનગર એક રજવાડું હતું. ત્યાં અંગ્રેજોનો સીધો કબજો નહોતો. ગોહિલ રાજા કૃષ્ણકુમારસિંહનું રાજ હતું. માત્ર ૨૧ વર્ષની ઉંમરમાં બળવંતરાય સામંતી શાસન વિરુદ્ધ મોરચો માંડવા લાગ્યા હતાં.
૧૯૨૮ માં સુરત પાસે બારડોલીમાં ગાંધીજી અને સરદાર પટેલના નેતૃત્વમાં સત્યાગ્રહ શરુ થયો. બળવંતરાય આ સત્યાગ્રહના મહત્વના સભ્ય બનીને ઉભરી આવ્યા.
૧૯૩૦ થી ૩૨ વર્ષ સુધી ચાલેલા અસહકારના આંદોલન દરમિયાન જેલમાં રહ્યા. ૧૯૪૨ના ભારત છોડો આંદોલન દરમિયાન તેમને ફરીથી જેલમાં પૂરી દેવામાં આવ્યા. તેઓ આઝાદી પહેલા લગભગ સાત વર્ષ સુધી જેલમાં રહ્યા.
આઝાદી બાદ ગાંધીજીના કહેવા પર તેમણે કોંગ્રેસ કાર્યકારિણીનું સભ્યપદ લીધું, ૧૯૫૨માં દેશમાં પ્રથમ વખત ચૂંટણી થઇ. બળવંતરાય ત્યાંથી કોંગ્રેસની ટીકીટ પર ચૂંટણીમાં ઉતરી ગયા. તેમની સામે ઉભા હતા અપક્ષ ઉમેદવાર કૃષ્ણલાલ. બળવંતરાય ૮૦૨૫૬ વોટ મેળવીને સાંસદ બન્યા.
૧૯૫૭ માં બીજી લોકસભાની ચૂંટણી હતી. બળવંતરાય ગોહિલવાડથી ચૂંટણી લડ્યા. સામે હતા પ્રજા સોશીયાલીસ્ટ પાર્ટીના જશવંતભાઈ મહેતા. ત્યારે પણ બળવંતરાય ૮૨૫૮૨ વોટ મેળવીને સરળતાથી જીતી ગયા. તો જશવંતભાઈ મહેતા માત્ર ૬૨૯૫૮ મત મેળવી શક્યા.
પંચાયતી રાજના પ્રણેતા
ગાંધીજી સ્વરાજના ઢાંચામાં માનતા હતા. તેઓ દરેક ગામને એક સ્વતંત્ર સંસ્થા તરીકે કામ કરાવવા માંગતા હતાં. તેઓ ઈચ્છતા હતા કે દરેક ગામ એટલું આત્મનિર્ભર થાય કે પોતાની સરકાર પોતે જ ચલાવી શકે. એટલે જ દરેક ગામ અને ગામની પંચાયતનું મજબુત હોવું જરૂરી હતી. ૧૯૫૭ માં બીજી લોકસભાની ચૂંટણી બાદ પંડિત નહેરુએ આ દિશામાં પ્રથમ પગલું ભર્યું હતું.
બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં ૧૯૫૭ની જાન્યુઆરીમાં સામાજિક વિકાસના કાર્યક્રમોની તપાસ માટે એક કમિટી બનાવી હતી. નવેમ્બર ૧૯૫૭ માં આ કમિટીએ પોતાની ભલામણો સોંપી. ત્રણ સ્તરવાળા પંચાયતી રાજનો સમગ્ર ઢાંચો સામે રાખવામાં આવ્યો હતો. આ ત્રણ સ્તર છે, ગામના લેવલ પર ગ્રામ પંચાયત, બ્લોક એટલે કે તાલુકા લેવલ પર પંચાયત સમિતિ અને જિલ્લા સ્તર પર જિલ્લા પંચાયત. આ રીતે આજેપણ બળવંતરાય મહેતાએ આપેલો ઢાંચો હજુપણ યથાવત્ ચાલી રહ્યો છે. એક એપ્રિલ, ૧૯૫૮ ના રોજ સંસદે બળવંતરાય મહેતા કમિટીની ભલામણો પસાર કરીને તેને લાગુ કરી. બે ઓક્ટોબર ૧૯૫૯ ના રોજ પંડિત નહેરુએ રાજસ્થાનના નાગોર જિલ્લાથી ભારતમાં પંચાયતી રાજની વિધિવત શરુઆત કરી. પરંતુ આ ભલામણોને સંપૂર્ણપણે લાગુ કરનારું પ્રથમ રાજ્ય બન્યું આંધ્રપ્રદેશ હતું.
ભારતમાં પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો અપાવવા માટે ઘણી રાહ જોવી પડી. ૧૯૯૩ માં ૭૩મું સંશોધન કરીને પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો.
તેની નિયમિત ચૂંટણી સુનિશ્ચિત કરવામાં આવી પરંતુ બળવંતરાય મહેતા કમિટી દ્વારા સૂચવવામાં આવેલ ત્રણ સ્તરીય પંચાયતી રાજના ઢાંચામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા ન હતા.
ગુજરાતના મુખ્યમંત્રી બન્યા
૨૪ ઓગસ્ટ, ૧૯૬૩ એ આવેલા કામરાજ પ્લાને કોંગ્રેસના કેટલાય કદ્દાવર નેતાઓની બલી લીધી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્ર્ભાનું ગુપ્તા નહેરુના વિરોધી દળથી આવતા હતાં. કામરાજ પ્લાન હેઠળ નહેરુએ ઓગસ્ટ ૧૯૬૩ માં ચંદ્ર્ભાનું ગુપ્તાનું રાજીનામું લઇ લીધું. મોરારજી દેસાઈ આ રાજીનામાંના વિરુદ્ધ હતાં. આ અગાઉ નહેરુને સમજાવવાના પ્રયાસ કર્યા.
જયારે નહેરુ ના માન્યા તો તેઓ આ પ્લાન હેઠળ જીવરાજ મહેતાના રાજીનામાં પર અડગ રહ્યા. ગુજરાત મોરારજીનું ગૃહરાજ્ય હતું. જીવરાજ મહેતા, મોરારજીની મરજી વિરુદ્ધ નહેરુની ભલામણને કારણે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતાં. મોરારજીના દબાણને કારણે જીવરાજ મહેતાએ પોતાનું રાજીનામું આપ્યું હતું.
મોરારજી દેસાઈ
મોરારજી પહેલા પણ બળવંતરાય મહેતાનું નામ સુચવી ચુક્યા હતા પરંતુ નહેરુ સામે તેમનું વધારે ચાલ્યું નહોતું. ત્યારે તક મળવા પર તેમણે પોતાની પસંદગીના માણસને ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચાડી દીધો. સપ્ટેમ્બર ૧૯૬૩ માં બળવંતરાય મહેતા રાજ્યના બીજા મુખ્યમંત્રી બન્યા.