ગુજરાતમાં ખેડૂતો સાથે જોડાયેલી એકી સાથે ત્રણ વિચિત્ર ઘટના

ખેતી અને ગામ સાથે જોડાયેલી ત્રણ ઘટનાઓ ગુજરાતના ગ્રામ્ય જીવન અને કૃષિ અર્થતંત્રની પોલ ખોલે છે.

ભાવ ન મળતા ડુંગળી બકરાને ખવડાવી દીધી

ભાવ તળિયે પહોંચી જતા ડુંગળી હવે ગુજરાતના ખેડૂતોને રડાવી રહી છે. ભાવનગરના ખેડૂતો બેહાલ બન્યા છે. ડુંગળી તેઓ માર્કેટમાં વેચવા માટે જાય તો તેના પડતરના પૈસા મળતા નથી. ડુંગળીના ભાવ ઘટવાના કારણે જૂનાગઢના ખેડૂતોએ ડુંગળીનું વેચાણ કરવાના બદલે ડુંગળી ઘેટા-બકરા અને ઊંટને ખવડાવી રહ્યાં છે. ઓધમપુર ગામના ખેડૂત અલ્પેશ વઘાસીયાએ અને બીજા ખેડૂતો લાખો રૂપિયાની ખોટ કરીને પશુઓને ડુંગળી આપે છે. ખેડૂતોને તેનો વીમો મળવો જોઈએ તે પણ મળતો નથી. ખેત ઉત્પન્ન બજારમાં કિલોદીઠ ડુંગળીનો ભાવ એક અને બે રૂપિયા મળી રહ્યો છે. જેની પડતર રૂ7 છે. આમ ખેડૂતોને પડતારનો ભાવ મળતો નથી.

વરીયાળી પકવતા ખેડૂતોએ કર્યો ચક્કાજામ

ખેડૂતોના પાકના પુરતા ભાવ ન મળવાના કારણે ખેડૂતો દેવાના ડુંગર તળે દબાતા જાય છે. ત્યારે મોરબીના ખેડૂતોને વરીયાળીના સરખા ભાવ ન મળતા રસ્તા પર 3 કલાક સુધી ચક્કાજામ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ દિન-પ્રતિદિન કથળી રહી છે. રૂ.1,100નો ભાવ આપવામાં આવે છે અને ખેડૂતોએ રૂ.1,300 રૂપિયાના ભાવની માગણી કરી હતી.

દુલ્હન સાથે આખું ગામ નીકળ્યું પાણીની શોધમાં
ગુજરાતમાં નર્મદા યોજના પુરી થઈ ગઈ હોવા છતાં સિંચાઈ કરવાની સુવિધા સરકાર ઊભી કરી શકી નથી. પિવાનું પાણી દરેક ગામમાં આપી દેવામાં આવ્યું હોવાનું ભાજપ સરકાર કહે છે. પણ નર્મદા બંધની નજીક આવેલા છોટાઉદેપુરના નસવાડીના જાંબુઘોડા ગામમાં પીવાનું પાણી ન હોવાથી લગ્ન થઈ શકે તેમ ન હતા તેથી લગ્ન પ્રસંગને પાર પાડવા માટે પાણી ક્યાંથી લાવશું. જાનૈયાઓને પાણી પીવડાવવા માટે દુલ્હન પોતાના પરિવાર જનો સાથે ગામની તમામ મહિલાઓને સાથે રાખીને પીઠીની રસમ પછી ઢોલ નગારા અને શરણાઈના સુર સાથે આસપાસના ગામોમાં પાણીની શોધમાં નીકળી હતી. પશુઓ માટે કે સિંચાઈ માટે અહીં પાણી તો નથી પણ હવે લગ્નપ્રસંગે પાણી મળતું નથી.