ઊનાકાંડના બહાને ગુજરાત, વેમુલાના બહાને આંધ્રપ્રદેશ સહિત દેશભરના શહેરી વિસ્તારો અને ભીમા કોરેગાંવના બહાને મહારાષ્ટ્રમાં જાતિવાદી સંઘર્ષ ભડકાવવામાં આ ગેંગ કેટલેક અંશે સફળ પણ રહ્યાં છે. ભીમ આર્મી, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, કનૈયા કુમાર, ઉમર ખાલિદ જેવાં અનેક મહોરાં છે, જેમને સેક્યુલર જમાતે પોતાનાં હથિયાર બનાવી રાખ્યાં છે અને આ હથિયારો થકી તે પોતાની રાજનૈતિક મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરવા ઘાંઘી બની છે.
આ શબ્દો જેમાં લખાયા છે તે, મુકેશભાઈ શાહ 50 વર્ષથી RSS સાથે સંકળાયેલા છે. તેઓ RSSના અખીલ ભારતીય પ્રચાર – પ્રસાર ટોળીના સભ્ય છે. લકુલીશ યોગ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ છે. સાધના સાપ્તાહિક સાથે 1998થી જોડાયેલા છે, તંત્રી અને ટ્રસ્ટી છે, ગુજરાતના રાજરાણને સારી રીતે પચાવી શકેલા સુરેશ ગાંધી પણ જોડાયેલા છે. આ મેગેઝીનની વેબસાઈટમાં સંજય ગોસાઇએ લખ્યું છે જે વિવાદ ઊભા કરી શકે તેમ છે.
શું છે એ વિવાદાસ્પદ લેખ
મોદી આવ્યા એટલે આંદોલનો પણ આવ્યા !
હિન્દુઓમાં ફૂટ પડાવી એકમેક સાથે લડાવી રાજ કરવાની આ પરંપરા નવી નથી. પહેલાં મુગલોએ, ત્યાર બાદ અંગ્રેજોએ અને હવે આ દેશની કથિત સેક્યુલર જમાત પણ આ જ રસ્તે ચાલી રહી છે. રાજ કરી રહી છે. 2014નાં પરિણામોમાં એક તારણ બહાર આવ્યું કે હિન્દુઓએ સૌપ્રથમ વખત જાતિ-પાતિના વાડાઓ ઠેકી રાષ્ટ્રવાદના નામે એક જ પક્ષને મત આપ્યા છે. 2014 બાદની રાજનીતિને જુઓ, અનેક રાજ્યોમાં અનામતને લઈ અલગ-અલગ આંદોલનોની પરંપરા ચાલી સવર્ણ-દલિત, દલિત-મરાઠા જેવાં હિંસક આંદોલનો 2014 બાદ અચાનક ફાટી નીકળ્યાં હતાં.
અજાણ્યા ચહેરાથી આંદોલન
ભારતના રાજકારણની પરંપરા રહી છે કે આવાં આંદોલન અને ઝઘડાઓ કોઈ અજાણ્યા ચહેરાના નેતૃત્વમાં શરૂ થાય છે, ત્યારબાદ ચૂંટણી પહેલાં તે કોઈ પક્ષમાં જોડાઈ જાય છે કે તેને સમર્થન આપી દે છે. 2014 બાદ દેશભરમાં હિન્દુ એકતાની હાક વાગતી હતી, જેને લઈ સમગ્ર દેશના હિન્દુઓમાં એક ઉત્સાહનું વાતાવરણ હતું. પરંતુ દેશમાં કેટલીક હિન્દુત્વ વિરોધી તાકાતો હિન્દુઓનો એ ઉત્સાહ લાંબો સમય ન ટકવા દેવાનાં ચૂપચાપ ષડયંત્રો કરી રહી હતી. જેનો પહેલો પ્રયોગ ગુજરાતમાં થયો. પહેલાં પટેલ આંદોલન અને ત્યારબાદ ઉનાની અમાનવીય ઘટનાએ પટેલો સામે અન્ય ગુજરાતી સમાજ તો દલિતો સામે સવર્ણોને લાવી દીધા.
ગુજરાત પ્રયોગ શાળા
2016નો ઊનાકાંડની ઘટનાને લઈ લો, જેમાં કથિત ગૌરક્ષકો દ્વારા કેટલાંક દલિતોને બેરહેમીપૂર્વક ફટકારવાની ઘટના બને છે. અને આશ્ચર્યજનક રીતે આ ઘટનાના સમાચાર કોઈ સ્થાનિક ન્યૂઝ ચેનલ્સમાં આવવાને બદલે છેક હૈદરાબાદની એક ન્યૂઝ ચેલન્સમાં પ્રસારિત થાય છે અને ગણતરીના કલાકોમાં જ એ વીડિયો સમગ્ર દેશમાં લોકોના મોબાઈલમાં પહોંચી જાય છે. પછી જે થયું તે સૌ કોઈ જાણે જ છે. જે ગુજરાત હિન્દુત્વની પ્રયોગશાળા ગણાતું તે ગુજરાતને જ્ઞાતિવાદની આગમાં ભડકે બાળવામાં મળેલી સફળતા બાદ હિન્દુત્વ વિરોધી ગેંગનો આત્મવિશ્વાસ વધ્યો, પરિણામે મહારાષ્ટ્રમાં ભીમા કોરેગાંવમાં જે 200 વર્ષોમાં ન થયું તેવી અનહોની થઈ.
ઢુંઢેરની ઘટના
ગત વર્ષે સાબરકાંઠાના ઢુંઢર ગામે દોઢ વર્ષની ઠાકોર સમાજની દીકરી પર ઉત્તર ભારતીય યુવાન દ્વારા બળાત્કારની ઘટના બને છે અને આ ઘટનાને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત કેટલાક તત્વો દ્વારા એટલી હદે ભડકાવવામાં આવે છે કે, રાજ્યભરમાં બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતનાં ઉત્તર ભારતીયો પર હુમલો શરૂ થાય છે. જેના પડઘા બિહાર, ઉત્તરપ્રદેશમાં પણ પડે છે. આ પ્રકારનાં બળાત્કારની ઘટનાઓ તો ૨૦૧૪ પહેલાં પણ બનતી હતી. લોકોના હિંસક વિરોધ પ્રદર્શનો પણ થતાં, પરંતુ બળાત્કારની ઘટનાને લઈ કોઈ વિશેષ પ્રદેશના લોકો પર હુમલાની ઘટના ગુજરાતમાં પ્રથમવાર બની હતી.
હિન્દુ લહેર
આપણી સૌથી મોટી કમનસીબી એ છે કે, આપણી આંખો ત્યારે ખૂલે છે, જ્યારે આપણી વિરુદ્ધ ખૂબ મોટા ષડયંત્રનો દાવ ચાલી ગયો હોય અને આપણુ ખૂબ મોટું નુકસાન થઈ ચૂક્યું હોય ત્યારે જઈને ક્યાંક આપણે એક સમાજના રૂપમાં સંગઠિત થઈએ છીએ. જ્યાં સુધી હિન્દુત્વ પર ખુલ્લેઆમ પ્રહાર થતા નથી ત્યાં સુધી ન તો કોઈ હિન્દુત્વની લહેર ઊઠે છે કે ન તો હિન્દુ એકતા.
વિરોધી મતદાન કરો
2019ની ચૂંટણીઓ હાથવેંતમાં છે. આવનારી ચૂંટણીઓએ ભારતનું ભવિષ્ય નક્કી કરનારી સાબિત થશે એ વાતમાં શંકાને સ્થાન નથી ત્યારે સત્તાપીપાસુ રાષ્ટ્રવિરોધી તત્ત્વો હિન્દુઓને વિભાજિત કરવા શૈતાનને પણ સારો કહેવડાવવા સુધીની હદે જશે. તેમની આ હદને કોઈ રાજકીય પક્ષ કે સંગઠન નહીં હિન્દુ સમાજ જ હદમાં રાખી શકશે. પ્રત્યેક જાત-પાતથી પર થઈને વિચારવાનો સમય છે. એક સમાજ તરીકે આપણી વચ્ચે અનેક મતભેદો હોઈ શકે છે, પરંતુ જ્યારે દેશની વાત આવે છે, ત્યારે રાષ્ટ્રધર્મ જ આપણો ધર્મ છે અને આપણા રાષ્ટ્રને બચાવવું એ સૌની ફરજ છે. જે લોકો દેશના ટુકડા-ટુકડા કરવાનાં, હિન્દુ-હિન્દુને લડાવવાનાં, હિન્દુ સમાજને ખંડ-ખંડ કરવાનાં સ્વપ્નો સેવી રહ્યા છે તેમનાં એ સ્વપ્નોને દુ:સ્વપ્ન બનાવી દેવાનો સમય 2019ની સામાન્ય ચૂંટણીઓ છે.