12 સપ્ટેમબર 1974માં ગાંધીઆશ્રમમાં ચાલતાં ભ્રષ્ટાચાર અંગે બ્લિટ્ઝ મેગેઝીને સનસનીખેજ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં ગાંધીવાદી એવા બે પ્રખર નેતા પ્રભુદાસ પટવારી અને પન્નાલાલ ઝવેરી પર ભ્રષ્ટાચારના આરોપો હતા. આ વધી જ બાબતો રવિશંકર મહારાજના તપાસ પંચમાં તપાસવાની હતી. બ્લિટ્ઝ સામાયિકે જાહેર કરેલી ભ્રષ્ટાચારની વિગતો અંગે પ્રભુદાસ પટવારી અને પન્નાલાલ ઝવેરીએ જવાબ આપવાના બદલે લોકનાયક રવિશંકર મહારાજે તેનો જવાબ આપીને બચાવ કર્યો હતો.
કોણ હતા પન્નાલાલા અને પ્રભુદાસ
તેઓ બન્ને ગાંધીઆશ્રમના સંચાલન સાથે જોડાયેલાં હતા.
પ્રભુદાસ પટવારી સામે ભ્રષ્ટાચારના આરોપો બાદ તામીલનાડુના રાજ્યપાલ બન્યા હતા. તેઓ ચૂસ્ત ગાંધીવાદી હતા. પ્રભુદાસ પટવારીને તામિલનાડુમાં મુખ્ય પ્રધાન એમ. જી. રામચંદ્રનના સમયમાં રાજ્યપાલ તરીકે નિમણૂક મળી હતી. રાજભવનને સાદગીમાં બદલી નાંખ્યું હતું, આવતાં મહેમાનોને માટે દારુ ન પીવા માટે તેમણે નિર્ણય કર્યો હતો. પ્રભુદાસ પટવારી અમદાવાદમાં ભ્રષ્ટાચાર સામે સંયુક્ત સદાચાર સમિતિ ચલાવતા હતા. હવે તેમની સામે જ ભ્રષ્ટાચારના આરોપો લગાવાયા હતા. દારૂની બોટલમાંથી દારુ ઢોળી દેવા માટે તેમણે ફોટોગ્રફારને બોલાવ્યા હતા અને સમાચારનું સર્જન કર્યું હતું.
સીબીઆઈએ જ્યોર્જ ફર્નાન્ડિઝ, પ્રભુદાસ પટવારી અને બીજા ચોવીસ વ્યક્તિઓ સામે ડાયનેમાઈટ મેળવી સરકારી બિલ્ડીંગો અને રેલ્વે ટ્રેકને કટોકટીના વિરોધમાં ઉડાડી મુકવાનું આયોજન તથા સરકારને ઉથલાવી મૂકવા આક્ષેપ ઈંદિરા ગાંધીની સરકારે મૂકીને કટોકટી વખથે જૂન 1976માં ધરપકડ કરી તિહાર જેલમાં રાખવામાં મોકલાયા હતા. આ કેસ દિલ્લી ખાતે ચલાવવામાં આવ્યો. જનતા મોરચા સરકારમાં મોરારજી દેસાઈ વડાપ્રધાન થતાં જ તેમણે પટવારીને વફાદારીનું ઈનામ આપવા માટે રાજ્યપાલ બનાવ્યા હતા. પટવારી વ્યવસાયે વકીલાત સાથે રાજકીય પ્રવૃત્તિમાં પણ કોંગ્રેસ સંગઠનમાં સક્રિય હતા. કટોકટી દરમિયાન ગુપ્ત વેશે અંડરગ્રાઉન્ડ પ્રવૃત્તિમાં મહત્વની કામગીરી કરી હતી. રાજ્ય સરકાર સામે બંધારણીય, નીતિવિષયક અને રાજનૈતિક મોટો સંઘર્ષ ખેલ્યો હતો. પ્રજાસંપર્કમાં પણ સક્રિય રહીને રાજભવનમાં ‘જનતા દરબાર’ શરૂ કર્યો હતો, જેનાથી રાજ્યસરકાર નારાજ હતી.
રાષ્ટ્રપતિ સંજીવ રેડ્ડીએ જ્યારે એમને રાજ્યપાલ ત્યાગપત્ર આપવાનો આદેશ આપ્યો ત્યારે તેમણે એનો અનાદર કર્યો હતો, એટલું જ નહીં, વ્યવસાયે વકીલ હોવાથી ગવર્નર તરીકે કેન્દ્ર સરકાર સાથે કાનૂની લડત પણ શરૂ કરી હતી. રાષ્ટ્રપતિને એક પત્ર લખી કયાં કારણોસર ત્યાગપત્ર માગો છો એની સ્પષ્ટતા કરવા વિનંતી કરી હતી. આખરે 26 10 1988ના રોજ પટવારીને ગવર્નરપદેથી ફારેગ કરવામાં આવ્યા હતા.
ગાંધીજીએ તેમની આત્મકથામાં દક્ષિણ આફ્રિકાની વાત લખી છે જેમાં તેઓ કેટલી સાદગીથી જીવતાં હતા તેનું વર્ણન કરતાં લખે છે કે, “ભોગો ભોગવવાનો આરંભ તો કર્યો, પણ તે ટકી ન શક્યો. રાચરચીલું વસાવતાં તો મને તે ઉપર મોહ ન જ ઊપજી શક્યો. એટલે ઘર વસાવ્યું તેવો જ મેં ખરચ ઓછું કરવાનો આરંભ કર્યો. ધોબીનું ખરચ પણ વધારે લાગ્યું, અને વળી ધોબી નિયમિતપણે કપડાં ન આપે તેથી બેત્રણ ડઝન ખમીસથી ને તેટલા કૉલરથી પણ મારું ન નભે. કૉલર રોજ બદલવા; ખમીસ રોજ નહીં તો એકાંતરે બદલવાં. એટલે બે તરફથી ખરચ થાય. આ મને નકામું જણાયું. એટલે ધોવાનો સરંજામ વસાવ્યો. ધોવાની કળાની ચોપડી વાંચીને ધોવાનું શીખ્યો. પત્નીને પણ શીખવ્યું. કંઈક બોજો તો વધ્યો જ, પણ નવું હતું એટલે વિનોદ હતો.”
હવે આવી સાદગી રાજનેતાઓએ અપવાવવી હોય તો રાજભવન અને સત્તા છોડવી પડે. પણ અહીંતો તેમને મોરારજી દેસાઈની વફાદારીના ભાગરૂપે રાજ્યપાલ બનાવાયા હતા. સાદગીનો દેખાવ કર્યો હતો. ખરેખર તેઓ સાદગી અપનાવવા માંગતા હતા તો તેમણે ભવ્ય રાજભવનનો ત્યાગ કરીને એક સાદા મકાનમાં રહેવા જતું રહેવું હતું. પણ તેમ કરવાના બદલે એક ગાંધીવાદી તરીકે દંભ કર્યો હતો.
જ્યારે પન્નાલાલ બાલાભાઈ ઝવેરી 30મી માર્ચે નિકળેલી મીઠાના સત્યાગ્રહ લડત માટેની દાંડી યાત્રામાં 81 દાંડી યાત્રીમાં સાથે હતા. ત્યારે તેમની ઉંમર 25 વર્ષની હતી.
આમ આ બન્ને પર સાબરમતી આશ્રમમાં થયેલાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવાયા હતા. જમીનો વેચી દેવી, આર્થિક ગોલમાલ કરવી જેવા અનેક આરોપો મૂકાયા હતા. અને તેમની સામે ગુજરાતના રાજ્યપાલે તપાસ પંચ નિયુક્ત કર્યું હતું. આટલા પ્રખર ગાંધીવાદીઓ સામે ભ્રષ્ટાચાર આચરવા બદલ તપાસ પંચ નિયુક્ત કરવામાં આવે તો તે આ બનાવટી ગાંધીવાદીઓ કઈ રીતે સહન કરી શકે. તેમની સામે તપાસ ન થાય તેવા પ્રયાસ કરે જ. તેવા તેમની સામે એક પત્રકારે કૌભાંડો શોધીને જાહેર કર્યા એટલે રવિશંકર મહારાજ કે તેમના હાથે પછી ગુજરાત રાજ્યની ઈંટ મુકાવાની હતી તેઓ તે સમયે પ્રખર ગાંધીયન હતા તેઓ તપાસ પંચના વડા હતા. તેમણે તપાસ કરવાની હતી પણ પત્રકારના સમાચારોને તેમણે જાહેરમાં ખંડન કર્યું. એમ કરીને તેમણે માત્ર બચાવ કરવા માટે જ કામ કર્યું હતું. તપાસ પંચની રચના થઈ ત્યારે જ રવિશંકર મહારાજ પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તે તટસ્થ તપાસ નહીં કરે. તેમજ થયું. તેઓ આ બન્નેને બચાવવા મેદાને આવ્યા. પણ તપાસ પંચ કામ કરતું થયું ખરું કે નહીં.
રવિશંકર મહારાજ કોણ ?
રવિશંકર વ્યાસ (1884-1984)એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં. સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા હતા. તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળથી જોડાયેલા હતા. 1920 અને 1930માં તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું 10 વર્ષનું આયોજન કર્યું હતું. તેઓ ખેડા જિલ્લાનાં રઢુ ગામમાં ઔદિચ્ય (ટોળકીયા) બ્રાહ્મણ કુટુંબમાં પિતાંબર શિવરામ વ્યાસ અને નાથીબાને ત્યાં થયો હતો. તેમના કુટુંબનું વતન મહેમદાવાદ નજીકના સરસવણી હતું. છઠ્ઠા ધોરણનું શિક્ષણ મેળવ્યા પછી તેમણે તેમના પિતાને ખેતીમાં મદદ કરવા માટે અભ્યાસ અધૂરો મૂક્યો હતો. તેમણે સમાજસેવામાં પોતાનું આજીવન સમર્પિત કરી દીધું. સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક, વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્યા છે.
નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા હતા. વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું હતું અને એ ઉપરાંત પાટણવાડીયા, બારૈયા કોમો અને બહારવટીયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું. તો પછી તેઓ કેમ ભ્રષ્ટાચારીઓને બચાવવા મેદાને પડ્યા હતા.
1920માં તેમના પગરખાં કોઈ ચોરી ગયું ત્યારથી પગરખાં પહેરવાનું બંધ કર્યું હતું. સુણાવમાં રાષ્ટ્રીય શાળની સ્થાપના કરી, આચાર્યથી માંડી પટાવાળા સુધીની ફરજ બજાવતા. તે પછીના વર્ષે મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કરી દીધું. 1923માં બોરસદ સત્યાગ્રહ, હૈડીયા વેરા નહીં ભરવાનું આંદોલન કર્યું હતું. ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ ભજવ્યો હતો. જેલવાસ દરમ્યાન જેલમાં ગામઠી ગીતા સમજાવતા, આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત થઈ ગયા. 1955થી 1958 ત્રણ વર્ષ દરમ્યાન 71 વર્ષની ઉંમરે ભૂદાન માટે 6,000 કિલોમીટર ચાલ્યા હતા. આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક ભોજન લેતા અને તે પણ માત્ર લુખ્ખી ખીચડી. પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા અને તે કારણે જ ‘કરોડપતિ ભિખારી’ જેવું ઉપનામ પણ તેમને મળ્યું.
1 જુલાઇ 1984માં 100 વર્ષની ઉંમરે બોરસદ ખાતે તેમનું અવસાન થયું હતું. તો પછી તેઓ કેમ ગાંધી આશ્રમના ભ્રષ્ટાચારી ગાંધીયનનો બચાવ કરવા માટે મેદાને ઉતર્યા હતા. તે આજ સુધી કોયડો રહ્યો છે.
રવિશંકર મહારાજે ગાંધીઆશ્રમના ભ્રષ્ટાચારનો બચાવ કરતાં કહ્યું હતું કે, “શ્રી પટવારી ગાંધી શતાબ્દી વર્ષથી વકીલાતનો વ્યવસાય છોડીને પોતાનો સંપૂર્ણ સમય જાહેર સેવામાં આપે છે. જમાનો હરીજનોને વેચાણથી આપે છે. તેમની સામેના આરોપો મૂકવામાં આવ્યા છે તેમાં જરા પણ સત્ય નથી.”
પણ હકીકત એ હતી કે, આશ્રમ ગૌશાળાના મેનેજીંગ ટ્રસ્ટી સોમાભાઈ પટેલે વર્ષો સુધી ગૌશાળા ચલાવી હતી તેમણે સ્પષ્ટ જાહેર કર્યું હતું કે, ગૌશાળાના ટ્રસ્ટીઓએ લાખો રૂપિયાની ઉચાપત કરી છે. તેમણે આ અંગેની તમામ વિગતો જાહેર કરી હતી.
તેમ છતાં ગુજરાતમાં આજ સુધી સર્વમાન્ય સાદા વંદનીય એવા રવિશંકર મહારાજ કે જેમના હાથે ગુજરાત રાજ્યની સ્થાપના ગાંધીઆશ્રમમાં પહેલાં પ્રધાન મંડળની રચનાથી કરી હતી તેઓ કેમ બચાવવા મેદાને પડ્યા હતા. તે કોયડો આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી.
ગુજરાત હરિજન સેવક સંઘની કારોબારી સભ્ય જયંતી સુબોધે લખ્યું હતું કે, ગાંધીઆશ્રમની હરિજન કન્યાશાળામાંના ગૃહમાતા કંચનબેનના પુત્ર પ્રદીપ એક છોકરીને લઈને ભાગી ગયો હતો. થોડા દિવસ તેના ઉપર અત્યાચાર કરીને (આજની ભાષામાં બળાત્કાર) પરત ફર્યો હતો. પ્રદીપને ગુનેગાર ઠેરવવાના બદલે પેલી યુવતીને ગુનેગાર ઠેરવવામાં આવી હતી.
આવા અનેક કુકર્મોની તપાસ રવિશંકર મહારાજે તપાસ પંચના વડા તરીકે કરવાની હતી. જો સત્યની તપાસ થાય તો નગ્ન સત્ય બહાર આવી શકે તેમ હતું. ગાંધીજી સિવાય કોઈએ સત્યના પ્રયોગો કર્યા ન હતા. રવિશંકર મહારાજે પણ નહીં. તો તે સત્યવાદી હતા તો ગાંધીઆશ્રમમાં નગ્ન સત્યને કેમ છુપાવવા માટે તૈયાર થયા હતા. શું હતા તે રહસ્યો કે જે રવિશંકર મહારાજ પણ છુપાવવા માંગતા હતા ?
સત્યાગ્રહ એટલે શું ?
ગાંધીજી તેમની આત્મકથામાં સત્યાગ્રહ વિશે લખે છે કે, આમ એક પ્રકારની આત્મશુદ્ધિ કરી તે કેમ જાણે સત્યાગ્રહને અર્થે જ ન થઈ હોય એવી ઘટના (દક્ષિણ આફ્રિકા) જોહાનિસબર્ગમાં મારે સારુ તૈયાર થઈ રહી હતી. બ્રહ્મચર્યનું વ્રત લીધું ત્યાં સુધી મારી જિંદગીના બધા મુખ્ય બનાવો મને છૂપી રીતે તેને જ સારુ તૈયાર કરી રહ્યા હતા એમ હું અત્યારે જોઉં છું.
‘સત્યાગ્રહ’ શબ્દની ઉત્પત્તિ થઇ તે પહેલાં તે વસ્તુની ઉત્પત્તિ થઈ. ઉત્પત્તિ સમયે તો એ શું છે એ હું પોતે ઓળખી જ નહોતો શક્યો. તેને ગુજરાતીમાં ‘પૅસિવ રિઝિન્ટન્સ’ એ અંગ્રેજી નામે બહુ ઓળખવા લાગ્યા. જ્યારે એક ગોરાઓની સભામાં મે જોયું કે, ‘પૅસિવ રિઝિસ્ટન્સ’નો તો સંકુચિત અર્થ કરવામાં આવે છે, તેને નબળાઓનું જ હથિયાર કલ્પવામાં આવે છે, તેમાં દ્વેષ હોઈ શકે છે, અને તેનું અંતિમ સ્વરૂપ હિંસામાં પ્રગટી શકે છે, ત્યારે મારે તેની સામે થવું પડયું ને હિંદીઓની લડતનું ખરું સ્વરૂપ સમજાવવું પડયું. અને ત્યારે હિંદીઓને પોતાની લડતનું ઓળખાવવા સારુ નવો શબ્દ યોજવાની જરૂર પડી.
પણ મને તેવો સ્વતંત્ર શબ્દ કેમે કર્યો સૂઝે નહીં. તેથી તેને સારુ નામનું ઇનામ કાઢી ‘ઇન્ડિયન ઓપીનિયન’માં વાચકો વચ્ચે તેને સારુ હરીફાઈ કરાવી. આ હરીફાઈને પરિણામે સત્ + આગ્રહ એમ મેળવીને ‘સદાગ્રહ’ શબ્દ મગનલાલ ગાંધીએ બનાવી મોકલ્યો. તેમણે ઇનામ લીધું. પણ ‘સદાગ્રહ’ શબ્દને વધારે સ્પષ્ટ કરવા ખાતર મેં ‘ય’ અક્ષરને વચ્ચે ઉમેરીને ‘સત્યાગ્રહ’ શબ્દ બનાવ્યો, ને તે નામે ગુજરાતીમાં એ લડત ઓળખાવા લાગી.
તો પછી રવિશંકર મહારાજ કેમ અસત્યને બચાવી રહ્યાં હતા ?