ગુજરાતની ટ્રાફિક સમસ્યા હલ કરવાનો આદેશ આપનાર ન્યાયમૂર્તિની વિદાય

ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એમ.આર.શાહની પટણા વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમજ ન્યાયાધીશ કે.એસ.ઝવેરીની ઓરિસ્સાના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુકતી બદલ ગુજરાત વતી મંત્રી મંડળે શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા.

મંત્રી મંડળ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં  એમ.આર.શાહ તેમજ કે.એસ.ઝવેરીનું મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ગુજરાત વડી અદાલતના બે ન્યાયમૂર્તિ ની દેશના મહત્વપૂર્ણ એવા રાજ્યોમાં નિયુક્તીને ગુજરાતના ગૌરવ સમાન ગણાવી હતી.
ગુજરાતના ચીફ જસ્ટીસ આર.કે. સુભાષરેડ્ડી અને તેમની સમગ્ર ટીમ દ્વારા કેસોના ઝડપી નીકાલ માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા અને જણાવ્યું હતું કે, ન્યાયતંત્ર પર સમગ્ર દેશને ખૂબ વિશ્વાસ છે તેને ચરિતાર્થ કર્યું છે. એમ.આર.શાહ દ્વારા શહેરની ટ્રાફિક અને દબાણો માટેના નિર્ણય માટે વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. પ્રજાને સ્પર્શતી સમસ્યાઓને હલ કરવામાં ન્યાયતંત્રની સાથે રાજ્ય વહીવટીતંત્રનો હંમેશા સહયોગ રહ્યો છે અને તેનાથી પ્રજાજનોને લાભ થયો છે.

કે.એસ.ઝવેરીએ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, સમાજે મને આપ્યું છે તે મારી સેવાઓથી પરત કરવાનો પ્રયાસ કર્યો છે. એમ.આર.શાહે રાજ્ય સરકારના સહયોગને બિરદાવ્યો હતો અને જણાવ્યું હતું કે, ન્યાયતંત્રમાં ગુજરાતનું પ્રદાન હંમેશા મહત્વપૂર્ણ રહ્યું છે. સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશઓ, ગુજરાત હાઇકોર્ટના ન્યાયધીશશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.