ગુજરાતના રાજકારણમાં હીટવેવ, રૂપાણી-નીતિન પટેલ આમનેસામને

કોલ્ડવૉર – દિલીપ પટેલ

અમદાવાદ ખાતે 1500 પથારીવાળી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનના લોકાર્પણ કાર્યક્રમ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આરોગ્ય પ્રધાન નીતિન પટેલનું નામ આમંત્રણ પત્રિકામાં લખ્યું ન હતું. નીતિન પટેલના નામનો એકડો કાઢી નાંખવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને દિલ્હી ભાજપના બે નેતાઓ એક વર્ષથી પ્રયાસ કરી રહ્યાં હતા. પણ નીતિન પટેલનું કદ એટલું મોટું છે કે, તેમને વેતરી શકાતા નથી. જો ભાજપ તેમને કાપે તો ભાજપ ઉત્તર ગુજરાતમાં સાફ થઈ જાય તેમ છે. તેથી નીતિન પટેલને રાજકારણનું ધીમું ઝેર આપીને મારવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં 2018થી નવી સરકાર બની છે ત્યારથી જ નીતિન પટેલને સત્તાથી દૂર રાખવા માટે પ્રયાસો થાય છે. જોકે આનંદીબેન પટેલને ગુજરાતની ગાદી પરથી હાંકી કઢાયા ત્યારથી નીતિન પટેલને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આમંત્રણમાં નામ હોય કે ન હોય તેનાથી તેમની કોઈ ફરક પડતો નથી. તેઓ પોતાનું કર્મ કરતા રહેશે. આ મામલે વિવાદ વધી રહ્યો છે. દેશ વિદેશથી ગુજરાતમાં વાયબ્રંટના નામે દેખાડો કરવા આવતાં મહેમાનો પણ ભાજપના નેતાઓ વચ્ચેના યુદ્ધનો આનંદ ઉઠાવી રહ્યાં છે.

છેલ્લા એક વર્ષથી નવી સરકાર બની છે ત્યારથી નીતિન પટેલને ભાજપ સરકારના ઘણા બધા કામોમાંથી સાઈડલાઈન કરાઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. પણ નીતિન પટેલનું કદ એટલું ઊંચું છે કે રૂપાણી તેમની પાસે વામણા સાબિત થઈ રહ્યાં છે. 100 ધારાસભ્યોથી ચાલતી સરકાર ઉથલી ન પડે તેથી રૂપાણી ફુંકી ફુંકીને ચાલી રહ્યાં છે. ભાજપને ભય છે કે, જો નીતિન પટેલને હાંકી કાઢીશું તો બીજા 10 ધારાસભ્યો તેમને સહકાર આપવા તૈયાર છે. તેથી નીતિન પટેલને અપમાનિત કરીને ધીમા ઝેરનો કટોરો આપવામાં આવી રહ્યો છે.

આવું આજે નથી થયું પણ જ્યારથી તેમને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા ત્યારથી ચાલી રહ્યું છે.

મુખ્ય પ્રધાન ન બનવા દેવાયા

જ્યારે આનંદીબેન પટેલને ગુજરાતના મુખ્ય પ્રધાન પદેથી કોઈ વાંક વગર હાંકી કાઢવામાં આવ્યા તે પહેલાં આનંદીબહેન પટેલે નવા મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીને નહીં પણ નીતિન પટેલને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તેવી શરત મૂકી હતી. વિજય રૂપાણીએ જાહેરમાં કહ્યું હતું કે તેઓ મુખ્ય પ્રધાન નહીં બને. જે ભાજપે સ્વિકારી હતી. પણ છેલ્લી ઘડીએ નીતિન પટેલને મુખ્ય પ્રધાન બનાવવાના બદલે અમિત શાહે વિજય રૂપાણીની પસંદગી કરી હતી. ત્યારે પણ નીતિન પટેલનું અપમાન થયું હતું. ઉત્તર ગુજરાતના તમામ પાટીદાર નેતાઓને ભાજપમાં ખતમ કરી દેવાયા છે. આ પહેલાં આત્મારામ પટેલ, ડો.એ.કે.પટેલ, નારણ પટેલ અને હવે નીતિન પટેલ પણ તે હરોળમાં આવી ગયા છે. જોકે, ઉત્તર ગુજરાતમાં જ નહીં પણ ગુજરાતમાં ભાજપના દિલ્હી સ્થિત નેતાઓએ પાટીદાર નેતાઓ પક્ષમાં રહેવા દીધા નથી. હવે પાટીદાર નેતા વગરનો પક્ષ ભાજપ બની ગયો છે. બંધરણમાં નાયબ મુખ્ય પ્રધાનનું કોઈ પદ બતાવવામાં આવ્યું નથી છતાં ગુજરાતમાં આ બીજો પ્રયોગ છે.

ભાજપે દૂર રખ્યા

વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવી પહોંચે છે ત્યારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને રાજ્યપાલ તેમને આવકારવા પહોંચતા હોય છે. આ પ્રોટોકોલ છે. જેનો ભંગ થતો નથી. પણ 17 જાન્યુઆરી 2019માં નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને દૂર રાખવાની સૂચનાનો અમલ કરાયો હતો. નીતિન પટેલને આવવા દેવાયા ન હતા. બીજી બાજુ ટ્રેડ શો દરમિયાન વડાપ્રધાને નીતિન પટેલને એવું કહ્યું હતું કે તમે વી.એસ. હોસ્પિટલમાં સાથે રહેજો. વિજય રૂપાણીએ પણ નીતિન પટેલને પોતાની સાથે ગાડીમાં આવવા કહ્યું હતું. પરંતુ નીતિન પટેલ પોતાની ગાડીમાં વી.એસ. જવા રવાના થયા હતા. નીતિન પટેલ વી.એસ. હોસ્પિટલમાં જવાના બદલે રિવરફ્રન્ટ પર જાહેર સભાના સ્થળે પહોંચી ગયા હતા. સૂત્રો જણાવે છે કે ટ્રેડ શોમાં પણ નીતિન પટેલ વડાપ્રધાનના કાફલા સાથે હાજર રહ્યા બાદ વચ્ચેથી જ બહાર નીકળી ગયા હતા.

કાર્યક્રમનો બહિષ્કાર

ગાંધીનગર ટ્રેડ શોનું ઉદ્ઘાટન વડાપ્રધાને કર્યું ત્યારે પણ નીતિનભાઈ શોમાંથી અધવચ્ચેથી જ બહાર નીકળી ગયા હતા. જાણે પોતાનું અપમાન થતું હોય એવું તેઓ અનુભવતાં હતા. નીતિન પટેલે પોતાની છાપ ઉજળી કરતાં કહ્યું હતું કે, કોનું નામ છાપવું અને ન છાપવું એ મ્યુનિસિપિલ કોર્પોરેશન નક્કી કરતું હોય છે. નામ હોય કે ન હોય તેનાથી મને કોઈ ફરક પડતો નથી.

ખરેખર શું બન્યું બે હોસ્પિટલ વચ્ચે

રૂપાણી અને પટેલ વચ્ચે ગજગ્રાહ ચાલે છે. તેવું અનેક વખત બહાર આવ્યું છે. વાઇબ્રન્ટના આરંભે જ વડાપ્રધાનની હાજરીમાં પણ બંને વચ્ચેની ખેંચતાણ બહાર આવી છે. શોના ડોમ પ્રદર્શન નિહાળવામાં પટેલ પણ જોડાયા. આ પછી બે ડોમ સાથે નિરીક્ષણ કર્યા પછી અચાનક પટેલ ત્યાંથી વીએસ જઉ છું કહીને નીકળ્યા હતા. વીએસમાં ન દેખાયા અને સીધા એસવીએસની જાહેર સભામાં દેખાયા હતા. હવે પટેલ જાહેરસભામાં મંચ પર મોદી અને રૂપાણી સાથે બેઠા પણ ન મોદી કે રૂપાણી સાથે બોલ્યા કે સામું જોઇને કોઇ ઔપચારિકતા વ્યકત કરી. તેઓ મેયર બિજલ પટેલ સાથે વાતચીતમાં મશગૂલ રહ્યા હતા સમારોહ પૂરો થયા પછી પણ બિજલ પટેલ સાથે વાતચીત કરતા નીતિન પટેલે પણ સમારોહ છોડી દીધો હતો.

હું વિવેકી છું

નીતિન પટેલે આ વિવાદો બાદ કહ્યું હતું કે હું વિનમ્ર, વિવેકી છું, મારી જવાબદારી અને ફરજ કયારેય ચૂકતો નથી. હું વીએસ પછી બીજે ન્હોતો ગયો, હું સીધો સમારોહનું નક્કી થયું હતું એટલે સમારોહમાં ગયો હતો. કેમ નામ ન લખ્યું,  તે તો કોર્પોરેશનવાળા જાણે, પણ આમંત્રણ પત્રિકામાં નામ હતું નહીં તે હકીકત છે, મને કેમ ખબર કેમ મારું નામ નથી. રૂપાણી વચ્ચે કોઈ વિવાદ નથી. હું નારાજ નથી. હું વિનમ્ર, વિવેકી છું, મારી જવાબદારી અને ફરજ કયારેય ચૂકતો નથી.

જ્યારે સ્ટેન્ડિગ સમિતિના અધ્યક્ષ અમૂલ ભટ્ટે જાહેર કર્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાનનું નામ રાખવું કે ન રાખવું તે પીએમઓ નક્કી કરે છે.

ઓક્ટોબરમાં આવું ત્રણ વખત થયું

છેલ્લા કેટલાક સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે કંઈક ને કંઈક વિવાદ સર્જાતો રહે છે. અગાઉ ની મુલાકાત દરમિયાન નીતિન પટેલની તસ્વીરને લઈને વિવાદ સર્જાયો હતો. ત્યારે આ વખતે પીએમ મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન પણ આવા કેટલાક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

1 ઓક્ટોબર 2018માં પીએમ મોદીએ ગુજરાતના એક દિવસના પ્રવાસ દરમિયાન ઉદઘાટનો કર્યા ત્યારે પીએમ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે, તેમને આવકારવા ગયેલા ભાજપના મુખ્યમંત્રી રૂપાણી, ડે.મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યપાલ ઓ.પી કોહલી સહિતના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા. નીતિન પટેલ સામે જોયા વિના જ તેમની પાસેથી ફુલ લઈ લીધું હતું. વાત કરતા કરતા આગળ વધ્યા હતા. PM મોદીએ રૂપાણીને સાથે આવવા ઈશારો કર્યો હતો, પણ નીતિન પટેલને સાથે આવવાનું કહ્યું ન હતું.

કચ્છ ખાતેના પીએમના કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી વિવિધ નામોની સાથે નીતિન પટેલનું નામ બોલાતા નીતિન પટેલ માટે ઊભા થઇ ગયા હતા. પરંતુ પાછળથી ખબર પડી કે પીએમ મોદીનું સ્વાગત કરવાનું હોય તેઓ પાછા પોતાની જગ્યાએ આવી ગયા હતા. આમ નીતિન પટેલ થોડાક સમય માટે ભૉઠા પડ્યા હતા. રાજકોટમાં પીએમને સ્ટેજ પર હાર પહેરાવવા જતા, ભાજપના નેતા ભાનુભાઈ મહેતા ગબડી પડ્યા હતા. ત્યારે સીએમ રૂપાણી અને નીતિન પટેલને અવગણીને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા સાથે ગુફતેગુ કરી હતી.

વધું ખાતા માંગવા તે બળવો છે

આમ જાહેર કાર્યક્રમોમાં વારંવાર નીતિન પટેલનું અવમાન કરવામાં આવી રહ્યું છે. તેનું એક જ કારણ છે કે, બીજી વખત તેમને નાયબ મુખ્ય પ્રધાન બનાવાયા ત્યારે તેમને અગાઉના ખાતા છીનવી લેવાયા હતા અને તેથી નીતિન પટેલે સરકારમાં રહેવાનો ઈન્કાર કર્યો હતો. તેને દિલ્હીના નેતાઓએ બળવો માની લીધો હતો અને તેથી તેમને અવગણવામાં આવી રહ્યા છે. કારણ કે નીતિન પટેલને આનંદીબેન પટેલના માણસ માનવામાં આવે છે. આમ સરકારમાં રૂપાણી પાસે 8 ખાતા હતા તો નાયબ મુખ્ય પ્રધાન નાણાં ખાતું માગેં તો તેને ભાજપમાં દિલ્હીની સામે બળવો માની લેવામાં આવ્યો હતો. તેથી તેમને બળવાખોર ગણીને અપમાનિત કરવામાં આવી રહ્યા છે.

ઘીના ઠામમાં ઘી મ ઢોળાયું

ગુજરાતની નવી સરકારની ખાતાની વહેંચણીમાં નીતિન પટેલ પાસેથી નાણાં વિભાગ, શહેરી વિકાસ અને શહેરીગૃહ નિર્માણ ખાતું છીનવી લેવામાં આવ્યું હતું. તેથી તેઓ નારાજ થયા હતા. પોતાની ઓફિસ પણ ગયા ન હતા. ખાતા છીપવી લેવાનો વિવાદ લાંબો ચાલ્યો હતો. બે દિવસ બાદ હાઈ દિલ્હી કમાન્ડે સૌરભ પટેલ પાસેથી નાણા ખાતું લઈને નીતિન પટેલને આપ્યું હતું. પોતાની કચેરીમાં તેઓ હાજર થયા ત્યારે વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ‘ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.’ જોકે આ યુદ્ધવિરામની પરિસ્થિતિ થોડા સમય માટે જાહેરમાં હતી. પણ અંદરથી તો નીતિન પટેલને કેમ ખતમ કરવા તેના કાવતરા તો ચાલુ જ હતા. સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચે જાહેરમાં વારંવાર તણખાં જરતાં રહ્યાં છે. હવે એની તીવ્રતા ઘણી વધારે છે. વિજય રૂપાણીની એ હિંમત નથી કે ઉપરની મંજૂરી વગર આ રીતે નીતિન પટેલને પરેશાન કરે. બે પાવર ટકરાઈ રહ્યાં છે તણખામાં આગળ મોટો વિષ્ફોટ થવાનો છે.

મહેસાણામાં નવો વિકલ્પ ઊભો કરાયો

ઘણા સમયથી આ બાબતની રાજકીય ચર્ચા વચ્ચે નીતિન પટેલ અને વિજય રૂપાણી વચ્ચે થોડા સમય પૂર્વે પણ જાહેર ખટરાગ જોવા મળ્યો હતો. ભાજપે કેબીનેટની ફેરબદલની કવાયત હાથ ધરી છે. કેબીનેટ રીસફલ નીતિન પટેલને પડતા મુકવાની અને તેમના સ્થાને બીજા પાટીદાર નેતાને પ્રમોટ કરવાનો તખતો ધડાઈ ચુક્યો હતો. નીતિનભાઈ પટેલના સમર્થકો અને વિરોધીઓ અનેક પ્રકારની માહિતીઓ મીડિયાને પહોચતી કરે છે. નીતિન પટેલ ને આગામી ચુંટણીમાં ગુજરાતમાંથી સંસદમાં મોકલવાનું, એટલે કે મહેસાણા લોકસભા બેઠક લડાવવાનું હાઈકમાન્ડે નક્કી કરી લીધું છે. જીદ કરીને નાણાવિભાગ લેવાથી હાઈકમાન્ડ નારાજ થયાં છે. નીતિન પટેલનું રાજકારણ પૂરું કરવા તેમને મહેસાણા લોકસભા બેઠક પરથી લડાવવા અને ચૂંટણીમાં હરાવીને રાજકારણમાં ખૂણે બેસાડી દેવાનું આયોજન થયું છે. તેમના વિકલ્પ તરીકે કોંગ્રેસમાથી જીવાભાઈ પટેલને ભાજપમાં માનભેર દિલ્હીથી લાવવામાં આવ્યા છે. જે નીતિન પટેલનો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. પાટીદાર આંદોલન વખતે પટેલ સમાજ સામે નિવેદનો કરવા માટે નીતિન પટેલનો ઉંટ તરીકે ભાજપે ઉપયોગ કર્યો હતો.

તાકાતવાન નીતિન પટેલ

દિલ્હી ભાજપના નેતા નીતિનભાઈની તાકાતથી પરિચિત છે. નીતિન પટેલ ભાજપને સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી સાફ કરી નાખવા સક્ષમ છે. જેથી નીતિન પટેલની ઈચ્છા વિરુદ્ધનો કોઈ નિર્ણય લેવો નહીં. તેઓ વિદેશ હતા અને તેમની ગેરહાજરીમાં મહેસાણાના કોંગ્રેસના આગેવાનને ભાજપમાં લેવામાં આવ્યા હતા. તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભારે પડી રહ્યા છે. નાણાંની ફાળવણીમાં રૂપાણીને ત્રાસી જઈને હાઈકમાન્ડ સમક્ષ ફરિયાદ કરી હતી. ત્યારબાદ નીતિન પટેલ ને સરકારમાંથી પડતા મુકવાની ચર્ચા શરુ થઇ હતી. આનંદીબેને પણ એક ફાઈલ દિલ્હીને આપી હતી ત્યાર બાદ તેમની સાથે પણ આવું જ થયું હતું.

મંત્રી મંડળની બેઠકમાં બબાલ

4 જાન્યુઆરી 2018, બુધવારે નવી સરકારની રચના પછી મળેલી બીજી કેબિનેટ બેઠકમાં રૂપાણી અને પટેલ જાહેરમાં બાખડી પડ્યા હતા. મગફળીમાંથી તેલ કાઢવાનો પ્રસ્તાવ મુખ્ય પ્રધાને મૂક્યો હતો જેવો વાજબી વિરોધ નીતિન પટેલે કર્યો હતો. આ બધુ પ્રધાનો મંત્રીઓ અને સરકારી અધિકારીઓની હાજરીમાં થયું હતું. પછી મગફળીમાંથી તો તેલ ન નિકળ્યું પણ નીતિન પટેલને રાજકીય ઘાણીમાં પીલીને તેલ કાઢવામાં આવી રહ્યું છે.

હાર્દિક પટેલે આહવાન કર્યું

હાર્દિક પટેલે જાહેર કર્યું હતું કે જો નીતિન પટેલનું આ રીતે અપમાન થતું રહેશે તો તે તેમને મળવા જશે અને તેમની સાથે આવી જવા માટે સમજાવશે. હાર્દિક પટેલે કહ્યું હતું કે જરૂર લાગશે તો હું નીતિન પટેલને મળવા જઇશ. મારા નિવેદનોથી તેમને ફાયદો થતો હોય તો હું મળવા જઇશ. ભાજપમાં માન-સન્માન ન જળવાતું હોય તો નીતિનભાઈ અમારી સાથે જોડાઇ શકે છે. સાથે મળીને ગુજરાતના સુશાસન માટે લડીશું. નીતિન પટેલને કોંગ્રેસમાં યોગ્ય સ્થાન અપાવીશું.

ભાજપ છોડી કોંગ્રેસમાં આવી જવા અપીલ

2018માં નવી સરકાર બની તેને છ મહિના થયા છતાં નીતિન પટેલને અપમાનિત કરવાનું ચાલુ રખાતા કોંગ્રેસે નીતિન પટેલને જાહેર અપીલ કરી હતી કે તેઓ કોંગ્રેસ આવી જાય. કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર દ્વારા કહેવાયું હતુંક, ભાજપમાં હિટલરશાહી ચાલી રહી છે. જેમાં સરકારી જાહેરાતોમાંથી નીતિન પટેલના ફોટા ગાયબ થઈ રહ્યા છે. જે સ્પષ્ટ કરે છે કે આગામી દિવસોમાં તેમની કેવી હાલત થવાની છે. ગુજરાત માં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સીએમ રૂપાણી વચ્ચે ચાલી રહેલો વિવાદ તેની ચરમસીમાએ પહોંચે તેવી શક્યતા સામે આવી હતી. તેથી નીતિન પટેલ ભાજપ સાથે છેડો ફાડે તેવી અટકળો પણ તેજ થઈ હતી.

નીતિન પટેલે ટ્વીટ કર્યું, તે સંદેશ વાયરલ છે

સરકારમાં તેમની અવગણના થાય છે અને તેઓ રાજીનામું આપી દેશે એવા સમાચારો સોશિયલ મિડિયામાં છપાતાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ટ્વીટ કરીને આ અંગે ખુલાસો કર્યો હતો કે, આ વાઈરલ થઈ રહેલો મેસેજ ખોટો છે અને મીડિયા સામે આવીને આવી પ્રતિક્રિયા આપીને તેનાથી મારી પ્રતિષ્ઠાને નુકશાન પહોંચ્યું છે. મારા વિરુદ્ધની પોસ્ટનો કોઈએ વિશ્વાસ કરવો નહીં. નિતીનભાઈ પટેલે કહ્યું છે કે મને બદનામ કરવાનું ષડયંત્ર છે અને મારી પ્રતિષ્ઠા અને વિશ્વનીયતાને નુકશાન કરવા માટે કેટલાક લોકો દ્વારા આવા મેસેજ ફેલાવી રહ્યા છે.

મને ટાર્ગેટ કરાય છે

25 મે 2018માં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું રાજીનામું લઈ લેવા અંગે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની પોસ્ટ મૂકવામાં આવી રહી હતી. મીડિયા સાથે વાતચીત કરતા તેમણે ખુલાસો કર્યો હતો કે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, તેમજ તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી કેટલાક વ્યક્તિઓ તરફથી મને બદનામ કરવામાં આવી રહ્યો છે. આવું કરવા પાછળનો ઉદેશ્ય મારા વિશે ગુજરાતની જનતામાં, ભારતીય જનતા પાર્ટીમાં, મારા શુભેચ્છાકોમાં, ભાજપના કાર્યકરોમાં અને મારા મત વિસ્તારના લોકોમાં અપ્રચાર કરવાનો છે. મારી પ્રતિષ્ઠાને નુકસાન થાય તે રીતે સોશિયલ મીડિયામાં મેસેજ મૂકવામાં આવી રહ્યા છે. હું લોકોને વિનંતી કરી છું કે કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા આવી પોસ્ટ મૂકવામાં આવે તે વિશ્વાસ કરવો નહીં. પરંતુ મારી વિનંતી છે કે આવા લોકને સાચા માનવા નહીં. મારા મનની વાત મૂકી દીધી છે. પરંતુ જો વ્યક્તિ જાહેર વિનંતી છતાં આવું કૃત્ય ચાલુ જ રાખશે હું સાયબર નિષ્ણાતોની સલાહ લઈને યોગ્ય કાર્યવાહી કરીશ. હું વિદ્યાર્થી કાળથી ભાજપ સાથે છું. પહેલા જનસંઘ હતો ત્યારે તેની સાથે જોડાયેલો હતો, બાદમાં ભાજપની સ્થાપના થઈ હતી. હું આજીવન ભાજપનો જ સભ્યો છું. નીતિન પટલને પરેશાન કરવા માટે ભાજપના જ નેતઓ અંદરની વાતો જાહેર કરતાં રહ્યાં છે.

પ્રધાન મંડળમાં ફેરફાર થશે

નીતિન પટેલને કોઈ પણ રીતે નીચા પાડીને તેઓ સરકાર છોડી દે એવા તુક્કા અજમાવવામાં આવી રહ્યા છે. જે દિલ્હીના ઈશારે જ થઈ રહ્યું છે. નીતિન પટેલ લોકસભા ચૂંટણી લડાવીને તેમને કેબીનેટમાંથી દુર કરવાની પણ ભાજપે રણનીતિ ધડી હોવાનું આ બધા ઘટનાઓથી સ્પષ્ટ થાય છે. નવી સરકારની રચનામાં ખાતાની ફાળવણીમાં નીતિન પટેલે ત્રાગું કર્યું હોવાને કારણે વડાપ્રધાન નારાજ થયા હતા જેના પરિણામ સ્વરૂપ તેમને હવે પડતા મુકવામાં આવે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. રૂપાણીને દિલ્હીનું પીઠબળ છે પણ નીતિન પટેલ સાથે હવે માત્ર આનંદીબેન પટેલ એક જ છે. તે પણ હવે ગુજરાત બહાર છે. ભાજપના કેટલાંક ધારાસભ્યો કદાચ નીતિન પટેલને ટેકો આપે એવી પણ એક શક્યતા હોવાથી દિલ્હી હજુ આકરું વલણ અપનાવી શક્તિ નથી. તેથી તેમને આ રીતે હળવા અપમાનના આંચકા આપવામાં આવી રહ્યા છે.

મુખ્ય પ્રધાનનો ચોર્જ ન સોંપાયો

26 જૂન 2019માં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી 6 દિવસ માટે ઈઝરાયલ ગયા ત્યારે મુખ્ય પ્રધાનનો ચાર્જ નાયબ મુખ્ય પ્રધાનને આપવો જોઈતો હતો. તે પ્રોટોકોલ છે. પણ નીતિન પટેલને તે ચાર્જ આપવામાં આવ્યો ન હતો. પણ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમાને જવાબદારી સોંપીને ગયા હતા. ત્યારે નીતિન પટેલ મુખ્ય પ્રધાનને મળવા પણ ગયા ન હતા. જોકે આવો કોઈ નિયમ નથી કે મુખ્ય પ્રધાન કોઈકને જવાબદારી સોંપીને જાય. નરેન્દ્ર મોદી વિદેશ જતાં ત્યારે ક્યારેય તેઓ કોઈને જવાબદારી સોંપીને જતાં ન હતા.

વાઈબ્રન્ટ નવરાત્રિમાં તસવીર ગુમ

વાઈબ્રન્ટ ગુજરાતની સરકારી જાહેરખબરમાં નીતિન પટેલની તસ્વીર ગાયબ થઈ ગઈ હતી. નંબર બે ગણાતા નીતિન પટેલનો ફોટો રખાયો ન હતો. અગાઉ પણ અનેક વખત નીતિન પટેલનો ફોટો ગાયબ કરી દેવામાં આવ્યો હતો.

નાણાં માટે સહી તો મારી જોઈશે

ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આવેલા ભારે પૂરના 4 ઓગસ્ટ 2017માં જાહેર કરેલા રૂ.1500 કરોડના રાહત પેકેજના નિર્ણયમાં નીતિન પટેલની બાદબાકી કરીને બારોબાર મુખ્યમંત્રી નિર્ણયો લેતાં નીતિન પટેલ નારાજ થઇ ગયા હતા.  મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે બેઠકમાં પોતાની અવગણના થતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ નીતિન પટેલે એવી ચીમકી આપી હતી કે, મને પૂછ્યાં વગર રૂ.1500 કરોડનું રાહત પેકેજ જાહેર તો કરી દીધું છે, પરંતુ નાણામંત્રીની સહી વિના આ પેકેજનો અમલ કેવી રીતે કરશો. એમ કહીને નીતિન પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આડકતરી ધમકી આપી દીધી હતી. મંત્રી મંડળમાં ગરમાગરમી સર્જાતા બેઠકમાંથી અધિકારીઓને રવાના કરી દેવામાં આવ્યા હતા. જે બાદ મંત્રીઓ વચ્ચે ચાલેલી ચર્ચામાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે ભારે હુસાતુસી સર્જાઇ હતી. ત્યાર બાદ નીતિન પટેલે કેબિનેટની બેઠક છોડી રવાના થઇ ગયા હતા. બન્નેને સમજાવવા બીજા પ્રધાનો પહોંચ્યા હતા.