ગુજરાતની દોડવીરાંગના સરિતા હવે રાજકીય પ્યાદુ બની ગઈ છે

 એશિયન ગેમ્સમાં રીલે દોડમાં ચાર યુવતીઓની સાથે ગોલ્ડ મેડલ જીત્યા બાદ સરિતા ગુજરાતના રાજકારણીઓ હવે તેનો ઉપયોગ પ્રસિદ્ધ મેળવવા અને તેમનો ઉપયોગ પ્યાદા તરીકે કરી રહ્યા છે. તેમની સિદ્ધિને આગળ કરીને બધાજ રાજકીય પક્ષો પોતાનો રોટલો શેકી રહ્યા છે. સરિતાને થતાં અન્યાયને આગળ ધરીને કોંગ્રેસના ધારાસભ્યે સરકાર અને ભાજપની ખેલકૂદ નીતિ અને સરકારની સામાજિક નીતિને પડકારી હતી. ભાજપે પણ એવું જ કર્યું છે. ગુજરાત સરકારે સન્માન કરી તેને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવી હતી.
ફરી સરિતાને પડખે રહીને ભાજપ પ્રચાર માટે ઉપયોગ કરી રહ્યા છે. 24 સપ્ટેમ્બર 2018ના રોજ ચીખલી ખાતે આવો જ એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મહત્વના નેતાઓ ત્યાં હાજર હતા. ખરેખર એક વખત એમનું સન્માન કરી દીધું હતું તો ફરી વખત સરિતાની પાસે જઈને ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓએ તેનો ઉપયોગ રાજકીય રીતે કરવાનો પ્રયત્ન કર્યો હતો. ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી બનેલી સરિતા ગાયકવાડ દોડીને ગૌરવ અપાવ્યું છે, પરંતુ હવે તે રાજકીય પક્ષો માટે દોડે એવી તમામ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. જે તેમની રમતની કારકિર્દી માટે નુકસાન કરી શકે છે.
 સરકારે તેમને બચાઓ બેટી પઢાઓ અને પોષણ આહારના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે. ગાંધીનગર ખાતે તેમનું સન્માન કરાયા બાદ ફરીથી ચીખલી કોલેજમાં શારદા ફાઉન્ડેશન તથા જીલ્લા પંચાયત અને રમત-ગમત કચેરી દ્વારા સન્માન સમારોહ યોજીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બોલાવાયા હતા અને તેમના હસ્તે સન્માન કરાયું હતું. શારદા ફાઉન્ડેશનના સ્થાપક દર્શન દેસાઈ તેમાંના એક છે. અગાઉ તેમણે એવું કહ્યું હતું કે સરિતાને કોલેજ દ્વારા તમામ પ્રકારની જરૂરિયાતો અને સવલતો પુરી પાડવામાં આવી હતી. જોકે તેમણે અગાઉ એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે સરિતાને રાજ્ય સરકારે જે ઇનામ આપવાની જાહેરાત કરી હતી તે આપવામાં આવ્યું નથી. તેઓ હવે એજ સરકારના નેતાઓને બોલાવીને
અહીં સન્માન કાર્યક્રમ ગોઠવીને ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓને હાથે એવોર્ડ આપવામાં આવી રહ્યાં છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય નરેશ પટેલ, પિયુષ દેસાઈ, સી આર પાટીલ, અમિતા પટેલ, પ્રફુલ શુક્લા અને જીતુભાઈ વાઘાણી પણ હાજર હતા. સોનલ દેસાઈ ના પરિવાર તરફથી સરિતાને ચાંદીની પ્લેટ આપવામાં આવી હતી. ભાજપ પાર્ટી, ક્વોરી એસોસિએશન, જિલ્લા પંચાયત તંત્ર દ્વારા એક એક લાખ રૂપિયા અપાયા હતા. નરેશ પટેલે એક એક મહિનાનો પગાર આપ્યો હતો.
સરિતાએ યુવાનોને એવું કહ્યું હતું કે તમારે જો આગળ વધવું હોય તો મોબાઇલ ફોનનો ઉપયોગ બંધ કરવો પડશે. જોઈએ એટલો જ એનો ઉપયોગ કરવો જોઈએ. નહીંતર તમે આગળ વધી શકશો નહીં. આ બધાની વચ્ચે એમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હાજરીમાં રોકડું પરખાવી દીધું હતું કે જ્યારે શરૂઆતમાં હું દોડતી હતી ત્યારે મારી પાસે દોડવા જરૂરી એવા સ્પાઈક વાળા સ્પોર્ટ્સ શુઝ પણ નહોતા. કોઈએ મને શુઝ પણ આપ્યા ન હતા. પરંતુ મારા કોલેજના ટ્રસ્ટી દર્શનભાઈએ મને શુઝ લાવી આપ્યા હતા. તેમણે ઘણો સહકાર આપ્યો હતો.
આમ રાજકીય પક્ષો સરિતાનો પોતાની સરકારની સિદ્ધિ તરીકે રાજકીય હાથા તરીકે ઉપયોગ કરવા માગતા હોય, પણ આ નેતાઓને સ્ટેજ ઉપરથી જ સ્પષ્ટ સંદેશો આપી દીધો હતો કે તેમને કોઈએ મદદ કરી નથી.